________________
૪૨૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
ધર્મ પણ અનાદિ છે, અને અહિંસાદિધર્મ પણ અનાદિ છે. માત્ર જીવને હિતકારી શું છે ? એટલું વિચારવું કાર્યરૂપ છે. અનાદિ તો બેય છે. પછી ક્યારેક ઓછા પ્રમાણમાં અને ક્યારેક વિશેષ પ્રમાણમાં કોઈનું બળ હોય છે.
૧૦. પ્ર- ગીતા કોણે બનાવી ? ઈશ્વરકૃત તો નથી ? જો તેમ હોય તો તેનો કાંઈ પુરાવો ?
ઉ- ઉપર આપેલા ઉત્તરોથી કેટલુંક સમાધાન થઈ શકવા યોગ્ય છે કે, ઈશ્વરકૃતનો અર્થ જ્ઞાની (સંપૂર્ણજ્ઞાની) એવો કરવાથી તે ઈશ્વરકૃત થઈ શકે; પણ નિત્ય અક્રિય એવા આકાશની પેઠે વ્યાપક ઈશ્વરને સ્વીકાર્યો તેવા પુસ્તકાદિની ઉત્પત્તિ થવી સંભવે નહીં, કેમકે તે તો સાધારણ કાર્ય છે, કે જેનું કર્તાપણું આરંભપૂર્વક હોય છે, અનાદિ નથી હોતું. ગીતા વેદવ્યાસજીનું કરેલું પુસ્તક ગણાય છે, અને મહાત્મા શ્રીકૃષ્ણે અર્જુનને તેવો બોધ કર્યો હતો, માટે મુખ્યપણે કર્તા શ્રીકૃષ્ણ કહેવાય છે, જે વાત સંભવિત છે. ગ્રંથ શ્રેષ્ઠ છે, તેવો ભાવાર્થ અનાદિથી ચાલ્યો આવે છે. પણ તે જ લોકો અનાદિથી ચાલ્યા આવે એમ બનવા યોગ્ય નથી; તેમ અક્રિય ઈશ્વરથી પણ તેની ઉત્પત્તિ હોય એમ બનવા યોગ્ય નથી. સક્રિય એટલે કોઈ દેહધારીથી તે ક્રિયા બનવા યોગ્ય છે. માટે સંપૂર્ણજ્ઞાની તે ઈશ્વર છે, અને તેનાથી બોધાયેલાં શાસ્ત્રો તે ઈશ્વરીશાસ્ત્ર છે એમ માનવામાં અડચણ નથી.
૧૧. પ્ર- પશુ આદિના યજ્ઞથી જરાયે પુણ્ય છે ખરું ?
ઉ- પશુના વધથી, હોમથી કે જરાયે તેને દુઃખ આપવાથી પાપ જ છે; તે પછી યજ્ઞમાં કરો, કે ગમે તો ઈશ્વરના ધામમાં બેસીને કરો. પણ યજ્ઞમાં જે દાનાદિ ક્રિયા થાય છે તે, કાંઈક પુણ્યહેતુ છે, તથાપિ હિંસામિશ્રિત હોવાથી તે પણ અનુમોદનયોગ્ય નથી.
૧૨. પ્ર૰- જે ધર્મ ઉત્તમ છે, એમ કહો તેનો પુરાવો માગી શકાય ખરો કે ?
ઉo- પુરાવો માગવામાં ન આવે અને ઉત્તમ છે એમ, વગર પુરાવે પ્રતિપાદન કરવામાં આવે તો તો અર્થ, અનર્થ, ધર્મ, અધર્મ સૌ ઉત્તમ જ ઠરે, પ્રમાણથી જ ઉત્તમ અનુત્તમ જણાય છે, જે ધર્મ સંસાર પરિક્ષીણ કરવામાં સર્વથી ઉત્તમ હોય, અને નિજસ્વભાવમાં સ્થિતિ કરાવવાને બળવાન હોય તે જ ઉત્તમ, અને તે જ બળવાન છે,
૧૩. પૂ- ખ્રિસ્તીધર્મ વિષે આપ કાંઈ જાણો છો ? જો જાણતા હો તો આપના વિચાર દર્શાવો,
ઉ૦- ખ્રિસ્તીધર્મ વિષે સાધારણપણે હું જાણું છું. ભરતખંડમાં મહાત્માઓએ જેવો ધર્મ શોધ્યો છે, વિચાર્યો છે તેવો ધર્મ બીજા કોઈ દેશથી વિચારાયો નથી, એમ તો એક અલ્પ અભ્યાસ સમજી શકાય તેવું છે. તેમાં (ખ્રિસ્તીધર્મમાં) જીવનું સદા પરવશપણું કહ્યું છે, અને મોક્ષમાં પણ તે દશા તેવી જ રાખી છે. જીવના અનાદિસ્વરૂપનું વિવેચન જેમાં યથાયોગ્ય નથી, કર્મસંબંધી વ્યવસ્થા અને તેની નિવૃત્તિ પણ યથાયોગ્ય કહી નથી, તે ધર્મ વિષે મારો અભિપ્રાય સર્વોત્તમ તે ધર્મ છે, એમ થવાનો સંભવ નથી. ખ્રિસ્તીધર્મમાં મેં જે ઉપર કહ્યા તેવા પ્રકારનું યથાયોગ્ય સમાધાન દેખાતું નથી. આ વાક્ય મતભેદવશે કહ્યું નથી. વધારે પૂછવા યોગ્ય લાગે તો પૂછશો તો વિશેષ સમાધાન કરવાનું બની શકશે.
૧૪, પૃ- તેઓ એમ કહે છે કે બાઈબલ ઈશ્વરપ્રેરિત છે; ઈસુ તે ઈશ્વરનો અવતાર, તેનો દીકરો છે, ને હતો.
ઉ૦- એ વાત તો શ્રદ્ધાથી માન્યાથી માની શકાય, પણ પ્રમાણથી સિદ્ધ નથી. જેમ ગીતા અને વેદના ઈશ્વરપ્રેરિતપણા માટે ઉપર લખ્યું છે, તેમ જ બાઈબલના સંબંધમાં પણ ગણવું. જે જન્મ મરણથી મુક્ત થયા તે ઈશ્વર અવતાર લે તે બનવા યોગ્ય નથી, કેમકે રાગદ્વેષાદિ પરિણામ જ જન્મનો હેતુ છે; તે જેને નથી એવો ઈશ્વર અવતાર ધારણ કરે એ વાત વિચારતાં યથાર્થ