________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૯ મું
૫૦૭
લાગે છે. અને તે આદિ કારણથી માત્ર પહોંચ લખવાનું પણ કર્યું નથી. ચિત્તને સહેજ પણ અવલંબન છે તે ખેંચી લેવાથી આર્ત્તતા પામશે, એમ જાણી તે દયાના પ્રતિબંધે આ પત્ર લખ્યું છે.
સૂક્ષ્મસંગરૂપ અને બાહ્યસંગરૂપ સ્તર સ્વયંભૂરમણસમુદ્ર ભુજાએ કરી જે વર્ધમાનાદિ પુરુષો તરી ગયા છે, તેમને પરમભક્તિથી નમસ્કાર હો ! પડવાના ભયંકર સ્થાનકે સાવચેત રહી, તથારૂપ સામર્થ્ય વિસ્તારી સિદ્ધિ સિદ્ધ કરી છે, તે પુરુષાર્થને સંભારી રોમાંચિત, અનંત અને મૌન એવું આશ્ચર્ય ઉપજે છે.
܀܀
૬૯૭
મુંબઈ, અસાડ વદ ૮, રવિ, ૧૯૫૨
ભુજાએ કરી જે સ્વયંભૂરમણસમુદ્ર તરી ગયા, તરે છે, અને તરશે
તે સત્પુરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર.
શ્રી અંબાલાલના લખેલા તથા શ્રી ત્રિભુવનના લખેલા તથા શ્રી દેવકરણ આદિના લખેલા પત્રો પ્રાપ્ત થયા છે.
પ્રારબ્ધરૂપ દુસ્તર પ્રતિબંધ વર્તે છે, ત્યાં કંઈ લખવું કે જણાવવું તે કૃત્રિમ જેવું લાગે છે; અને તેથી હમણાં પત્રાદિની માત્ર પહોંચ પણ લખવાનું કર્યું નથી. ઘણાં પત્રોને માટે તેમ થયું છે, તેથી ચિત્તને વિશેષ મુઝાવારૂપ થશે, તે વિચારરૂપ દયાના પ્રતિબંધે આ પત્ર લખ્યું છે. આત્માને મૂળજ્ઞાનથી ચલાયમાન કરી નાંખે એવા પ્રારબ્ધને વેદતાં આવો પ્રતિબંધ તે પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે, અને કોઈક વિકટ અવસરને વિષે એક વાર આત્માને મૂળજ્ઞાન વમાવી દેવા સુધીની સ્થિતિ પમાડે છે એમ જાણી, તેથી ડરીને વર્તવું યોગ્ય છે, એમ વિચારી પત્રાદિની પહોંચ લખી નથી; તે ક્ષમા કરવાની નમ્રતાસહિત પ્રાર્થના છે.
અહો ! જ્ઞાનીપુરુષની આશય ગંભીરતા, ધીરજ અને ઉપશમ ! અહો ! અહો ! વારંવાર અહો !
܀܀܀܀܀
૬૯૮
મુંબઈ, શ્રાવણ સુદ ૫, શુક્ર, ૧૯૫૨
જિનાગમમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ છ દ્રવ્ય કહ્યાં છે, તેમાં કાળને દ્રવ્ય કહ્યું છે; અને અસ્તિકાય પાંચ કહ્યાં છે. કાળને અસ્તિકાય કહ્યો નથી; તેનો શો હેતુ હોવો જોઈએ ? કદાપિ કાળને અસ્તિકાય ન કહેવામાં એવો હેતુ હોય કે ધર્માસ્તિકાયાદિ પ્રદેશના સમૂહરૂપે છે, અને પરમાણુ પુદ્ગલ તેવી યોગ્યતાવાળાં દ્રવ્ય છે, કાળ તેવી રીતે નથી, માત્ર એક સમયરૂપ છે; તેથી કાળને અસ્તિકાય કહ્યો નથી. ત્યાં એમ આશંકા થાય છે કે એક સમય પછી બીજો પછી ત્રીજો એમ સમયની ધારા વર્ચ્યા જ કરે છે, અને તે ધારામાં વચ્ચે અવકાશ નથી, તેથી એકબીજા સમયનું અનુસંધાનપણું અથવા સમૂહાત્મકપણું સંભવે છે; જેથી કાળ પણ અસ્તિકાય કહી શકાય.. વળી સર્વજ્ઞને ત્રણ કાળનું જ્ઞાન થાય છે, એમ કહ્યું છે તેથી પણ એમ સમજાય કે સર્વકાળનો સમૂહ જ્ઞાનગોચર થાય છે, અને સર્વ સમૂહ જ્ઞાનગોચર થતો હોય તો કાળ અસ્તિકાય સંભવે છે, અને જિનાગમમાં તેને અસ્તિકાય ગણ્યો નથી.' એ આશંકા લખેલ, તેનું સમાધાન નીચે લખ્યાર્થી વિચારવા યોગ્ય છે-
જિનાગમની એવી પ્રરૂપણા છે કે કાળ ઉપચારિક દ્રવ્ય છે, સ્વાભાવિક દ્રવ્ય નથી.
જે પાંચ અસ્તિકાય કહ્યાં છે, તેની વર્તનાનું નામ મુખ્યપણે કાળ છે. તે વર્તનાનું બીજ નામ પર્યાય પણ છે. જેમ ધર્માસ્તિકાય એક સમયે અસંખ્યાત પ્રદેશના સમૂહપે જણાય છે, તેમ કાળ સમુહરૂપે જણાતો નથી. એક સમય વર્તી લય પામે ત્યાર પછી બીજો સમય ઉત્પન્ન થાય છે. તે સમય દ્રવ્યની વર્તનાનો સૂક્ષ્મમાં સુક્ષ્મ ભાગ છે.