________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૯ મું
૫૨૯
તે પરમાર્થને પામે, અને નિજપદનો એટલે આત્મસ્વભાવનો લક્ષ લે. અર્થાત્ ઘણાને ક્રિયાજડત્વ વર્તે છે તેનો હેતુ એ છે કે અસદ્ગુરુ કે જે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનના સાધનને જાણતા નથી તેનો તેણે આશ્રય કર્યો છે; જેથી તેને માત્ર ક્રિયાજડત્વનો એટલે કાયક્લેશનો માર્ગ જાણે છે, તેમાં વળગાડે છે, અને કુળધર્મ દૃઢ કરાવે છે, જેથી તેને સદગુરુનો યોગ મેળવવાની આકાંક્ષા થતી નથી, અથવા તેવા યોગ મળ્યે પણ પક્ષની દઢ વાસના તેને સદુપદેશસન્મુખ થવા દેતી નથી, એટલે ક્રિયાજડત્વ ટળતું નથી; અને પરમાર્થની પ્રાપ્તિ થતી નથી.
અને જે શુષ્કજ્ઞાની છે તેણે પણ સદ્ગુરુના ચરણ સેવ્યા નથી, માત્ર પોતાની મતિકલ્પનાથી સ્વચ્છંદપણે અધ્યાત્મગ્રંથો વાંચ્યા છે, અથવા શુષ્કત્તાની સમીપથી તેવા ગ્રંથો કે વચનો સાંભળી લઈને પોતાને વિષે જ્ઞાનીપણું માન્યું છે, અને જ્ઞાની ગણાવાના પદનું એક પ્રકારનું માન છે તેમાં તેને મીઠાશ રહી છે, અને એ તેનો પક્ષ થયો છે; અથવા કોઈ એક કારણવિશેષથી શાસ્ત્રોમાં દયા, દાન, અને હિંસા, પૂજાનું સમાનપણું કહ્યું છે તેવાં વચનોને તેનો પરમાર્થ સમજ્યા વિના હાથમાં લઈને માત્ર પોતાને જ્ઞાની મનાવા અર્થે, અને પામર જીવના તિરસ્કારના અર્થે તે વચનોનો ઉપયોગ કરે છે, પણ તેવાં વચનો કયે લલ્લે સમજવાથી પરમાર્થ થાય છે તે જાણતો નથી. વળી જેમ દયાદાનાદિકનું શાસ્ત્રોમાં નિષ્ફળપણું કહ્યું છે તેમ નવપૂર્વ સુધી ભણ્યા છતાં તે પણ અફળ ગયું એમ જ્ઞાનનું પણ નિષ્ફળપણું કહ્યું છે, તો તે શુષ્કજ્ઞાનનો જ નિષેધ છે. એમ છતાં તેનો લક્ષ તેને થતો નથી, કેમકે જ્ઞાની બનવાના માને તેનો આત્મા મૂઢતાને પામ્યો છે, તેથી તેને વિચારનો અવકાશ રહ્યો નથી. એમ ક્રિયાજડ અથવા શુષ્કજ્ઞાની તે બન્ને ભૂલ્યા છે, અને તે પરમાર્થ પામવાની વાંછા રાખે છે, અથવા પરમાર્થ પામ્યા છીએ એમ કહે છે, તે માત્ર તેમનો દુરાગ્રહ તે પ્રત્યક્ષ દેખાય છે. જો સદ્ગુરુના ચરણ સેવ્યા હોત, તો એવા દુરાગ્રહમાં પડી જવાનો વખત ન આવત, અને આત્મસાધનમાં જીવ દોરાત, અને તથારૂપ સાધનથી પરમાર્થને પામત, અને નિજપદનો લક્ષ લેત; અર્થાત્ તેની વૃત્તિ આત્મસન્મુખ થાત.
વળી ઠામ ઠામ એકાકીપણે વિચરવાનો નિષેધ કર્યો છે, અને સદ્ગુરુની સેવામાં વિચરવાનો જ ઉપદેશ કર્યો છે; તેથી પણ એમ સમજાય છે કે જીવને હિતકારી અને મુખ્ય માર્ગ તે જ છે; અને અસદ્ગુરુથી પણ કલ્યાણ થાય એમ કહેવું તે તો તીર્થંકરાદિની, જ્ઞાનીની આશાતના કરવા સમાન છે, કેમકે તેમાં અને અસદ્ગુરૂમાં કંઈ ભેદ ન પડ્યો; જન્માંધ, અને અત્યંત શુદ્ધ નિર્મળ ચક્ષુવાળાનું કંઈ ન્યૂનાધિકપણું કર્યું જ નહીં. વળી કોઈ ‘શ્રી ઠાણાંગસૂત્ર'ની ચોભંગી' ગ્રહણ કરીને એમ કહે કે 'અભવ્યના તાર્યાં પણ તરે, તો તે વચન પણ વર્તાવ્યાધાત જેવું છે; એક તો મુળમાં 'ઠાણાંગ'માં તે પ્રમાણે પાઠ જ નથી; જે પાઠ છે તે આ પ્રમાણે છેઃ- તેનો શબ્દાર્થ આ પ્રમાણે છે............ આ તેનો વિશેષાર્થ ટીકાકારે આ પ્રમાણે કર્યો છેઃ- ......... જેમાં કોઈ સ્થળે અભવ્યના તાર્યા તરે એવું કહ્યું નથી; અને કોઈ એક ટબામાં કોઈએ એવું વચન લખ્યું છે તે તેની સમજનું અયથાર્થપણું સમજાય છે.
કદાપિ એમ કોઈ કહે કે અભવ્ય કહે છે તે યથાર્થ નથી, એમ ભાસવાથી યથાર્થ શું છે, તેનો લક્ષ થવાથી સ્વવિચારને પામીને તર્યા એમ અર્થ કરીએ તો તે એક પ્રકારે સંભવિત થાય છે, પણ તેથી અભવ્યના તાર્યા તર્યાં એમ કહી શકાતું નથી. એમ વિચારી જે માર્ગેથી અનંત જીવ તર્યા છે, અને તરશે તે માર્ગને અવગાહવો અને સ્વકલ્પિત અર્થનો માનાદિની જાળવણી છોડી દઈ ત્યાગ કરવો એ જ શ્રેય છે. જો અભવ્યથી તરાય છે એમ તમે કહો, તો તે અવશ્ય નિશ્ચય થાય છે કે અસદ્ગુરુથી તરાશે એમાં કશો સંદેહ નથી.
૧. જાઓ આંક ૫૪૨. ૨. મૂળ પાઠ મૂકવા ધારેલો પણ મુકાયો લાગતો નથી.