________________
http://www.ShrimadRajchandra.org
૩૨૦
શ્રીમદ્ રાજચંદ્ર
૩૩૫
મુંબઈ, ફાગણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮
ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે. નિરુપાયતાનો ઉપાય કાળ છે.
પૂજ્ય શ્રી સૌભાગ્યમાઈ,
સમજવા વિષેની જે વિગત લખી છે, તે ખરી છે. એ વાતો જ્યાં સુધી જીવના સમજ્યામાં આવતી નથી, ત્યાં સુધી યથાર્થ ઉદાસીન પરિણતિ પણ થવી કઠણ લાગે છે.
‘સત્પુરુષ કેમ નથી ઓળખવામાં આવતા ?' એ વગેરે પ્રશ્નો ઉત્તરસહિત લખી મોકલવાનો વિચાર તો થાય છે; પણ લખવામાં ચિત્ત જેવું જોઈએ તેવું રહેતું નથી, અને તે વળી અલ્પકાળ રહે છે, એટલે ધારેલું લખી શકાતું નથી. આત્માને ઉદાસ પરિણામ અત્યંત ભજ્યા કરે છે.
એક અર્ધી-જિજ્ઞાસ્ય-વૃત્તિવાળા પુરુષને એક પત્ર લખી, મોકલવા માટે આઠેક દિવસ પહેલાં લખ્યું હતું. પાછળથી અમુક કારણથી ચિત્ત અટકતાં તે પત્ર પડતર રહેવા દીધું હતું જે વાંચવા માટે આપને બીડી આપ્યું છે. જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે, તે ધ્યાનાદિને ઇચ્છે નહીં, એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. માત્ર જ્ઞાનીને ઇચ્છે છે, ઓળખે છે અને ભજે છે, તે જ તેવો થાય છે, અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે. ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે.
ચિત્તની સ્થિતિમાં જો વિશેષપણે લખાશે તો લખીશ.
અત્રે ભાવસમાધિ છે,
નમસ્કાર પહોંચે.
339
મુંબઈ, ફાગણ સુદ ૧૧, બુધવાર, ૧૯૪૮
વિશેષે કરીને "વૈરાગ્ય પ્રકરણ'માં શ્રી રામે જે પોતાને વૈરાગ્યનાં કારણો લાગ્યાં તે જણાવ્યાં છે, તે ફરી ફરી વિચારવા જેવાં છે.
ખંભાત પત્રપ્રસંગ રાખવો, તેમના તરફથી પત્ર આવવામાં ઢીલ થતી હોય તો આગ્રહથી લખશો એટલી ઢીલ ઓછી કરશે. પરસ્પર કંઈ પૃચ્છા કરવાનું સૂઝે તો તે પણ તેમને લખશો.
܀܀܀܀܀
339
મુંબઈ, ફાગણ સુદ ૧૧ા, ગુરુ, ૧૯૪૮
ચિહ્ન ચંદુના સ્વર્ગવાસના ખબર વાંચી ખેદ થયો. જે જે પ્રાણીઓ દેહ ધારણ કરે છે, તે તે પ્રાણીઓ તે દેહનો ત્યાગ કરે છે, એમ આપણને પ્રત્યક્ષ અનુભવસિદ્ધ દેખાય છે; તેમ છતાં આપણું ચિત્ત તે દેહનું અનિત્યપણું વિચારી નિત્ય પદાર્થના માર્ગને વિષે ચાલતું નથી, એ શોચનીય વાતનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે. મનને ધીરજ આપી ઉદાસી નિવૃત્ત કર્યે છૂટકો છે. દિલગીરી ન કરતાં ધીરજથી તે દુઃખ સહન કરવું એ જ આપણો ધર્મ છે.
આ દેહ પણ જ્યારે ત્યારે એમ જ ત્યાગવાનો છે, એ વાત સ્મરણમાં આવ્યા કરે છે, અને સંસારપ્રતિ વૈરાગ્ય વિશેષ રહ્યા કરે છે. પૂર્વકર્મને અનુસરી જે કંઈ પણ સુખદુઃખ પ્રાપ્ત થાય તે સમાનભાવથી વેદવું એ જ્ઞાનીની શિખામણ સાંભરી આવી છે. તે લખી છે. માયાની રચના ગહન છે.