________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૮ મું
૪૪૧
૫૪૮
મુંબઈ, માગશર વદ ૯, શુક્ર, ૧૯૫૧
પરમ સ્નેહી શ્રી સૌભાગ
છે.
તમારા ત્રણેક પત્રો પહોંચ્યા છે. એક પત્રમાં બે પ્રશ્ન લખ્યાં હતાં; જેમાંના એકનું સમાધાન નીચે લખ્યું
જ્ઞાનીપુરુષનો સત્સંગ થયે, નિશ્ચય થયે, અને તેના માર્ગને આરાધ્યે જીવને દર્શનમોહનીય કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે, અને અનુક્રમે સર્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જીવ કૃતકૃત્ય થાય છે, એ વાત પ્રગટ સત્ય છે; પણ તેથી ઉપાર્જિત પ્રારબ્ધ પણ ભોગવવું પડતું નથી એમ સિદ્ધાંત થઈ શકતો નથી. કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વીતરાગને પણ ઉપાર્જિત પ્રારબ્ધરૂપ એવાં ચાર કર્મ વેદવાં પડે છે; તો તેથી ઓછી ભૂમિકામાં સ્થિત એવા જીવોને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં આશ્ચર્ય કાંઈ નથી. જેમ તે સર્વજ્ઞ એવા વીતરાગને ઘનઘાતી ચાર કર્મ નાશ પામવાથી વેદવાં પડતાં નથી, અને ફરી તે કર્મ ઉત્પન્ન થવાનાં કારણની તે સર્વજ્ઞ વીતરાગને સ્થિતિ નથી, તેમ જ્ઞાનીનો નિશ્ચય થયે અજ્ઞાનભાવથી જીવને ઉદાસીનતા થાય છે; અને તે ઉદાસીનતાને લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું કર્મ ઉપાર્જવાનું મુખ્ય કારણ તે જીવને થતું નથી. ક્વચિત્ પૂર્વાનુસાર કોઈ જીવને વિપર્યયઉદય હોય, તોપણ તે ઉદય અનુક્રમે ઉપશમી, ક્ષય થઈ, જીવ જ્ઞાનીના માર્ગને ફરી પામે છે; અને અર્ધપુદ્ગલપરાવર્તનમાં અવશ્ય સંસારમુક્ત થાય છે; પણ સમકિતી જીવને, કે સર્વજ્ઞ વીતરાગને, કે કોઈ અન્ય યોગી કે જ્ઞાનીને જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત પ્રારબ્ધ વેદવું પડે નહીં કે દુઃખ હોય નહીં એમ સિદ્ધાંત ન હોઈ શકે. તો પછી અમને તમને માત્ર સત્સંગનો અલ્પ લાભ હોય ત્યાં સંસારી સર્વ દુ:ખ નિવૃત્ત થવાં જોઈએ એમ માનીએ તો પછી કેવળજ્ઞાનાદિ નિરર્થક થાય છે; કેમકે ઉપાર્જિત પ્રારબ્ધ અવેલું નાશ પામે તો પછી સર્વ માર્ગ મિથ્યા જ ઠરે. જ્ઞાનીના સત્સંગે અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળસે, સત્યાસત્ય વિવેક થાય, અનંતાનુબંધી ક્રોધાદિ ખપે, અનુક્રમે સર્વ રાગદ્વેષ ક્ષય થાય, એ બનવા યોગ્ય છે, અને જ્ઞાનીના નિશ્ચયે તે અલ્પ કાળમાં અથવા સુગમપણે બને એ સિદ્ધાંત છે; તથાપિ જે દુઃખ અવશ્ય ભોગવ્યે નાશ પામે એવું ઉપાર્જિત છે તે તો ભોગવવું જ પડે એમાં કાંઈ સંશય થતો નથી. આ વિષે વધારે સમાધાનની ઇચ્છા હોય તો સમાગમે થઈ શકે.
મારું અંતરનું અંગ એવું છે કે પરમાર્થપ્રસંગથી કોઈ મુમુક્ષુ જીવને મારો પ્રસંગ થાય તો જરૂર તેને મારા પ્રત્યે પરમાર્થના હેતુની જ ઇચ્છા રહે તો જ તેનું શ્રેય થાય; પણ દ્રવ્યાદિ કારણની કંઈ પણ વાંછા રહે અથવા તેવા વ્યવસાયનું મને તેનાથી જણાવવું થાય, તો પછી અનુક્રમે તે જીવ મલિન વાસનાને પામી મુમુક્ષુતાનો નાશ કરે, એમ મને નિશ્ચય રહે છે; અને તે જ કારણથી તમને ઘણી વાર તમારા તરફથી કોઈ વ્યાવહારિક પ્રસંગ લખાઈ આવ્યો હોય ત્યારે ઠપકો આપી જણાવ્યું પણ હતું કે મારા પ્રત્યે તમે આવો વ્યવસાય જણાવવાનું જેમ ન થાય તેમ જરૂર કરી કરો, અને મારી સ્મૃતિ પ્રમાણે આપે તે વાત ગ્રહણ કરી હતી; તથાપિ તે પ્રમાણે થોડો વખત બની, પાછું વ્યવસાય વિષે લખવાનું બને છે; તો આજના મારા પત્રને વિચારી જરૂર તે વાત તમે વિસર્જન કરો; અને નિત્ય તૈવી વૃત્તિ રાખશો, તો અવશ્ય હિતકારી થશે; અને મારી આંતરવૃત્તિને અવશ્ય ઉલ્લાસનું કારણ આપ્યું છે, એમ મને થશે.
બીજા કોઈ પણ સત્સંગપ્રસંગમાં એમ કરે તો મારું ચિત્ત બહુ વિચારમાં પડી જાય છે કે ગભરાય છે; કેમકે પરમાર્થને નાશ કરનારી આ ભાવના આ જીવને ઉદયમાં આવી. તમે જ્યારે જ્યારે વ્યવસાય વિષે લખ્યું હશે, ત્યારે ત્યારે મને ઘણું કરીને એમ જ થયું હશે; તથાપિ આપની વૃત્તિ વિશેષ ફેર હોવાને લીધે કંઈક ગભરાટ ચિત્તમાં ઓછો થયો હશે. પણ હાલ તરત તરતના પ્રસંગ પરથી આપે પણ તે ગભરાટની લગભગના ગભરાટનું કારણ આપ્યું છે. એમ ચિત્તમાં રહે છે.