________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૦ મં
૫૮૧
આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવર્તાવે છે એવા આચાર્ય ભગવાન: દ્વાદશાંગના અભ્યાસી અને તે શ્રુત શબ્દ, અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય જીવોને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન; મોક્ષમાર્ગને આત્મજાગૃતિપૂર્વક સાધતા એવા સાધુ ભગવાનને હું પરમ ભક્તિથી નમસ્કાર કરું છું.
શ્રી ઋષભદેવથી શ્રી મહાવીર પર્યંત વર્તમાન ભરતક્ષેત્રના ચોવીશ તીર્થંકરોના પરમ ઉપકારને વારંવાર સંભારું છું.
શ્રીમાન વર્ધમાન જિન વર્તમાન કાળના ચરમ તીર્થંકરદેવની શિક્ષાથી હાલ મોક્ષમાર્ગનું અસ્તિત્વ વર્તે છે એ તેમના ઉપકારને સુવિહિત પુરુષો વારંવાર આશ્ચર્યમય દેખે છે.
કાળના દોષથી અપાર શ્રુતસાગરનો ઘણો ભાગ વિસર્જન થતો ગયો અને બિંદુમાત્ર અથવા અલ્પમાત્ર વર્તમાનમાં વિદ્યમાન છે.
ઘણાં સ્થળો વિસર્જન થવાથી, ઘણાં સ્થળોમાં સ્થૂળ નિરૂપણ રહ્યું હોવાથી નિર્ગુથ ભગવાનના તે શ્રુતનો પૂર્ણ લાભ વર્તમાન મનુષ્યોને આ ક્ષેત્રે પ્રાપ્ત થતો નથી.
ઘણા મતમતાંતરાદિ ઉત્પન્ન થવાનો હેતુ પણ એ જ છે, અને તેથી જ નિર્મળ આત્મતત્ત્વના અભ્યાસી મહાત્માઓની અલ્પતા થઈ.
શ્રુત અલ્પ રહ્યા છતાં, મતમતાંતર ઘણાં છતાં, સમાધાનનાં કેટલાંક સાધનો પરોક્ષ છતાં, મહાત્માપુરુષોનું ક્વચિતત્વ છતાં, હું આર્યજનો ! સમ્યક્દર્શન, શ્રુતનું રહસ્ય એવો પરમપદનો પંથ, આત્માનુભવના હેતુ, સમ્યક઼ચારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે, એ પરમ હર્ષનું કારણ છે.
વર્તમાનકાળનું નામ દુષમકાળ છે. તેથી દુઃખ કરીને, - ઘણા અંતરાયથી, પ્રતિકૂળતાથી, સાધનનું દુર્લભપણું હોવાથી, - મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે; પણ વર્તમાનમાં મોક્ષમાર્ગનો વિચ્છેદ છે, એમ ચિંતવવું જોઈતું નથી.
પંચમકાળમાં થયેલા મહર્ષિઓએ પણ એમ જ કહ્યું છે. તે પ્રમાણે પણ અત્રે કહું છું.
સૂત્ર અને બીજાં પ્રાચીન આચાર્યે તદનુસાર રચેલાં ઘણાં શાસ્ત્રો વિદ્યમાન છે. સુવિહિત પુરુષોએ તો હિતકારી મતિથી જ રચ્યાં છે. કોઈ મતવાદી, હઠવાદી અને શિથિલતાના પોષક પુરુષોએ રચેલાં કોઈ પુસ્તકો સૂત્રથી અથવા જિનાચારથી મળતાં ન આવતાં હોય અને પ્રયોજનની મર્યાદાથી બાહ્ય હોય, તે પુસ્તકોના ઉદાહરણથી પ્રાચીન સુવિહિત આચાર્યોનાં વચનોને ઉત્થાપવાનું પ્રયત્ન ભવભીરુ મહાત્માઓ કરતા નથી; પણ તેથી ઉપકાર થાય છે, એમ જાણી તેનું બહુમાન કરતા છતાં યથાયોગ્ય સદુપયોગ કરે છે.
દિગંબર અને શ્વેતાંબર એવા બે ભેદ જિનદર્શનમાં મુખ્ય છે. મતદૃષ્ટિથી તેમાં મોટો અંતર જોવામાં આવે છે. તત્ત્વદૃષ્ટિથી તેવો વિશેષ ભેદ જિનદર્શનમાં મુખ્યપણે પરોક્ષ છે; જે પ્રત્યક્ષ કાર્યભૂત થઈ શકે તેવા છે, તેમાં તેવો ભેદ નથી; માટે બન્ને સંપ્રદાયમાં ઉત્પન્ન થતા ગુણવાન પુરુષો સમ્યક્રર્દષ્ટિથી જુએ છે; અને જેમ તત્ત્વપ્રીતિનો અંતરાય ઓછો થાય તેમ પ્રવર્તે છે.
જૈનાભાસથી પ્રવર્તેલાં મતમતાંતરો બીજાં ઘણાં છે, તેનું સ્વરૂપ નિરૂપણ કરતાં પણ વૃત્તિ સંકોચાય છે. જેમાં મૂળ પ્રયોજનનું ભાન નથી, એટલું જ નહીં પણ મૂળ પ્રયોજનથી વિરુદ્ધ એવી પદ્ધતિનું અવલંબન વર્તે છે; તેને મુનિપણાનું સ્વપ્ન પણ ક્યાંથી ? કેમકે મૂળ પ્રયોજનને વિસારી ક્લેશમાં પડ્યા છે; અને જીવોને, પોતાની પૂજ્યતાદિને અર્થે, પરમાર્થમાર્ગનાં અંતરાયક છે.
તે, મુનિનું લિંગ પણ ધરાવતા નથી, કેમકે સ્વકપોલરચનાથી તેમની સર્વ પ્રવૃત્તિ છે. જિનાગમ અથવા આચાર્યની પરંપરાનું નામ માત્ર તેમની પાસે છે, વસ્તુત્વે તો તે તેથી પરાખ જ છે.