________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૦ મું
૫૭૭
વૃથા છે, માટે તે દુઃખનું મૂળ કારણ જો યથાર્થ જાણવામાં આવે અને તે જ પ્રમાણે ઉપાય કરવામાં આવે તો દુઃખ મટે; નહીં તો નહીં જ મટે.
જે વિચારવાનો દુઃખનું યથાર્થ મૂળ કારણ વિચારવા ઊઠ્યા, તેમાં પણ કોઈક જ તેનું યથાર્થ સમાધાન પામ્યા અને ઘણા યથાર્થ સમાધાન નહીં પામતાં છતાં મતિવ્યામોહાદિ કારણથી યથાર્થ સમાધાન પામ્યા છીએ એમ માનવા લાગ્યા અને તે પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા અને ઘણા લોકો તેને અનુસરવા પણ લાગ્યા. જગતમાં જુદા જુદા ધર્મમત જોવામાં આવે છે તેની ઉત્પત્તિનું મુખ્ય કારણ એ જ છે.
“ધર્મથી દુઃખ મટે” એમ ઘણાખરા વિચારવાનોની માન્યતા થઈ. પણ ધર્મનું સ્વરૂપ સમજવામાં એકબીજામાં ઘણો તફાવત પડ્યો. ઘણા તો પોતાનો મૂળ વિષય ચૂકી ગયા; અને ઘણા તો તે વિષયમાં મતિ થાકવાથી અનેક પ્રકારે નાસ્તિકાદિ પરિણામોને પામ્યા.
દુઃખનાં મુળ કારણ અને તેની શી રીતે પ્રવૃત્તિ થઈ તેના સંબંધમાં થોડાક મુખ્ય અભિપ્રાયો અત્રે સંક્ષેપમાં જણાવવામાં આવે છે.
દુઃખ શું છે ? તેનાં મૂળ કારણો શું છે ? અને તે શાથી મટી શકે ? તે સંબંધી જિનો એટલે વીતરાગીએ પોતાનો જે મત દર્શાવ્યો છે તે અહીં સંક્ષેપમાં કહીએ છીએ
હવે, તે યથાર્થ છે કે કેમ ? તેનું અવલોકન કરીએ છીએઃ
જે ઉપાયો દર્શાવ્યા તે સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યક્ચારિત્ર અથવા તે ત્રણેનું એક નામ ‘સમ્યક્મોક્ષ’.
સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન, અને સમ્યક્ચારિત્રમાં સમ્યક્દર્શનની મુખ્યતા ઘણે સ્થળે તે વીતરાગોએ કહી છે; જોકે સમ્યકજ્ઞાનથી જ સમ્યક્દર્શનનું પણ ઓળખાણ થાય છે, તોપણ સમ્યક્દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખના હેતુરૂપે હોવાથી સમ્યક્દર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે.
જેમ જેમ સમ્યક્દર્શન શુદ્ધ થતું જાય છે, તેમ તેમ સમ્યક્ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે; અને ક્રમે કરીને સમ્યકચારિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે, અને ક્રમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે, અને આત્મા નિજપદમાં લીન થઈ સર્વ કર્મકલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાબાધ સુખના અનુભવસમુદ્રમાં સ્થિત થાય છે.
સમ્યક્દર્શનની પ્રાપ્તિથી જેમ જ્ઞાન સમ્યકત્વભાવને પામે છે એ સમ્યક્દર્શનનો પરમ ઉપકાર છે, તેમ સમયકદર્શન ક્રમે કરી શુદ્ધ થતું જઈ પૂર્ણ સ્થિર સ્વભાવ સમ્યક્ચારિત્રને પ્રાપ્ત થાય તેને અર્થે સમ્યકજ્ઞાનના ખળની તેને ખરેખરી આવશ્યકતા છે. તે સમ્યજ્ઞાનપ્રાપ્તિનો ઉપાય વીતરાગશ્રુત અને તે શ્રુતતત્ત્વોપદે મહાત્મા છે.
વીતરાગશ્રુતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલા અસંગ અને પરમકરુણાશીળ મહાત્માનો યોગ પ્રાપ્ત થવો અતિશય કઠણ છે. મહદ્ભાગ્યોદયના યોગથી જ તે યોગ પ્રાપ્ત થાય છે એમાં સંશય નથી. કહ્યું છે કે,-
तहारुवाणं समणाणं-
તે શ્રમણમહાત્માઓનાં પ્રવૃત્તિલક્ષણ પરમપુરુષે આ પ્રમાણે કહ્યાં છેઃ-