________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૯ મું
પપ
વર્ણાશ્રમાદિ, વર્ણાશ્રમાદિપૂર્વક આચાર તે સદાચારના અંગભૂત જેવા છે. વર્ણાશ્રમાદિપૂર્વક વિશેષ પારમાર્થિક હેતુ વિના તો વર્તવું યોગ્ય છે, એમ વિચારસિદ્ધ છે; જોકે વર્ણાશ્રમધર્મ વર્તમાનમાં બહુ નિર્બળ સ્થિતિને પામ્યો છે, તો પણ આપણે તો જ્યાં સુધી ઉત્કૃષ્ટ ત્યાગદશા ન પામીએ, અને જ્યાં સુધી ગૃહાશ્રમમાં વાસ હોય ત્યાં સુધી તો વાણિયારૂપ વર્ણધર્મને અનુસરવો તે યોગ્ય છે. કેમકે અભક્ષ્યાદિ ગ્રહણનો તેનો વ્યવહાર નથી. ત્યારે એમ આશંકા થવા યોગ્ય છે કે ‘લુહ્મણા પણ તે રીતે વર્તે છે, તો તેના અન્નાહારાદિ ગ્રહણ કરતાં શું હાનિ ?" તો તેના ઉત્તરમાં એટલું જણાવવું યોગ્ય થઈ શકે કે વગર કારણે તેવી રીતિ પણ બદલાવવી ઘટતી નથી, કેમકે તેથી પછી બીજા સમાગમવાસી કે પ્રસંગાદિ આપણી રીતિ જોનાર ગમે તે વર્ણનું ખાતાં ખાધ નથી એવા ઉપદેશના નિમિત્તને પામે. લુહાણાને ત્યાં અન્નાહાર લેવાથી વર્ણધર્મ હાનિ પામતો નથી; પણ મુસલમાનને ત્યાં અાહાર લેતાં તો વર્ણધર્મની હાનિનો વિશેષ સંભવ છે, અને વર્ણધર્મ લોપવારૂપ દોષ કરવા જેવું થાય છે. આપણે કંઈ લોકના ઉપકારાદિ હેતુથી તેમ વર્તવું થતું હોય, અને રસલુબ્ધતાબુદ્ધિથી તેમ વર્તવું ન થતું હોય, તોપણ બીજા તેનું અનુકરણ તે હેતુને સમજ્યા વિના ઘણું કરીને કરે, અને અંતે અભક્ષ્યાદિ ગ્રહણ કરવામાં પ્રવૃત્તિ કરે એવાં નિમિત્તનો હેતુ આપણું તે આચરણ છે, માટે તેમ નહીં વર્તવું તે, એટલે મુસલમાનાદિના અન્નાહારાદિનું ગ્રહણ નહીં કરવું તે, ઉત્તમ છે. તમારી વૃત્તિની કેટલીક પ્રતીતિ આવે છે. પણ તેથી ઊતરતી વૃત્તિ હોય તો તે જ પોતે અભણ્યાદિ આહારના યોગને ઘણું કરીને તે રસ્તે પામે. માટે એ પ્રસંગથી દૂર રહેવાય તેમ વિચારવું કર્ત્તવ્ય છે.
દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તો જ્યાં હિંસાનાં સ્થાનકો છે, તથા તેવા પદાર્થો લેવાય દેવાય છે, ત્યાં રહેવાનો તથા જવા આવવાનો પ્રસંગ ન થવા દેવો જોઈએ, નહીં તો જેવી જોઈએ તેવી ઘણું કરીને દયાની લાગણી ન રહે; તેમ જ અભક્ષ્ય પર વૃત્તિ ન જવા દેવા અર્થે, અને તે માર્ગની ઉન્નતિનાં નહીં અનુમોદનને અર્થે, અભક્ષ્યાદિ ગ્રહણ કરનારનો આહારાદિ અર્થે પરિચય ન રાખવો જોઈએ.
જ્ઞાનદૃષ્ટિએ જોતાં જ્ઞાત્યાદિ ભેદનું વિશેષાદિપણું જણાતું નથી, પણ ભક્ષ્યાભક્ષ્યભેદનો તો ત્યાં પણ વિચાર કર્તવ્ય છે, અને તે અર્થે મુખ્ય કરીને આ વૃત્તિ રાખવી ઉત્તમ છે. કેટલાંક કાર્યો એવાં હોય છે કે તેમાં પ્રત્યક્ષ દોષ હોતો નથી, અથવા તેથી દોષ થતો હોતો નથી, પણ તેને અંગે બીજા દોષોનો આશ્રય હોય છે, તે પણ વિચારવાનને લક્ષ રાખવો ઉચિત છે. નાતાલના લોકોના ઉપકાર અર્થે કદાપિ તમારું એમ પ્રવર્તવું થાય છે એમ પણ નિશ્ચય ન ગણાય; જો બીજે કોઈ પણ સ્થળે તેવું વર્તન કરતાં બાધ ભાસે, અને વર્તવાનું ન બને તો માત્ર તે હેતુ ગણાય. વળી તે લોકોના ઉપકાર અર્થે વર્તવું જોઈએ એમ વિચારવામાં પણ કંઈક તમારા સમજવાફેર થતું હશે એમ લાગ્યા કરે છે. તમારી સવૃત્તિની કંઈક પ્રતીતિ છે એટલે આ વિષે વધારે લખવું યોગ્ય દેખાતું નથી. જેમ સદાચાર અને સદ્વિચાર આરાધન થાય તેમ પ્રવર્તવું યોગ્ય છે.
બીજી ઊતરતી જ્ઞાતિઓ અથવા મુસલમાનાદિના કોઈ તેવાં નિમંત્રણોમાં અન્નાહારાદિને બદલે નહીં રાંધેલો એવો ફળાહાર આદિ લેતાં તે લોકોનો ઉપકાર સાચવવાનો સંભવ રહેતો હોય, તો તેમ અનુસરો તો સારું છે. એ જ વિનંતિ.