________________
૨૮૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૨૫૧
હરિ ઇચ્છાથી જીવવું છે, અને પરેચ્છાથી ચાલવું છે. અધિક શું કહેવું ?
મુંબઈ, જેઠ વદ ૬, શનિ, ૧૯૪૭
લિ આજ્ઞાંકિત
૨૫૨
મુંબઈ, જેઠ સુદ, ૧૯૪૭
છોટમકૃત પદસંગ્રહ વગેરે પુસ્તકો વાંચવાનો હાલ તો પરિચય રાખજો. વગેરે શબ્દથી સત્સંગ, ભક્તિ અને વીતરાગતાનું માહાત્મ્ય વર્ણવ્યું હોય તેવાં પુસ્તકો સમજશો.
સત્સંગાદિકની જેમાં માહાત્મ્યતા વર્ણવી છે તેવાં પુસ્તકો અથવા પદો, કાવ્યો હોય તે વારંવાર મનન કરવા અને સ્મૃતિમાં રાખવા યોગ્ય સમજશો.
જૈનસૂત્રો હાલ વાંચવાની ઇચ્છા થાય તો તે નિવૃત્ત કરવા યોગ્ય છે, કારણ કે તે (જૈનસૂત્રો) વાંચવા, સમજવામાં વધારે યોગ્યપણું હોવું જોઈએ, તે વિના યથાર્થ ફળની પ્રાપ્તિ હોતી નથી; તથાપિ બીજાં પુસ્તકોની ગેરહાજરી હોય, તો ‘ઉત્તરાધ્યયન’ અથવા ‘સૂયગડાંગ’નું બીજું અધ્યયન વાંચશો, વિચારશો.
܀܀܀܀
૨૫૩
મુંબઈ, અષાડ સુદ ૧, સોમ, ૧૯૪૭
ગુરુગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતાં અકાળ અને અશુચિ દોષ હોય.
અકાળ અને અશુચિનો વિસ્તાર મોટો છે, તોપણ ટૂંકામાં લખ્યું છે.
(એકાંત) પ્રભાત, પ્રથમ પ્રહર, એ સેવ્ય ભક્તિને માટે યોગ્ય કાળ છે. સ્વરૂપચિંતનભક્તિ સર્વ કાળે સેવ્ય છે, વ્યવસ્થિત મન એ સર્વ શુચિનું કારણ છે. બાહ્ય મલાદિકરહિત તન અને શુદ્ધ, સ્પષ્ટ વાણી એ શુચિ છે.
વિલ રાયચંદ
܀܀܀܀܀
૨૫૪
મુંબઈ, અષાડ સુદ ૮, ભૌમ, ૧૯૪૭
નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે;
અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે.
પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે; અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે; પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી ‘તીવ્ર મુમુક્ષુતા' ઉત્પન્ન ન જ હોય, અથવા 'મુમુક્ષુતા' જ ઉત્પન્ન ન હોય.
ઘણું કરીને મનુષ્યાત્મા કોઈ ને કોઈ ધર્મમતમાં હોય છે, અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે; પણ એનું નામ ‘મુમુક્ષુતા’ નથી.
'મુમુક્ષુતા' તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુઝાઈ એક 'મોક્ષ'ને વિષે જ યત્ન કરવો અને તીવ્ર મુમુક્ષુતા' એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.
‘તીવ્ર મુમુક્ષુતા’ વિષે અત્ર જણાવવું નથી પણ ‘મુમુક્ષુતા’ વિષે જણાવવું છે, કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ
પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે.
સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે. ત્યાં તેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે.
સ્વચ્છંદ જ્યાં પ્રાયે દબાયો છે, ત્યાં પછી ‘માર્ગપ્રાપ્તિ’ને રોકનારાં ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે, એમ અમે જાણીએ છીએ.