________________
૧૭૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૧. કોઈ પણ વીતરાગની આજ્ઞાનું પાલન થાય તેમ પ્રવર્તવું એ મુખ્ય માન્યતા છે.
૨. પ્રથમ પ્રતિમા નહીં માનતો અને હવે માનું છું, તેમાં કંઈ પક્ષપાતી કારણ નથી; પણ મને તેની સિદ્ધિ જણાઈ તેથી માન્ય રાખું છું; અને સિદ્ધિ છતાં નહીં માનવાથી પ્રથમની માન્યતાની પણ સિદ્ધિ નથી, અને તેમ થવાથી આરાધકતા નથી.
૩. મને આ મત કે તે મતની માન્યતા નથી, પણ રાગદ્વેષરહિત થવાની પરમાકાંક્ષા છે; અને તે માટે જે જે સાધન હોય, તે તે ઇચ્છવાં, કરવાં એમ માન્યતા છે; અને એ માટે મહાવીરનાં વચન પર મને પૂર્ણ વિશ્વાસ છે.
૪. અત્યારે એટલી પ્રસ્તાવના માત્ર કરી પ્રતિમા સંબંધી અનેક પ્રકારથી દર્શાવેલી મને જે સિદ્ધિ તે હવે કહું છું. તે સિદ્ધિને મનન કરતાં પહેલાં વાંચનારે નીચેના વિચારો કૃપા કરીને લક્ષમાં લેવાઃ-
(અ) તમે પણ તરવાના ઇચ્છુક છો, અને હું પણ છું; બન્ને મહાવીરના બોધ, આત્મહિતેષી બોધને ઇચ્છીએ છીએ અને તે ન્યાયમાં છે; માટે જ્યાં સત્યતા આવે ત્યાં બન્નેએ અપક્ષપાતે સત્યતા કહેવી,
(આ) કોઈ પણ વાત જ્યાં સુધી યોગ્ય રીતે ન સમજાય ત્યાં સુધી સમજવી; તે સંબંધી કંઈ કહેતાં મૌન રાખવું.
(ઇ) અમુક વાત સિદ્ધ થાય તો જ ઠીક; એમ ન ઇચ્છવું, પણ સત્ય સત્ય થાય એમ ઇચ્છવું. પ્રતિમા પૂજવાથી જ મોક્ષ છે, કિંવા તે નહીં માનવાથી મોક્ષ છે; એ બન્ને વિચારથી આ પુસ્તક યોગ્ય પ્રકારે મનન કરતાં સુધી મૌન રહેવું.
નહીં.
(ઈ) શાસ્ત્રની શૈલી વિરુદ્ધ, કિંવા પોતાના માનની જાળવણી અર્થે કદાગ્રહી થઈ કંઈ પણ વાત કહેવી
(ઉ) એક વાતને અસત્ય અને એકને સત્ય એમ માનવામાં જ્યાં સુધી અત્રુટક કારણ ન આપી શકાય, ત્યાં સુધી પોતાની વાતને મધ્યસ્થવૃત્તિમાં રોકી રાખવી.
(ઊ) કોઈ ધર્મ માનનાર આખો સમુદાય કંઈ મોક્ષ જશે એવું શાસ્ત્રકારનું કહેવું નથી, પણ જેનો આત્મા ધર્મત્વ ધારણ કરશે તે, સિદ્ધિસંપ્રાપ્ત થશે, એમ કહેવું છે. માટે સ્વાત્માને ધર્મબોધની પ્રથમ પ્રાપ્તિ કરાવ જોઈએ. તેમાંનું એક આ સાધન પણ છે; તે પરોક્ષ પ્રત્યક્ષ અનુભવ્યા વિના ખંડી નાંખવા યોગ્ય નથી.
(એ) જો તમે પ્રતિમાને માનનાર હો તો તેનાથી જે હેતુ પાર પાડવા પરમાત્માની આજ્ઞા છે તે પાર પાડી લેવો અને જો તમે પ્રતિમાના ઉત્થાપક હો તો આ પ્રમાણોને યોગ્ય રીતે વિચારી જોજો. બન્નેએ મને શત્રુ કે મિત્ર કંઈ માનવો નહીં. ગમે તે કહેનાર છે, એમ ગણી ગ્રંથ વાંચી જવો.
(ઐ) આટલું જ ખરું અથવા આટલામાંથી જ પ્રતિમાની સિદ્ધિ થાય તો અમે માનીએ એમ આગ્રહી ન થશો. પણ વીરનાં બોધેલાં શાસ્ત્રોથી સિદ્ધિ થાય તેમ ઇચ્છશો.
(ઓ) એટલા જ માટે વીરનાં બોધેલાં શાસ્ત્રો કોને કહી શકાય, અથવા માની શકાય, તે માટે પ્રથમ ધ્યાનમાં લેવું પડશે; એથી એ સંબંધી પ્રથમ હું કહીશ.
(ઔ) મને સંસ્કૃત, માગધી કે કોઈ ભાષાનો મારી યોગ્યતા પ્રમાણે પરિચય નથી એમ ગણી, મને અપ્રમાણિક ઠરાવો તો ન્યાયની પ્રતિકૂળ જવું પડશે; માટે મારું કહેવું શાસ્ત્ર અને આત્મમધ્યસ્થતાથી તપાસશો.