________________
http://www.ShrimadRajchandra.org
૪૯૮
શ્રીમદ્ રાજચંદ્ર
૬. ‘કેવળજ્ઞાન’ના સ્વરૂપનો વિચાર દુર્ગમ્ય છે, અને શ્રી ડુંગર કેવળ-કોટીથી તેનો નિર્ધાર કરે છે, તેમાં જોકે તેમનો અભિનિવેશ નથી, પણ તેમ તેમને ભાસે છે, માટે કહે છે, માત્ર 'કેવળ-કોટી' છે, અને ભૂત ભવિષ્યનું કંઈ પણ જ્ઞાન કોઈને ન થાય એવી માન્યતા કરવી ઘટતી નથી. ભૂત ભવિષ્યનું યથાર્થ જ્ઞાન થવા યોગ્ય છે; પણ તે કોઈક વિરલા પુરુષોને, અને તે પણ વિશુદ્ધ ચારિત્ર તારતમ્યું, એટલે તે સંદેહરૂપ લાગે છે, કેમકે તેવી વિશુદ્ધ ચારિત્રતારતમ્યતા વર્તમાનમાં અભાવ જેવી વર્તે છે. ‘કેવળજ્ઞાન”નો અર્થ વર્તમાનમાં શાસ્ત્રવેત્તા માત્ર શબ્દબોધથી જે કહે છે, તે યથાર્થ નથી, એમ શ્રી ડુંગરને લાગતું હોય તો તે સંભવિત છે; વળી ભૂત ભવિષ્ય જાણવું એનું નામ કેવળજ્ઞાન' છે એવી વ્યાખ્યા મુખ્યપણે શાસ્ત્રકારે પણ કહી નથી. જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને ‘કેવળજ્ઞાન’ જ્ઞાનીપુરુષોએ કહ્યું છે, અને તે જ્ઞાનમાં મુખ્ય તો આત્મસ્થિતિ અને આત્મસમાધિ કહ્યા છે. જગતનું જ્ઞાન થવું એ આદિ કહ્યું છે, તે અપૂર્વ વિષયનું ગ્રહણ સામાન્ય જીવોથી થવું અશક્ય જાણીને કહ્યું છે, કેમકે જગતના જ્ઞાન પર વિચાર કરતાં કરતાં આત્મસામર્થ્ય સમજાય. શ્રી ડુંગર, મહાત્મા શ્રી ઋષભાદિને વિષે કેવળકોટી કહેતા ન હોય, અને તેમના આજ્ઞાવર્તી એટલે જેમ મહાવીરસ્વામીના દર્શને પાંચસેં મુમુક્ષુઓ કેવળજ્ઞાન પામ્યા તે આજ્ઞાવર્તીને કેવળજ્ઞાન કહ્યું છે, તે ‘કેવળજ્ઞાન’ને ‘કેવળ-કોટી’ કહેતા હોય, તો તે વાત કોઈ પણ રીતે ઘટે છે. એકાંત કેવળજ્ઞાનનો શ્રી ડુંગર નિષેધ કરે, તો તે આત્માનો નિષેધ કરવા જેવું છે. લોકો હાલ ‘કેવળજ્ઞાન'ની જે વ્યાખ્યા કરે છે તે ‘કેવળજ્ઞાન'ની વ્યાખ્યા વિરોધવાળી દેખાય છે, એમ તેમને લાગતું હોય તો તે પણ સંભવિત છે; કેમકે માત્ર 'જગતજ્ઞાન' તે 'કેવળજ્ઞાન'નો વિષય વર્તમાન પ્રરૂપણામાં ઉપદેશાય છે. આ પ્રકારનું સમાધાન લખતા ઘણા પ્રકારના વિરોધ ર્દષ્ટિગોચર થાય છે, અને તે વિરોધો દર્શાવી તેનું સમાધાન લખવાનું હાલ તરતમાં બનવું અશક્ય છે તેથી, સંક્ષેપમાં સમાધાન લખ્યું છે. સમાધાનસમુચ્ચયાર્થ આ પ્રમાણે છેઃ-
"આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ ભજે, તેનું નામ 'કેવળજ્ઞાન' મુખ્યપણે છે, સર્વ પ્રકારના રાગદ્વેષનો અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ પ્રગટવા યોગ્ય છે, તે સ્થિતિમાં જે કંઈ જાણી શકાય તે ‘કેવળજ્ઞાન' છે; અને તે સંદેહ યોગ્ય નથી. શ્રી ડુંગર ‘કેવળ-કોટી' કહે છે, તે પણ મહાવીરસ્વામી સમીપે વર્તતા આજ્ઞાવર્તી પાંચર્સે કેવલી જેવા પ્રસંગમાં સંભવિત છે. જગતના જ્ઞાનનો લક્ષ મૂકી શુદ્ધ આત્મજ્ઞાન તે ‘કેવળજ્ઞાન’ છે, એમ વિચારતાં આત્મદશા વિશેષપણું ભજે.” એ પ્રમાણે આ પ્રશ્નના સમાધાનનો સંક્ષેપ આશય છે. જેમ બને તેમ જગતના જ્ઞાન પ્રત્યેનો વિચાર છોડી સ્વરૂપજ્ઞાન થાય તેમ કેવળજ્ઞાનનો વિચાર થવા અર્થે પુરુષાર્થ કર્તવ્ય છે. જગતનું જ્ઞાન થવું તેનું નામ ‘કેવળજ્ઞાન' મુખ્યાર્થપણે ગણવા યોગ્ય નથી. જગતના જીવોને વિશેષ લક્ષ થવા અર્થે વારંવાર જગતનું જ્ઞાન સાથે લીધું છે; અને તે કંઈ કલ્પિત છે એમ નહીં, પણ તે પ્રત્યે અભિનિવેશ કરવા યોગ્ય નથી. આ ઠેકાણે વિશેષ લખવાની ઇચ્છા થાય છે, અને તે રોકવી પડે છે; તોપણ સંક્ષેપમાં ફરી લખીએ છીએ. આત્માને વિષેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે ‘કેવળજ્ઞાન’ છે, અને જગતજ્ઞાનપણે તેને વારંવાર જિનાગમમાં કહ્યું છે, તે માહાત્મ્યથી કરી બાહ્યદૃષ્ટિ જીવો પુરુષાર્થમાં પ્રવર્તે તે હેતુ છે.”
અત્રે શ્રી ડુંગરે ‘કેવળ કોટી” સર્વથા એમ કહી છે. એવું કહેવું યોગ્ય નથી. અમે અંતરાત્મપણે પણ તેવું માન્યું નથી. તમે આ પ્રશ્ન લખ્યું એટલે કંઈક વિશેષ હેતુ વિચારી સમાધાન લખ્યું છે; પણ હાલ તે પ્રશ્નનું સમાધાન કરવા વિષે જેટલું મૌન રહેવાય તેટલું ઉપકારી છે એમ ચિત્તમાં રહે છે. બાકીના પ્રશ્નોનું સમાધાન સમાગમે ધારશો.