________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૫ મું
૩૭૪
૩૩૧
મુંબઈ, વૈશાખ, ૧૯૪૮
“ગમે તેટલી વિપત્તિઓ પડે, તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઇચ્છા કરવી યોગ્ય નથી.” ઉદય આવેલો અંતરાય સમપરિણામે વેદવા યોગ્ય છે, વિષમપરિણામે વેદવા યોગ્ય નથી. તમારી આજીવિકા સંબંધી સ્થિતિ ઘણા વખત થયાં જાણવામાં છે, એ પૂર્વકર્મનો યોગ છે.
યથાર્થ જ્ઞાન જેમને છે એવો પુરુષ અન્યથા આચરે નહીં; માટે તમે જે આકુળતાને લઈ ઇચ્છા જણાવી, તે નિવૃત્ત કરવા યોગ્ય છે.
જ્ઞાની પાસે સાંસારિક વૈભવ હોય તોપણ મુમુક્ષુએ કોઈ પણ પ્રકારે તે ઇચ્છવો યોગ્ય નથી, ઘણું કરી જ્ઞાની પાસે તેવો વૈભવ હોય છે, તો તે મુમુક્ષુની વિપત્તિ ટાળવા માટે ઉપયોગી થાય છે. પારમાર્થિક વૈભવથી જ્ઞાની, મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું ઇચ્છે નહીં; કારણ કે અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં.
ધીરજ ન રહે એવા પ્રકારની તમારી સ્થિતિ છે એમ અમે જાણીએ છીએ, તેમ છતાં ધીરજમાં એક અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવું તે તમને કર્તવ્ય છે; અને એ યથાર્થ બોધ પામવાનો મુખ્ય માર્ગ છે.
હાલ તો અમારી પાસે એવું કોઈ સાંસારિક સાધન નથી કે તમને તે વાટે ધીરજનું કારણ થઈએ, પણ તેવો પ્રસંગ લક્ષમાં રહે છે; બાકી બીજાં પ્રયત્ન તો કર્તવ્ય નથી.
કોઈ પણ પ્રકારે ભવિષ્યનો સાંસારિક વિચાર છોડી વર્તમાનમાં સમપણે પ્રવર્તવાનો દૈત નિશ્ચય કરવો એ તમને યોગ્ય છે; ભવિષ્યમાં જે થવા યોગ્ય હશે, તે થશે, તે અનિવાર્ય છે, એમ ગણી પરમાર્થ-પુરુષાર્થ ભણી સન્મુખ થવું યોગ્ય છે.
ગમે તે પ્રકારે પણ એ લોકલારૂપ ભયનું સ્થાનક એવું જે ભવિષ્ય તે વિસ્મરણ કરવા યોગ્ય છે. તેની ‘ચિંતા વડે’ પરમાર્થનું વિસ્મરણ હોય છે. અને એમ થાય તે મહા આપત્તિરૂપ છે. માટે તે આપત્તિ આવે નહીં, એટલું ૪ વારંવાર વિચારવા યોગ્ય છે. ઘણા વખત થયાં આજીવિકા અને લોકલાનો ખેદ તમને અંતરમાં ભેળો થયો છે. તે વિષે હવે તો નિર્ભયપણું જ અંગીકાર કરવું યોગ્ય છે. ફરી કહીએ છીએ કે તે જ કર્ત્તવ્ય છે. યથાર્થ બોધનો એ મુખ્ય માર્ગ છે. એ સ્થળે ભૂલ ખાવી યોગ્ય નથી. લજ્જા અને આજીવિકા મિથ્યા છે. કુટુંબાદિનું મમત્વ રાખશો તોપણ જે થવાનું હશે તે થશે. તેમાં સમપણું રાખશો તોપણ જે થવા યોગ્ય હશે તે થશે; માટે નિઃશંકપણે નિરભિમાની થવું યોગ્ય છે,
સમપરિણામે પરિણમવું યોગ્ય છે, અને એ જ અમારો બોધ છે. આ જ્યાં સુધી નહીં પરિણમે ત્યાં સુધી યથાર્થ ખોધ પણ પરિણમે નહીં.
૩૭૫
મુંબઈ, વૈશાખ, ૧૯૪૮
જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે. ઉપશમસ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે, ઉપદેશ્યાં છે. તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી. આત્માર્થમાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું, તો તે જિનાગમનું શ્રવણ, વાંચન નિષ્ફળરૂપ છે; એ વાર્તા અમને તો નિઃસંદેહ યથાર્થ લાગે છે.
દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઇચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના, થવી સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. એમ સર્વ જ્ઞાનીપુરુષોને ભાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન જીવને