________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૯ મું
૫૦૧
કરવા પ્રત્યે વૃત્તિ નથી, અથવા એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી, કરવાથી ઉત્પન્ન થતાં ફળ પ્રત્યે જેની ઉદાસીનતા છે, તેવા કોઈ આપ્તપુરુષ તથારૂપ પ્રારબ્ધયોગથી પરિગ્રહ સંયોગાદિમાં વર્તતા દેખાતા હોય, અને જેમ ઇચ્છક પુરુષ પ્રવૃત્તિ કરે, ઉદ્યમ કરે, તેવા કાર્ય સહિત પ્રવર્તમાન જોવામાં આવતા હોય, તો તેવા પુરુષને વિષે જ્ઞાનદશા છે, એમ શી રીતે જાણી શકાય ? એટલે તે પુરુષ આપ્ત (પરમાર્થ અર્થે પ્રતીતિ કરવા યોગ્ય) છે, અથવા જ્ઞાની છે, એમ કયા લક્ષણે ઓળખી શકાય ? કદાપિ કોઈ મુમુક્ષુને બીજા કોઈ પુરુષના સત્સંગયોગથી એમ જાણવામાં આવ્યું, તો તે ઓળખાણમાં ભ્રાંતિ પડે તેવો વ્યવહાર તે સત્પુરુષ વિષે પ્રત્યક્ષ દેખાય છે, તે ભ્રાંતિ નિવૃત્ત થવા માટે મુમુક્ષુ જીવે તેવા પુરુષને કેવા પ્રકારથી ઓળખવા ઘટે કે જેથી તેવા વ્યવહારમાં વર્તતાં પણ જ્ઞાનલક્ષણપણું જતેના લક્ષમાં રહે ?
સર્વ પ્રકારે જેને પરિગ્રહાદિ સંયોગ પ્રત્યે ઉદાસીનપણું વર્તે છે, અર્થાત્ અહંમમત્વપણું તથારૂપ સંયોગો વિષે જેને થતું નથી, અથવા પરિક્ષીણ થયું છે; ‘અનંતાનુબંધી’ પ્રકૃતિથી રહિત માત્ર પ્રારબ્ધોદયથી વ્યવહાર વર્તતો હોય, તે વ્યવહાર સામાન્ય દશાના મુમુક્ષુને સંદેહનો હેતુ થઈ તેને ઉપકારભૂત થવામાં નિરોધરૂપ થતો હોય એવું તે જ્ઞાનીપુરુષ દેખે છે, અને તે અર્થે પણ પરિગ્રહ સંયોગાદિ પ્રારબ્ધોદય વ્યવહારની પરિક્ષીણતા ઇચ્છે છે, તેમ થતા સુધી કેવા પ્રકારથી તે પુરુષ વર્ચ્યા હોય, તો તે સામાન્ય મુમુક્ષુને ઉપકાર થવામાં હાનિ ન થાય ? પત્ર વિશેષ સંક્ષેપમાં લખવાનું થયું છે, પણ તે પ્રત્યે તમે તથા શ્રી અચળ વિશેષ મનન કરશો.
૬૮૮
મુંબઈ, વૈશાખ સુદ ૬, રવિ, ૧૯૫૨
પત્ર મળ્યું છે. તથા વચનોની પ્રત મળી છે. તે પ્રતમાં કોઈ કોઈ સ્થળે અક્ષરાંતર તથા શબ્દાંતર થયેલ છે, પણ ઘણું કરીને અર્થાતર થયેલ નથી, તેથી તેવી પ્રતો શ્રી સુખલાલ તથા શ્રી કુંવરજીને મોકલવામાં અડચણ જેવું નથી. પાછળથી પણ તે અક્ષર તથા શબ્દની શુદ્ધિ થઈ શકવા યોગ્ય છે.
܀܀܀܀܀
૬૮૯
વવાણિયા, વૈશાખ વદ ૬, રવિ, ૧૯૫૨
આર્ય શ્રી માણેકચંદાદિ પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ.
સુંદરલાલે વૈશાખ વદ એકમે દેહ છોડ્યાના ખબર લખ્યા તે વાંચ્યા. વિશેષ કાળની માંદગી વિના, યુવાન અવસ્થામાં અકસ્માત દેહ છોડવાનું બન્યાથી સામાન્યપણે ઓળખતા માણસોને પણ તે વાતથી ખેદ થયા વિના ન રહે, તો પછી જોણે કુટુંબાદિ સંબંધસ્નેહે મૂર્છા કરી હોય, સહવાસમાં વસ્યા હોય, તે પ્રત્યે કંઈ આશ્રયભાવના રાખી હોય, તેને ખેદ થયા વિના કેમ રહે ? આ સંસારમાં મનુષ્યપ્રાણીને જે ખેદના અકથ્ય પ્રસંગો પ્રાપ્ત થાય છે, તે અકથ્ય પ્રસંગમાંનો એક આ મોટો ખેદકારક પ્રસંગ છે. તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદવિશેષને પ્રાપ્ત થાય છે, અને યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્યવિશેષ થાય છે, સંસારનું અશરણપણું, અનિત્યપણું અને જઅસારપણું વિશેષ દૃઢ થાય છે.
વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગનો મૂર્છાભાવે ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે, અને વૈરાગ્યરૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ ભાસે છે, અને તે સત્ય છે. મૂર્છાભાવે ખેદ કર્યાથી પણ જે સંબંધીનો વિયોગ થયો છે, તેની પ્રાપ્તિ થતી નથી, અને જે મૂર્છા થાય છે તે પણ અવિચારદશાનું ફળ છે, એમ વિચારી વિચારવાન પુરુષો તે મૂર્છાભાવ પ્રત્યયી ખેદને શમાવે છે, અથવા ઘણું કરીને તેવો ખેદ તેમને થતો નથી. કોઈ રીતે તેવા ખેદનું હિતકારીપણું દેખાતું નથી, અને બનેલો પ્રસંગ ખેદનું નિમિત્ત છે, એટલે તેવે અવસરે વિચારવાન પુરુષોને જીવને હિતકારી