________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૮ મું
૫૭૪
૪૫૫
મુંબઈ, ફાગણ, ૧૯૫૧
બનતાં સુધી તૃષ્ણા ઓછી કરવી જોઈએ. જન્મ, જરા, મરણ, કોનાં છે ? કે જે તૃષ્ણા રાખે છે તેનાં જન્મ, જરા, મરણ છે. માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતા જવું.
૫૭૫
મુંબઈ, ફાગણ, ૧૯૫૧
જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાનીપુરુષનાં વચનો આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થંકરે કહ્યું છે, તે સત્ય છે. બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનોનો આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે. બોધબીજની પ્રાપ્તિ થયે, નિર્વાણમાર્ગની યથાર્થ પ્રતીત થયે પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાનીપુરુષનો આશ્રય મુખ્ય સાધન છે; અને તે ઠેઠ પૂર્ણ દશા થતાં સુધી છે; નહીં તો જીવને પતિત થવાનો ભય છે, એમ માન્યું છે, તો પછી પોતાની મેળે અનાદિથી ભ્રાંત એવા જીવને સદ્ગુરુના યોગ વિના નિજસ્વરૂપનું ભાન થવું અશક્ય છે, એમાં સંશય કેમ હોય ? નિજસ્વરૂપનો દૃઢ નિશ્ચય વર્તે છે તેવા પુરુષને પ્રત્યક્ષ જગવ્યવહાર વારંવાર ચૂકવી દે એવા પ્રસંગ પ્રાપ્ત કરાવે છે, તો પછી તેથી ન્યૂનદશામાં ચૂકી જવાય એમાં આશ્ચર્ય શું છે ? પોતાના વિચારના બળે કરી, સત્સંગ-સત્શાસ્ત્રનો આધાર ન હોય તેવા પ્રસંગમાં આ જગવ્યવહાર વિશેષ બળ કરે છે, અને ત્યારે વારંવાર શ્રી સદ્ગુરુનું માહાત્મ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપરોક્ષ સત્ય દેખાય છે.
૫૭૬
મુંબઈ, ચૈત્ર સુદ ૬, સોમ, ૧૯૫૧
આજે પત્ર ૧ પહોંચ્યું છે. અત્ર કુશળતા છે. પત્ર લખતાં લખતાં અથવા કંઈ કહેતાં કહેતાં વારંવાર ચિત્તની અપ્રવૃત્તિ થાય છે, અને કલ્પિતનું આટલું બધું માહાત્મ્ય શું ? કહેવું શું ? જાણવું શું ? શ્રવણ કરવું શું ? પ્રવૃત્તિ શી ? એ આદિ વિક્ષેપથી ચિત્તની તેમાં અપ્રવૃત્તિ થાય છે; અને પરમાર્થસંબંધી કહેતાં લખતાં તેથી બીજા પ્રકારના વિક્ષેપની ઉત્પત્તિ થાય છે, જે વિક્ષેપમાં મુખ્ય આ તીવ્ર પ્રવૃત્તિના નિરોધ વિના તેમાં, પરમાર્થકથનમાં પણ અપ્રવૃત્તિ હાલ શ્રેયભૂત લાગે છે, આ કારણ વિષે આગળ એક પત્ર સવિગત લખ્યું છે, એટલે વિશેષ લખવા જેવું અત્રે નથી, માત્ર ચિત્તમાં અત્રે વિશેષ સ્ફૂર્તિ થવાથી લખ્યું છે.
મોતીના વેપાર વગેરેની પ્રવૃત્તિ વધારે ન કરવા સંબંધીનું બને તો સારું, એમ લખ્યું તે યથાયોગ્ય છે; અને ચિત્તની નિત્ય ઇચ્છા એમ રહ્યા કરે છે. લોભહેતુથી તે પ્રવૃત્તિ થાય છે કે કેમ ? એમ વિચારતાં લોભનું નિદાન જણાતું નથી. વિષયાદિની ઇચ્છાએ પ્રવૃત્તિ થાય છે, એમ પણ જણાતું નથી; તથાપિ પ્રવૃત્તિ થાય છે, એમાં સંદેહ નથી. જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે એમ લાગે છે, અત્રે એ લાગે છે તે યથાર્થ હશે કે કેમ ? તે માટે વિચારવાન પુરુષ જે કહે તે પ્રમાણ છે. એ જ વિનંતિ.
૫૭૭
લિ. રાયચંદના પ્રણામ.
મુંબઈ, ચૈત્ર સુદ ૧૩, ૧૯૫૧
હાલ જો કોઈ વેદાંત સંબંધી ગ્રંથો વાંચવા અથવા શ્રવણ કરવાનું રહેતું હોય તો તે વિચારનો વિશેષ વિચાર થવા થોડો વખત શ્રી ‘આચારાંગ”, “સૂયગડાંગ” તથા “ઉત્તરાધ્યયન' વાંચવા, વિચારવાનું બને તો કરશો.