________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૫ મું
પ્રારબ્ધ કમ તેવો વર્તાતો નથી. ઉદીરણા કરી શકીએ એવી અસુગમ વૃત્તિ ઉત્પન્ન થતી નથી.
339
જોકે અમારું ચિત્ત નેત્ર જેવું છે; નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. બીજા અવયવોરૂપ અન્ય ચિત્ત છે. અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્રરૂપ છે, તેને વિષે વાણીનું ઊઠવું, સમજાવવું, આ કરવું, અથવા આ ન કરવું, એવી વિચારણા કરવી તે માંડ માંડ બને છે. ઘણી ક્રિયા તો શૂન્યપણાની પેઠે વર્તે છે; આવી સ્થિતિ છતાં ઉપાધિજોગ તો બળવાનપણે આરાધીએ છીએ. એ વેદવું વિકટ ઓછું લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે. તે જેમ દુઃખે - અત્યંત દુઃખે - થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા બરાબર છે. સુગમપણાએ સ્થિત ચિત્ત હોવાથી વેદનાને સમ્યક્પ્રકારે વેદે છે, અખંડ સમાધિપણે વેદે છે. આ વાત લખવાનો આશય તો એમ છે કે આવા ઉત્કૃષ્ટ વૈરાગ્યને વિષે આવો ઉપાધિજોગ વેદવાનો જે પ્રસંગ છે, તેને કેવો ગણવો ? અને આ બધું શા અર્થે કરવામાં આવે છે ? જાણતાં છતાં તે મૂકી કેમ દેવામાં આવતો નથી ? એ બધું વિચારવા યોગ્ય છે.
મણિ વિષે લખ્યું તે સત્ય છે.
‘ઈશ્વરેચ્છા’ જેમ હશે તેમ થશે. વિકલ્પ કરવાથી ખેદ થાય; અને તે તો જ્યાં સુધી તેની ઇચ્છા હોય ત્યાં સુધી તે પ્રકારે જ પ્રવર્તે. સમ રહેવું યોગ્ય છે.
બીજી તો કંઈ સ્પૃહા નથી, કોઈ પ્રારબ્ધરૂપ સ્પૃહા પણ નથી, સત્તારૂપ કોઈ પૂર્વે ઉપાર્જિત કરેલી ઉપાધિરૂપ સ્પૃહા તે તો અનુક્રમે સંવેદન કરવી છે. એક સત્સંગ - તમરૂપ સત્સંગની સ્પૃહા વર્તે છે. રુચિમાત્ર સમાધાન પામી છે. એ આશ્ચર્યરૂપ વાત ક્યાં કહેવી ? આશ્ચર્ય થાય છે. આ જે દેહ મળ્યો તે પૂર્વે કોઈ વાર મળ્યો ન હો તો, ભવિષ્યકાળે પ્રાપ્ત થવો નથી. ધન્યરૂપ - કૃતાર્થરૂપ એવા જે અમે તેને વિષે આ ઉપાધિજોગ જોઈ લોકમાત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી, અને પૂર્વે જો સત્પુરુષનું ઓળખાણ પડ્યું નથી, તો તે આવા યોગનાં કારણથી છે. વધારે લખવું સૂઝતું નથી. નમસ્કાર પહોંચે, ગોશળિયાને સમપરિણામરૂપ યથાયોગ્ય અને નમસ્કાર પહોંચે,
સમસ્વરૂપ શ્રી રાયચંદ્રના યથાયોગ્ય
૩૮૬
મુંબઈ, અસાડ વદ ૦)), ૧૯૪૮
પત્રો પ્રાપ્ત થયેલ છે. અત્ર ઉપાધિનામે પ્રારબ્ધ ઉદયપણે છે. ઉપાધિને વિષે વિક્ષેપરહિતપણે વર્તવું એ વાત અત્યંત વિકટ છે; જે વર્તે છે તે થોડા કાળને વિષે પરિપક્વ સમાધિરૂપ હોય છે.
૩૮૭
સમાત્મપ્રદેશ સ્થિતિએ યથાયોગ્ય. શાંતિ
મુંબઈ, શ્રાવણ સુદ, ૧૯૪૮
જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી; ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી. તે જાણવા માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીનું ઓળખાણ એ છે. જ્ઞાનીને જે યથાયોગ્યપણે ઓળખે છે તે જ્ઞાની થાય છે - ક્રમે કરી જ્ઞાની થાય છે.
આનંદઘનજીએ એક સ્થળે એમ કહ્યું છે કે,-
“જિન થઈ જિનને જે આરાઘે, તે સહીં જિનવર હોવે રે;
ભૃગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જોવે રે.
જિન થઈને એટલે સાંસારિક ભાવને વિષેથી આત્મભાવ ત્યાગીને, જે કોઇ જિનને એટલે કેવલ્યજ્ઞાનીને - વીતરાગને આરાધે છે, તે નિશ્ચયે જિનવર એટલે કૈવલ્યપદે યુક્ત હોય છે. તેને ભમરી અને ઈયળનું પ્રત્યક્ષ સમજાય એવું દૃષ્ટાંત આપ્યું છે.
૧. પાઠાત્ત જિન સ્વરૂપ થઈ જિન આરાધે...