________________
૫૨૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
સર્વથા સ્વભાવપરિણામ તે મોક્ષ છે,
સદ્ગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર, સદ્વિચાર અને સંયમાદિ તેનાં સાધન છે.
આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીનાં પદ સાચાં છે, અત્યંત સાચાં છે, કેમકે પ્રગટ અનુભવમાં આવે છે. ભ્રાંતિપણે આત્મા પરભાવનો કર્તા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે.
કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભોગવે છે.
ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીના સર્વ ન્યૂનાધિક પર્યાય ભોગવવારૂપ ક્ષેત્ર અવશ્ય છે.
નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગ, તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે
કેવળજ્ઞાન છે.
તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યક્ત્વ છે.
નિરંતર તે પ્રીતિ વર્ત્યા કરે તે ક્ષાયિક સમ્યક્ત્વ કહીએ છીએ.
ક્વચિત્ મંદ, ક્વચિત્ તીવ્ર, ક્વચિત્ વિસર્જન, ક્વચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને ક્ષયોપશમ સમ્યકત્વ કહીએ છીએ.
તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યાં નથી, ત્યાં સુધી ઉપશમ સમ્યક્ત્વ કહીએ છીએ.
આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદન સમ્યકૃત્વ કહીએ છીએ.
અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે તેને વેદક સમ્યક્ત્વ કહીએ છીએ.
તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંધી અહંમમત્વાદિ, હર્ષ, શોક કર્મે કરી ક્ષય થાય.
મનરૂપ યોગમાં તારતમ્યસહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે. અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે સ્વભાવસ્થિતિ પામે છે.
નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાય કર્મના ક્ષયે પ્રગટ છે. કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન છે
કેવળજ્ઞાન છે.
૭૧૧
રાળજ, ભાદ્રપદ, ૧૯૫૨
બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન અને મીમાંસા એ પાંચ આસ્તિક દર્શનો એટલે બંધમોક્ષાદિ ભાવને સ્વીકારનારાં દર્શનો છે. નૈયાયિકના અભિપ્રાય જેવો જ વૈશેષિકનો અભિપ્રાય છે, સાંખ્ય જેવો જ યોગનો અભિપ્રાય છે, સહજ ભેદ છે તેથી તે દર્શન જુદાં ગવેષ્યાં નથી. પૂર્વ અને ઉત્તર એમ મીમાંસાદર્શનના બે ભેદ છે; પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસામાં વિચારનો ભેદ વિશેષ છે; તથાપિ મીમાંસા શબ્દથી બેયનું ઓળખાણ થાય છે; તેથી અત્રે તે શબ્દથી બેય સમજવાં, પૂર્વમીમાંસાનું 'જમિની' અને ઉત્તરમીમાંસાનું 'વેદાંત' એમ નામ પણ પ્રસિદ્ધ છે.
બૌદ્ધ અને જૈન સિવાયનાં બાકીનાં દર્શનો વેદને મુખ્ય રાખી પ્રવર્તે છે; માટે વેદાશ્રિત દર્શન છે; અને વેદાર્થ પ્રકાશી પોતાનું દર્શન સ્થાપવાનો પ્રયત્ન કરે છે. બૌદ્ધ અને જૈન વેદાશ્રિત નથી, સ્વતંત્ર દર્શન છે. આત્માદિ પદાર્થને નહીં સ્વીકારતું એવું ચાર્વાક નામે છઠ્ઠું દર્શન છે.
બૌદ્ધ દર્શનના મુખ્ય ચાર ભેદ છે:-૧. સૌત્રાંતિક, ૨. માધ્યમિક, ૩. શૂન્યવાદી અને ૪. વિજ્ઞાનવાદી. તે જાદે જાદે પ્રકારે ભાવોની વ્યવસ્થા માને છે.