________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૨ મું
૮૬૮
૬૩૩
વવાણિયા, ચૈત્ર વદ ૨, ગુરુ, ૧૯૫૫
પત્ર પ્રાપ્ત થયું. કોઈ વિશેષ નિવૃત્તિવાળા ક્ષેત્રમાં ચાતુર્માસ થાય તો આત્મોપકાર વિશેષ થવા યોગ્ય છે.
એ તરફ નિવૃત્તિવાળા ક્ષેત્રનો સંભવ છે.
મુનિઓ કચ્છનું રણ સમાધિપૂર્વક ઊતરી ધાંગધ્રા તરફ વિચરવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
તેઓ આપનો સમાગમ ત્વરાથી ઇચ્છે છે.
તેમનું ચાતુર્માસ પણ નિવૃત્તિવાળા ક્ષેત્રમાં થાય તેમ કરવા વિજ્ઞાપન છે.
૮૬૯
ૐ નમઃ
મોરબી, ચૈત્ર વદ ૯, ગુરુ, ૧૯૫૫
પત્ર અને વર્તમાનપત્ર મળ્યાં. 'આચારાંગસૂત્ર'ના એક વાક્ય સંબંધીનું ચર્ચાપત્રાદિ જોયું છે. ઘણું કરી થોડા દિવસમાં કોઈ સુજ્ઞ તરફથી તેનું સમાધાન બહાર પડશે. ત્રણેક દિવસ થયાં અત્ર સ્થિતિ છે.
આત્મહિત અતિ દુર્લભ છે એમ જાણી વિચારવાન પુરુષો અપ્રમત્તપણે તેની ઉપાસના કરે છે. તમારા સમીપવાસી સર્વે આત્માર્થી જનોને યથાવિનય પ્રાપ્ત થાય.
܀܀܀܀܀
૮૭૦
મોરબી, વૈશાખ સુદ ૬, સોમવાર, ૧૯૫૫
આત્માર્થી મુનિવરો હાલ ત્યાં સ્થિત હશે. તેમને સવિનય નીચે પ્રમાણે નિવેદન કરશો,
ધ્યાન, શ્રુતને અનુકૂળ ક્ષેત્રે ચાતુર્માસ કરવાથી ભગવત્ આજ્ઞાનું સંરક્ષણ થશે. સ્તંભતીર્થમાં જો તે અનુકૂળતા રહી શકે તેમ હોય તો તે ક્ષેત્રે ચાતુર્માસ કરતાં આજ્ઞાનું સંરક્ષણ છે.
જે સમ્રુતની મુનિ શ્રી દેવકીદિએ જિજ્ઞાસા દર્શાવી તે સમ્રુત લગભગ એક માસની અંદરમાં પ્રાપ્ત થવા યોગ્ય છે.
જો સ્તંભતીર્થમાં સ્થિતિ ન થાય તો કંઈક અન્ય નિવૃત્તિક્ષેત્રે સમાગમ યોગ બની શકે. સ્તંભતીર્થના ચાતુર્માસથી તે બનવું હાલ અશક્ય છે. જ્યાં સુધી બને ત્યાં સુધી કોઈ અન્ય નિવૃત્તિક્ષેત્રની વૃત્તિ રાખશો. કદાપિ બે વિભાગે મુનિઓએ વહેંચાઈ જવું પડે તો તેમ કરવામાં પણ આત્માર્થ દૃષ્ટિએ અનુકૂળ આવશે. અમે સહેજ માત્ર લખ્યું છે. આપ સર્વને જેમ દ્રવ્યક્ષેત્રાદિ જોઈ અનુકૂળ શ્રેયસ્કર લાગે તેમ પ્રવર્તવાનો અધિકાર છે.
એ પ્રમાણે સવિનય નમસ્કારપૂર્વક નિવેદન કરશો. વૈશાખ સુદ પૂર્ણિમા પર્વત ઘણું કરી આ ક્ષેત્રો તરફ સ્થિતિ થશે.
મે
܀܀܀܀
૮૭૧
મોરબી, વૈશાખ સુદ ૭, ૧૯૫૫
જો કોઈ નિવૃત્તિવાળા અન્ય ક્ષેત્રમાં વર્ષા-ચાતુર્માસનો યોગ બને તો તેમ કર્તવ્ય છે, અથવા સ્તંભતીર્થે ચાતુર્માસથી અનુકૂળતા રહે એમ જણાય તો તેમ કર્તવ્ય છે,
ધ્યાન, શ્રુતને ઉપકારક એવી યોગવાઈવાળા ગમે તે ક્ષેત્રે ચાતુર્માસની સ્થિતિ થવાથી આજ્ઞાનો અતિક્રમ નથી, એમ મુનિ શ્રી દેવકીદિને સવિનય જણાવશો.
અત્રે તરફ એક અઠવાડિયા પર્યંત સ્થિતિનો સંભવ છે. શ્રી વવાણિયે આજે ઘણું કરીને જવું થશે. ત્યાં એક અઠવાડિયા સુધી સ્થિતિ સંભવે છે.