________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૪ મું
܀܀܀܀܀
૯૪૭
વઢવાણ કૅમ્પ, કા. સુદ ૫, રવિ, ૧૯૫૭
વર્તમાન દુષમકાળ વર્તે છે. મનુષ્યોનાં મન પણ દુષમ જ જોવામાં આવે છે. ઘણું કરીને પરમાર્થથી શુષ્ક અંતઃકરણવાળા પરમાર્થનો દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે.
એવા વખતમાં કેનો સંગ કરવો, કેની સાથે કેટલું કામ પાડવું, કેની સાથે કેટલું બોલવું, કેની સાથે પોતાના કેટલા કાર્યવ્યવહારનું સ્વરૂપ વિદિત કરી શકાય; એ બધું લક્ષમાં રાખવાનો વખત છે. નહીં તો સવૃત્તિવાન જીવને એ બધાં કારણો હાનિકર્તા થાય છે. આનો આભાસ તો આપને પણ હવે ધ્યાનમાં આવતો હશે. શાંતિ:
૯૪૮
મુંબઈ, શિવ, માગશર વદ ૮, ૧૯૫૩
મદનરેખાનો અધિકાર, ‘ઉત્તરાધ્યયન’ના નવમા અધ્યયનને વિષે નમિરાજ ઋષિનું ચરિત્ર આપ્યું છે. તેની ટીકામાં છે. ઋષિભદ્રપુત્રનો અધિકાર 'ભગવતીસૂત્ર'ના ......... શતકને ઉદ્દેશે આવેલો છે. આ બન્ને અધિકાર અથવા બીજા તેવા ઘણા અધિકાર આત્મોપકારી પુરુષ પ્રત્યે વંદનાદિ ભક્તિનું નિરૂપણ કરે છે. પણ જનમંડળના કલ્યાણનો વિચાર કરતાં તેવો વિષય ચર્ચવાથી તમારે દૂર રહેવું યોગ્ય છે. અવસર પણ તેવો જ છે. માટે તમારે એ અધિકારાદિ ચર્ચવામાં તદ્દન શાંત રહેવું. પણ બીજી રીતે જેમ તે લોકોની તમારા પ્રત્યે ઉત્તમ લાગણી કિંવા ભાવના થાય તેમ વર્તવું, કે જે પૂર્વાપર ઘણા જીવોના હિતનો જ હેતુ થાય.
૧. શતક ૧૧ ઉદ્દેશ ૧૨.