________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૯ મું
૩૮૧
આવ્યો નથી. ઘણું કરી આ પક્ષમાં અને ગુજરાત તરફના કોઈ કોઈ નિવૃત્તિક્ષેત્રને વિષે વિચાર આવવા સંભવ છે. વિચાર વ્યવસ્થા પામ્યેથી લખી જણાવીશ. એ જ વિનંતી.
સર્વેને પ્રણામ પ્રાપ્ત થાય.
૪૬૫
મુંબઈ, શ્રાવણ વદ ૫, ૧૯૪૯
પરમસ્નેહી શ્રી સોભાગ,
અત્રે કુશળક્ષેમ સમાધિ છે. થોડા દિવસ માટે મુક્ત થવાનો જે વિચાર સૂઝ્યો હતો, તે હજુ તેના તે સ્વરૂપમાં છે. તેથી વિશેષ પરિણામ પામ્યો નથી. એટલે ક્યારે અહીંથી છૂટા થવું, અને કયા ક્ષેત્રે જઈ સ્થિતિ કરવી, તે વિચાર હજુ સુધી સૂઝી શક્યો નથી. વિચારના પરિણામની સ્વાભાવિક પરિણતિ ઘણું કરી રહ્યા કરે છે. તેને વિશેષ કરી પ્રેરકપણું થઈ શકતું નથી.
ગઈ સાલના માગશર સુદ છઠે અત્રે આવવાનું થયું હતું ત્યારથી આજ દિવસપર્યંતમાં ઘણા પ્રકારનો ઉપાધિજોગ વેદવાનું બન્યું છે અને જો ભગવત્ કૃપા ન હોય તો આ કાળને વિષે તેવા ઉપાધિજોગમાં માથું ધડ ઉપર રહેવું કઠણ થાય, એમ થતાં થતાં ઘણી વાર જોયું છે; અને આત્મસ્વરૂપ જણે જાણ્યું છે એવા પુરુષને અને આ સંસારને મળતી પાણ આવે નહીં, એવો અધિક નિશ્ચય થયો છે. જ્ઞાનીપુરુષ પણ અત્યંત નિશ્ચય ઉપયોગે વર્તતાં વર્તતાં ક્વચિત્ પણ મંદ પરિણામ પામી જાય એવી આ સંસારની રચના છે. આત્મસ્વરૂપ સંબંધી બોધનો તો જોકે નાશ ન થાય, તથાપિ આત્મસ્વરૂપના બોધના વિશેષ પરિણામ પ્રત્યે એક પ્રકારનું આવરણ થવારૂપ ઉપાધિજોગ થાય છે. અમે તો તે ઉપાધિયોગથી હજુ ત્રાસ પામ્યા કરીએ છીએ; અને તે તે જોંગે હૃદયમાં અને મુખમાં મધ્યમા વાચાએ પ્રભુનું નામ રાખી માંડ કંઈ પ્રવર્તન કરી સ્થિર રહી શકીએ છીએ, સમ્યકૃત્વને વિષે અર્થાત્ બોધને વિષે ભ્રાંતિ પ્રાયે થતી નથી, પણ બોધના વિશેષ પરિણામનો અનવકાશ થાય છે, એમ તો સ્પષ્ટ દેખાય છે, અને તેથી ઘણી વાર આત્મા આકુળવ્યાકુળપણાને પામી ત્યાગને ભજતો હવો; તથાપિ ઉપાર્જિત કર્મની સ્થિતિને સમપરિણામે, અદીનપણે, અવ્યાકુળપણે વૈદવી એ જ જ્ઞાની પુરુષોનો માર્ગ છે, અને તે જ ભજવો છે, એમ સ્મૃતિ થઈ સ્થિરતા રહેતી આવી છે. એટલે આકુળાદિ ભાવની થતી વિશેષ મુઝવણ સમાપ્ત થતી હતી.
આખો દિવસ નિવૃત્તિના યોગે કાળ નહીં જાય ત્યાં સુધી સુખ રહે નહીં, એવી અમારી સ્થિતિ છે. "આત્મા આત્મા,” તેનો વિચાર, જ્ઞાનીપુરુષની સ્મૃતિ, તેના માહાત્મ્યની કથાવાર્તા, તે પ્રત્યે અત્યંત ભક્તિ, તેમના અનવકાશ આત્મચારિત્ર પ્રત્યે મોહ, એ અમને હજા આકર્ષ્યા કરે છે, અને તે કાળ ભજીએ છીએ.
પૂર્વ કાળમાં જે જે જ્ઞાનીપુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે; તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે; તે શ્રવણને, શ્રવણના કર્તાને, અને તેમાં ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત્ છે. તે આત્મસ્વરૂપમાં ભક્તિ, ચિંતન, આત્મવ્યાખ્યાની જ્ઞાનીપુરુષની વાણી અથવા જ્ઞાનીનાં શાસ્ત્રો કે માર્ગાનુસારી જ્ઞાનીપુરુષના સિદ્ધાંત, તેની અપૂર્વતાને પ્રણામ અતિ ભક્તિએ કરીએ છીએ. અખંડ આત્મધૂનના એકતાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે; અને બીજી બાજુથી આવાં ક્ષેત્ર, આવા લોકપ્રવાહ, આવા ઉપાધિજોગ અને બીજા બીજા તેવા તેવા પ્રકાર જોઈ વિચાર મૂર્ચ્છવત થાય છે. ઈશ્વરેચ્છા !
પ્રણામ પહોંચે.