________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૨ મું
૪૧
ભરૂચ, માગશર સુદિ ૩, ગુરુ ૧૯૪૫
પત્રથી સર્વ વિગત વિદિત થઈ. અપરાધ નથી; પણ પરતંત્રતા છે. નિરંતર સત્પુરુષની કૃપાદૃષ્ટિને ઇચ્છો; અને શોક રહિત રહો એ મારી પરમ ભલામણ છે. તે સ્વીકારશો. વિશેષ ન દર્શાવો તોપણ આ આત્માને તે સંબંધી લક્ષ છે. મુરબ્બીઓને ખુશીમાં રાખો ખરી ધીરજ ધરો. પૂર્ણ ખુશીમાં છું.
ચિત જૂઠાભાઈ,
܀܀܀܀܀
૪૨
ભરૂચ, માગશર સુદ ૧૨, ૧૯૪૫
જ્યાં પત્ર આપવા જાઓ છો ત્યાં નિરંતર કુશળતા પૂછતા રહેશો. પ્રભુભક્તિમાં તત્પર રહેશો. નિયમને અનુસરશો, અને સર્વ વડીલોની આજ્ઞામાં અનુકૂળ રહેશો, એમ મારી ભલામણ છે.
જગતમાં નીરાગીત્વ, વિનયતા અને સત્પુરુષોની આજ્ઞા એ નહીં મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ્યો; પણ નિરુપાયતા થઈ તે થઈ. હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે. જય થાઓ !
અહીં ચારેક દિવસ રોકાવાનું થશે.
܀܀܀܀܀
વિ૦ રાયચંદ