________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૫ મું
૪૦૦
તે પુરુષ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે,
પરમપ્રેમે ગુણગ્રામ કરવા યોગ્ય છે,
૩૪૯
મુંબઈ, શ્રાવણ વદ, ૧૯૪૮
ફરી ફરી વિશિષ્ટ આત્મપરિણામે ધ્યાવન કરવા યોગ્ય છે,
કે
જે પુરુષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કોઈ પણ પ્રકારનું પ્રતિબદ્ધપણું વર્તતું નથી.
આપનાં ઘણાં પત્રો મળ્યાં છે. ઉપાધિજોગ એવા પ્રકારે રહે છે કે તેનાં વિદ્યમાનપણામાં પત્ર લખવા યોગ્ય અવકાશ રહેતો નથી, અથવા તે ઉપાધિને ઉદયરૂપ જાણી મુખ્યપણે આરાધતાં તમ જેવા પુરુષને પણ ચાહીને પત્ર લખેલ નથી; તે માટે ક્ષમા કરવા યોગ્ય છો.
ચિત્તને વિષે જેવું આ ઉપાધિજોગ આરાધીએ છીએ ત્યારથી મુક્તપણું વર્તે છે, તેવું મુક્તપણું અનુપાધિપ્રસંગમાં પણ વર્તતું નહોતું; એવી નિશ્ચળદશા માગશર સુદ ૬ થી એકધારાએ વર્તી આવી છે.
તમારા સમાગમની ઘણી ઇચ્છા રહે છે, તે ઇચ્છાનો સંકલ્પ દિવાળી પછી ‘ઈશ્વર’ પૂર્ણ કરશે એમ જણાય છે. મુંબઈ તો ઉપાધિસ્થાન છે, તેમાં આપ વગેરેનો સમાગમ થાય તોપણ ઉપાધિ આડે યથાયોગ્ય સમાધિ પ્રાપ્ત ન હોય, જેથી કોઈ એવું સ્થળ ધારીએ છીએ કે જ્યાં નિવૃત્તિ જોગ વર્તે.
લીમડી દરબાર સંબંધી પ્રશ્નોતર અને વિગત જાણી છે. હાલ ‘ઈશ્વરેચ્છા’ તેવી નથી. પ્રશ્નોત્તર માટે ખીમચંદભાઈ મળ્યા હોત તો યોગ્ય વાર્તા કરત. તથાપિ તે જોગ બન્યો નથી, અને તે હાલ ન બને તો ઠીક, એમ અમને મનમાં પણ રહેતું હતું.
આપનાં આજીવિકા સાધન સંબંધી વાર્તા લક્ષમાં છે, તથાપિ અમે તો માત્ર સંકલ્પધારી છીએ. ઈશ્વરઇચ્છા હશે તેમ થશે. અને તેમ થવા દેવા હાલ તો અમારી ઇચ્છા છે.
શુભવૃત્તિ મણિલાલ, બોટાદ.
પરમપ્રેમે નમસ્કાર પહોંચે.
܀܀܀܀܀
૪૦૧
મુંબઈ, ભાદરવા સુદ ૧, ભોમ, ૧૯૪૮
ૐ સત્
તમારા વૈરાગ્યાદિ વિચારોવાળું એક પત્ર ત્રણેક દિવસ પહેલાં સવિસ્તર મળ્યું છે.
જીવને વિષે વૈરાગ્ય ઉત્પન્ન થવો એ એક મોટો ગુણ જાણીએ છીએ; અને તે સાથે શમ, દમ, વિવેકાદિ સાધનો અનુક્રમે ઉત્પન્ન થવારૂપ જોગ પ્રાપ્ત થાય તો જીવને કલ્યાણની પ્રાપ્તિ સુલભ થાય છે, એમ જાણીએ છીએ. (ઉપલી લીટીમાં ‘જોગ’ શબ્દ લખ્યો છે તેનો અર્થ પ્રસંગ અથવા સત્સંગ એવો કરવો.)
અનંતકાળ થયાં જીવનું સંસારને વિષે પરિભ્રમણ છે, અને એ પરિભ્રમણને વિષે એણે અનંત એવાં જપ, તપ, વૈરાગ્યાદિ સાધનો કર્યા જણાય છે, તથાપિ જેથી યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય છે, એવાં એક્કે સાધન થઈ શક્યાં હોય એમ જણાતું નથી. એવાં તપ, જપ, કે વૈરાગ્ય અથવા બીજાં સાધનો તે માત્ર સંસારરૂપ થયાં છે; તેમ થયું તે શા કારણથી ? એ વાત અવશ્ય ફરી ફરી વિચારવા યોગ્ય છે. (આ સ્થળને વિષે કોઈ પણ પ્રકારે જપ, તપ, વૈરાગ્યાદિ સાધનો નિષ્ફળ છે એમ