________________
૨૭૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
ઇચ્છા એવી છે, અને તેને રાજી રાખ્યા રહ્યા વિના છૂટકો નથી. નહીં તો આવી ઉપાધિયુક્ત દશામાં ન રહીએ; અને ધાર્યું કરીએ, પરમ પીયૂષ અને પ્રેમભક્તિમય જ રહીએ ! પણ પ્રારબ્ધકર્મ બળવત્તર છે !
આજે આપનું એક પત્ર મળ્યું. વાંચી હૃદયગત કર્યું. એ વિષે આપને ઉત્તર ન લખીએ એવી અમારી સત્તા આપની પાસે યોગ્ય નહીં; તથાપિ આપને, અંતર્ગત સમજાયું છે, તે જણાવું છું, કે જે કંઈ થાય છે તે થવા દેવું, ન ઉદાસીન, ન અનુદ્યમી થવું; ન પરમાત્મા પ્રત્યે પણ ઇચ્છા કરવી અને ન મૂંઝાવું. કદાપિ આપ જણાવો છો તેમ અહંપણું આડું આવતું હોય તો તેનો જેટલો બને તેટલો રોધ કરવો; અને તેમ છતાં પણ તે ન ટળતું હોય તો તેને ઈશ્વરાર્પણ કરી દેવું; તથાપિ દીનપણું ન આવવા દેવું. શું થશે ? એવો વિચાર કરવો નહીં, અને જે થાય તે કર્યા રહેવું, અધિક ઝાવાં નાખવા પ્રયત્ન કરવું નહીં. અલ્પ પણ ભય રાખવો નહીં, ઉપાધિ માટે ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહીં; કર્યાનો જે અભ્યાસ થઈ ગયો છે, તે વિસ્મરણ કર્યા રહેવું; તો જ ઈશ્વર પ્રસન્ન થશે, અને તો જ પરમભક્તિ પામ્યાનું ફળ છે; તો જ અમારો તમારો સંયોગ થયો યોગ્ય છે, અને ઉપાધિ વિષે શું થાય છે તે આપણે આગળ ઉપર જોઈ લઈશું. ‘જોઈ લઈશું’ એનો અર્થ બહુ ગંભીર છે.
સર્વાત્મા હરિ સમર્થ છે. આપ અને મહંત પુરુષોની કૃપાથી નિર્બળ મતિ ઓછી રહે છે. આપના ઉપાધિયોગ વિષે જોકે લક્ષ રહ્યા કરે છે; પણ જે કંઈ સત્તા છે તે તે સર્વાત્માને હાથ છે. અને તે સત્તા નિરપેક્ષ, નિરાકાંક્ષ એવા જ્ઞાનીને જ પ્રાપ્ત હોય છે, જ્યાં સુધી તે સર્વાત્મા હરિની ઇચ્છા જેમ હોય તેમ જ્ઞાનીને પણ ચાલવું એ આજ્ઞાંકિત ધર્મ છે, ઇત્યાદિક વાત ઘણી છે. શબ્દે લખી શકતો નથી, અને બીજો કોઈ સમાગમ સિવાય એ વાત કરવાનો ઉપાય હાથમાં નથી; જેથી જ્યારે ઈશ્વરેચ્છા હશે ત્યારે એ વાત કરશું.
ઉપર જે ઉપાધિમાંથી અહંપણું મૂકવાનાં વચનો લખ્યાં છે, તે આપ થોડો વખત વિચાર કરશો, ત્યાં જ તેવી દશા થઈ રહે એવી આપની મનોવૃત્તિ છે; અને એવી ગાંડી શિક્ષા લખવાની સર્વાત્મા હરિની ઇચ્છા હોવાથી મેં આપને લખી છે; માટે જેમ બને તેમ એને અવધારજો. ફરી પણ આપને વિજ્ઞાપન છે કે ઉપાધિ વિષે જેમ બને તેમ નિઃશંકપણે રહી ઉદ્યમ કરવો. કેમ થશે ? એ વિચાર મૂકી દેવો.
આથી વિશેષ ચોખ્ખી વાત લખવાની યોગ્યતા હાલ મને ઈશ્વરે આપવાનો અનુગ્રહ કર્યો નથી; અને તેનું કારણ મારી તેવી આધીન ભક્તિ નથી. આપે સર્વ પ્રકારે નિર્ભય રહેવું એવી મારી ફરી ફરી વિનંતી છે. એ સિવાય હું કંઈ બીજું લખવા યોગ્ય નથી. આ વિષય વિષે સમાગમે આપણે વાતચીત કરીશું. કોઈ રીતે આપે દિલગીર થવું નહીં. આ ધીરજ આપવા તરીકેની જ સમ્મતિ છે એમ નથી, પણ જેમ અંતરથી ઊગી તેમ આપેલી સમ્મતિ છે. વધારે લખી શકાતું નથી; પણ આપે આકુળ રહેવું ન જોઈએ; એ વિનંતી ફરી ફરી માનજો. બાકી અમે તો નિર્બળ છીએ. જરૂર માનજો કે નિર્બળ છીએ; પણ ઉપર લખી છે જે સમ્મતિ તે સબળ છે; જેવી તેવી નથી; પણ સાચી છે. આપને માટે એ જ માર્ગ યોગ્ય છે.
આપ જ્ઞાનકથા લખશો. 'પ્રબોધશતક' ભાઈ રેવાશંકર હાલ તો વાંચે છે. રવિવાર સુધીમાં પાછું મોકલવું ઘટશે તો પાછું મોકલીશ, નહીં તો રાખવા વિષે લખીશ; અને તેમ છતાં તેના માલિક તરફની ઉતાવળ હોય તો જણાવશો તો મોકલી આપીશ.
આપનાં બધાં પ્રશ્નોનો મારી ઇચ્છાપૂર્ણ ઉત્તર લખી શક્યો નથી, ઉપાધિયોગને લીધે; પણ આપ મારા અંતરને સમજી લેશો, એમ મને નિઃશંકતા છે.
લિત આજ્ઞાંકિત રાયચંદ.