________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૪ મું
૨૩
૭. ૧જોકે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી, અને મનન તથા નિદિધ્યાસનાદિનો હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે.
૮. આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે.
૯. ઋષભદેવજીએ અહાણું પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો.
૧૦. પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે.
૧૧. અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તોપણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.
૧૨. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ.
૧૩. આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી.
૧૪. એ ગુપ્ત તત્ત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે.
ઇતિ શિવમ્
૨૦૧
મુંબઈ, માહ વદ ૩, ગુરુ, ૧૯૪૭
કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે, એ હૃદયમાં
જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે.
અત્ર પરમાનંદ છે. અસંગવૃત્તિ હોવાથી સમુદાયમાં રહેવું બહુ વિકટ છે. જેનો કોઈ પણ પ્રકારે યથાર્થ આનંદ કહી શકાતો નથી, એવું જે સસ્વરૂપ તે જેના હૃદયમાં પ્રકાશ્યું છે એવા મહાભાગ્ય જ્ઞાનીઓની અને આપની અમારા ઉપર કૃપા વર્તો. અમે તો તમારી ચરણરજ છીએ; અને ત્રણે કાળ એ જ પ્રેમની નિરંજનદેવ પ્રત્યે યાચના છે.
આજના પ્રભાતથી નિરંજનદેવની કોઈ અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે; આજે ઘણા દિવસ થયાં ઇચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. ગોપીઓ ભગવાન વાસુદેવ(કૃષ્ણચંદ્ર)ને મહીની મટુકીમાં નાંખી વેચવા નીકળી હતી; એવી એક શ્રીમદ્ભાગવતમાં કથા છે; તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે; અમૃત પ્રવહે છે ત્યાં સસદળ કમળ છે, એ મહીની મટુકી છે, અને આદિપુરુષ તેમાં બિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે; તેની પ્રાપ્તિ સત્પુરુષની ચિત્તવૃત્તિરૂપ ગોપીને થતાં તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે “કોઈ માધવ લ્યો, હાંરે કોઈ માધવ લ્યો” એમ કહે છે, અર્થાત્ તે વૃત્તિ કહે છે કે આદિપુરુષની અમને પ્રાપ્તિ થઈ, અને એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે: બીજું કશુંય પ્રાપ્ત કરવા યોગ્ય નથી; માટે તમે પ્રાપ્ત કરો. ઉલ્લાસમાં ફરી ફરી કહે છે કે તમે તે પુરાણપુરુષને પ્રાપ્ત કરો; અને જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઇચ્છો તો અમે તમને તે આદિપુરુષ આપી દઈએ; મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાં છીએ, ગ્રાહક દેખી આપી દઈએ છીએ, કોઈ ગ્રાહક થાઓ, અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાઓ, વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ.
મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ સહસદળ કમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે; મહીનું નામમાત્ર છે; આખી સૃષ્ટિને મથીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃતરૂપ વાસુદેવ
૧. પાઠાંતર- જોકે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી, આ અનાદિકાળનું ગુપ્ત તત્ત્વ સંતોના હૃદયમાં રહ્યું તે પાને ચઢાવ્યું છે.