________________
૪૯૬
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૬૭૯
મુંબઈ, ચૈત્ર સુદ ૧૧, ૬, ૧૯૫૨
આત્મનિષ્ઠ શ્રી સૌભાગ પ્રત્યે, શ્રી સાયલા,
સદ્ગુરુચરણાય નમઃ
ફાગણ વદ ૬ ના કાગળમાં લખેલાં પ્રશ્નોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે, તે વિચારશો.
૧. જે જ્ઞાનમાં દાદિ અધ્યાસ મઢ્યો છે, અને અન્ય પદાર્થને વિષે અહંતામમતા વર્તતાં નથી, તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત્ જ્ઞાન સ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને ‘નિરાવરણજ્ઞાન' કહેવા યોગ્ય છે.
૨. સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવો કઠણ છે, એ વાત યથાર્થ છે; કેમકે કંઈક શુષ્કજ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે, એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોયાથી શુષ્કજ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને, મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેવાં વચનથી ભ્રાંતિ પામે; પણ ઉત્કૃષ્ટદશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્કજ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જેવી શબ્દ જોઈ પ્રાયે ભ્રાંતિ પામવા યોગ્ય નથી, કેમકે શુષ્કજ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી.
જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવસહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. શુક્ષ્મજ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી; સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરોધપણું તે શુષ્કજ્ઞાનીની વાણીને વિષે વર્તવા યોગ્ય નથી, કેમકે યથાસ્થિત પદાર્થદર્શન તેને હોતું નથી; અને તેથી ઠામઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે.
એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્કજ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. જ્ઞાનીપુરુષને તો સહજસ્વભાવે તેનું ઓળખાણ છે, કેમકે પોતે ભાનસહિત છે, અને ભાનસહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં, એમ સહેજ તે જાણે છે.
અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ જેને સમજાયો છે, તેને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ સહેજે સમજાવા યોગ્ય છે. અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે, એવા જ્ઞાનીપુરુષને શુષ્કજ્ઞાનીનાં વચન ભ્રાંતિ કેમ કરી શકે ? બાકી સામાન્ય જીવોને અથવા મંદદશા અને મધ્યમદશાના મુમુક્ષુને શુષ્કજ્ઞાનીનાં વચનો સાદૃશ્યપણે જોવામાં આવ્યાથી બન્ને જ્ઞાનીનાં વચનો છે એમ ભ્રાંતિ થવાનો સંભવ છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી, કેમકે જ્ઞાનીનાં વચનોની પરીક્ષાનું બળ તેને વિશેષપણે સ્થિર થયું છે.
પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય, અને માત્ર તેની મુખવાણી રહી હોય તોપણ વર્તમાનકાળે જ્ઞાનીપુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાનીપુરુષની છે; કેમકે રાત્રિદિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિષે આશય ભેદ હોય છે, અને આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાળી વાણી નીકળે છે. તે આશય, વાણી પરથી ‘વર્તમાન જ્ઞાનીપુરુષ'ને સ્વાભાવિક ર્દષ્ટિગત થાય છે. અને કહેનાર પુરુષની દશાનું તારતમ્ય લક્ષગત થાય છે. અત્રે જે ‘વર્તમાન જ્ઞાની’ શબ્દ લખ્યો છે, તે કોઈ વિશેષ પ્રજ્ઞાવંત, પ્રગટ બોધબીજસહિત પુરુષ શબ્દના અર્થમાં લખ્યો છે. જ્ઞાનીનાં વચનોની પરીક્ષા સર્વ જીવને સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હોત.
૩. જિનાગમમાં મતિ શ્રુત આદિ જ્ઞાનના પાંચ પ્રકાર કહ્યા છે, તે જ્ઞાનના પ્રકાર સાચા છે.