________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૮ મું
૪૪૫
સંભવ દેખાતો હતો; પણ તે કરતાં મોટો ખેદ એ થતો હતો કે આ મુમુક્ષુના કુટુંબમાં સકામબુદ્ધિ વિશેષ થશે, અને પરમાર્થદૃષ્ટિ મટી જશે, અથવા ઉત્પન્ન થવાનો સંભવ ટળી જશે; અને તેને લીધે બીજા પણ ઘણા જીવોને તે સ્થિતિ પરમાર્થ અપ્રાપ્તિમાં હેતભૂત થશે. વળી સકામપણે ભજનારની અમારાથી કંઈ વૃત્તિ શાંત કરવાનું બનવું કઠણ, તેથી સકામી જીવોને પૂર્વાપર વિરોધબુદ્ધિ થાય અથવા પરમાર્થ પૂજ્યભાવના ટળી જાય એવું જે જોયું હતું, તે વર્તમાનમાં ન થાય તે વિશેષ ઉપયોગ થવા સહેજ લખ્યું છે. પૂર્વાપર આ વાતનું માહાત્મ્ય સમજાય અને અન્ય જીવોને ઉપકાર થાય તેમ વિશેષ લક્ષ રાખશો.
܀܀܀
૫૫૩
મુંબઈ, પોષ સુદ ૧, શુક્ર, ૧૯૫૧
પત્ર ૧ પ્રાપ્ત થયું છે. અત્રેથી નીકળતાં હજુ આશરે એક મહિનો થશે એમ લાગે છે. અહીંથી નીકળ્યા પછી સમાગમ સંબંધી વિચાર રહે છે અને શ્રી કઠોરમાં તે વાતની અનુકૂળતા આવવાનો વધારે સંભવ રહે છે, કેમકે તેમાં વિશેષ પ્રતિબંધ થવાનું કારણ જણાતું નથી.
ઘણું કરીને શ્રી અંબાલાલ તે વખતમાં કઠોર આવી શકે, તે માટે તેમને જણાવીશ.
અમારા આવવા વિષે હાલ કોઈને કંઈ જણાવવાનું કારણ નથી, તેમ અમારે માટે બીજી વિશેષ તજવીજ કરવાનું પણ કારણ નથી. સાયણ સ્ટેશને ઊતરી કઠોર અવાય છે, અને તે લાંબો રસ્તો નથી, જેથી વાહન વગેરેનું કંઈ અમને અગત્ય નથી. અને કદાપિ વાહનનું કે કંઈ કારણ હશે તો શ્રી અંબાલાલ તે વિષે તજવીજ કરી શકશે.
કઠોરમાં પણ ત્યાંના શ્રાવકો વગેરેને અમારા આવવા વિષે જણાવવાનું કારણ નથી; તેમ ઊતરવાના ઠેકાણા માટે કંઈ ગોઠવણ કરવા વિષે તેમને જણાવવાનું કારણ નથી. તે માટે જે સહેજે તે પ્રસંગમાં બની આવશે તેથી અમને અડચણ નહીં આવે. શ્રી અંબાલાલ સિવાય બીજા કોઈ મુમુક્ષુઓ વખતે શ્રી અંબાલાલ સાથે આવશે; પણ તેમના આવવા વિષેમાં પણ આગળથી ખબર કઠોરમાં કે સુરત કે સાયણમાં ન પડે તે અમને ઠીક લાગે છે, કેમકે તેને લીધે અમને પણ પ્રતિબંધ વખતે થાય.
અમારી અત્રે સ્થિરતા છે, ત્યાં સુધીમાં બને તો પત્ર પ્રશ્નાદિ લખશો. સાધુ શ્રી દેવકરણજીને આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય.
જે પ્રકારે અસંગતાએ, આત્મભાવ સાધ્ય થાય તે પ્રકારે પ્રવર્તવું એ જ જિનની આજ્ઞા છે. આ ઉપાધિરૂપ વ્યાપારાદિ પ્રસંગથી નિવર્તવા વારંવાર વિચાર રહ્યા કરે છે, તથાપિ તેનો અપરિપક્વ કાળ જાણી, ઉદયવશે વ્યવહાર કરવો પડે છે. પણ ઉપર કહી છે એવી જિનની આજ્ઞા તે ઘણું કરી વિસ્મરણ થતી નથી. અને તમને પણ હાલ તો તે જ ભાવના વિચારવાનું કહીએ છીએ.
૫૫૪
આઠ સ્વ૰ પ્રણામ.
મુંબઈ, પોષ સુદ ૧૦, ૧૯૫૧
શ્રી અંજારગ્રામે સ્થિત પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે,
શ્રી મોહમયી ભૂમિથી લિ . . . .
વિશેષ તમારું પત્ર મળ્યું છે.
. આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય.
ચત્રભુજના પ્રસંગમાં આપે લખતાં એમ લખ્યું છે કે કાળ જશે અને કહેણી રહેશે તે આપને લખવું ઘટારત નહોતું. જે કંઈ બની શકે એવું હોય તે કરવામાં મારી વિષમતા નથી, પણ તે પરમાર્થથી અવિરોધી હોય તો થઈ શકે છે, નહીં તો થઈ શકવું બહુ કઠણ પડે છે, અથવા નથી થઈ શકતું, જેથી કાળ જશે અને કહેણી રહેશે, એવો આ ચત્રભુજ સંબંધીની પ્રસંગ નથી; પણ