________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૮ મું
૪૬૭
અષ્ટ મહાસિદ્ધિ આદિ જે જે સિદ્ધિઓ કહી છે. “ૐ” આદિ મંત્રયોગ કહ્યાં છે, તે સર્વ સાચાં છે. આત્મશ્ચર્ય પાસે એ સર્વ અલ્પ છે. જ્યાં આત્મસ્થિરતા છે, ત્યાં સર્વ પ્રકારના સિદ્ધિયોગ વસે છે. આ કાળમાં તેવા પુરુષો દેખાતા નથી, તેથી તેની અપ્રતીતિ આવવાનું કારણ છે, પણ વર્તમાનમાં કોઈક જીવમાં જ તેવી સ્થિરતા જોવામાં આવે છે, ઘણા જીવોમાં સત્ત્વનું ન્યૂનપણું વર્તે છે, અને તે કારણે તેવા ચમત્કારાદિનું દેખાવાપણું નથી, પણ તેનું અસ્તિત્વ નથી એમ નથી. તમને અંદેશો રહે છે એ આશ્ચર્ય લાગે છે. જેને આત્મપ્રતિ ઉત્પન્ન થાય તેને સહેજે એ વાતનું નિઃશંકપણું થાય, કેમકે આત્મામાં જે સમર્થપણું છે, તે સમર્થપણા પાસે એ સિદ્ધિલબ્ધિનું કાંઈ પણ વિશેષપણું નથી.
એવા પ્રશ્નો કોઈ કોઈ વાર લખો છો તેનું શું કારણ છે, તે જણાવશો. એ પ્રકારનાં પ્રશ્નો વિચારવાનને કેમ હોય ? શ્રી ડુંગરને નમસ્કાર. કંઈ જ્ઞાનવાર્તા લખશો.
૬૦૨
મુંબઈ, જેઠ સુદ ૧૦, રવિ, ૧૯૫૧
મનમાં રાગદ્વેષાદિનાં પરિણામ થયા કરે છે, તે સમયાદિ પર્યાય ન કહી શકાય; કેમકે સમયનું અત્યંત સૂક્ષ્મપણું છે, અને મનપરિણામનું સૂક્ષ્મપણું તેવું નથી. પદાર્થનો અત્યંતમાં અત્યંત સૂક્ષ્મપરિણતિનો પ્રકાર છે, તે સમય છે.
રાગદ્વેષાદિ વિચારોનું ઉદ્ભવ થવું તે જીવે પૂર્વોપાર્જિત કરેલાં કર્મના યોગથી છે; વર્તમાનકાળમાં આત્માનો પુરુષાર્થ કંઈ પણ તેમાં હાનિવૃદ્ધિમાં કારણરૂપ છે, તથાપિ તે વિચાર વિશેષ ગહન છે,
શ્રી જિને જે સ્વાધ્યાય કાળ કહ્યા છે, તે યથાર્થ છે. તે તે (અકાળના) પ્રસંગે પ્રાણાદિનો કંઈ સંધિભેદ થાય છે. ચિત્તને વિક્ષેપનિમિત્ત સામાન્ય પ્રકારે હોય છે, હિંસાદિ યોગનો પ્રસંગ હોય છે, અથવા કોમળ પરિણામમાં વિઘ્નભૂત કારણ હોય છે, એ આદિ આશ્રયે સ્વાધ્યાયનું નિરૂપણ કર્યું છે.
અમુક સ્થિરતા થતા સુધી વિશેષ લખવાનું બની શકે તેમ નથી; તોપણ બન્યો તેટલો પ્રયાસ કરી આ ૩ પત્તાં લખ્યાં છે.
903
મુંબઈ, જેઠ સુદ ૧૦, રવિ, ૧૯૫૧
જ્ઞાનીપુરુષને જે સુખ વર્તે છે, તે નિજસ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. બાહ્યપદાર્થમાં તેને સુખબુદ્ધિ નથી, માટે તે તે પદાર્થથી જ્ઞાનીને સુખદુઃખાદિનું વિશેષપણું કે ઓછાપણું કહી શકાતું નથી. જોકે સામાન્યપણે શરીરના સ્વાસ્થ્યાદિથી શાતા અને જ્વરાદિથી અશાતા જ્ઞાની અને અજ્ઞાની બન્નેને થાય છે, તથાપિ જ્ઞાનીને તે તે પ્રસંગ વિષાદનો હેતુ નથી, અથવા જ્ઞાનના તારતમ્યમાં યુનપણું હોય તો કંઈક હર્ષવિષાદ તેથી થાય છે, તથાપિ કેવળ અજાગૃતતાને પામવા યોગ્ય એવા હર્ષવિષાદ થતા નથી. ઉદયબળે કંઈક તેવાં પરિણામ થાય છે, તોપણ વિચારજાગૃતિને લીધે તે ઉદય ક્ષીણ કરવા પ્રત્યે જ્ઞાનીપુરુષનાં પરિણામ વર્તે છે.
વાયુફેર હોવાથી વહાણનું બીજી તરફ ખેંચાવું થાય છે, તથાપિ વહાણ ચલાવનાર જેમ પહોંચવા યોગ્ય માર્ગ ભણી તે વહાણને રાખવાના પ્રયત્નમાં જ વર્તે છે, તેમ જ્ઞાનીપુરુષ મન, વચનાદિ યોગને નિજભાવમાં સ્થિત થવા ભણી જ પ્રવર્તાવે છે; તથાપિ ઉદયવાયુયોગે યત્કિંચિત્ દશાફેર થાય છે, તોપણ પરિણામ, પ્રયત્ન સ્વધર્મને વિષે છે. જ્ઞાની નિર્ધન હોય અથવા ધનવાન હોય, અજ્ઞાની નિર્ધન હોય અથવા ધનવાન હોય, એવો કંઈ નિયમ નથી. પૂર્વનિષ્પન્ન શુભઅશુભ કર્મ પ્રમાણે બન્નેને ઉદય વર્તે છે. જ્ઞાની ઉદયમાં