________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૯ મું
૧૮
મુગટમણિ રવજીભાઈ દેવરાજની પવિત્ર જનાબે,
વવાણિયા, મિ. ૨. ૬-૧-૮-૧૯૪૨
વવાણિયા બંદરથી વિ. રાયચંદ વિ. રવજીભાઈ મહેતાના પ્રેમપૂર્વક પ્રણામ માન્ય કરશોજી. અત્રે હું ધર્મ- પ્રભાવ વૃત્તિથી કુશળ છું. આપની કુશળતા ચાહું છું. આપનો દિવ્ય પ્રેમભાવભૂષિત પત્ર મને મળ્યો, વાંચીને અત્યાનંદાર્ણવતરંગ રેલાયા છે; દિવ્ય પ્રેમ અવલોકન કરીને પરમ સ્મરણ આપનું ઊપજ્યું છે. આવા પ્રેમી પત્રો નિરંતર મળવા વિજ્ઞાપના છે અને તે સ્વીકૃત કરવી આપને હસ્તગત છે. એટલે ચિંતા જેવું નથી. આપે માગેલા પ્રશ્નોનો ઉત્તર અહીં આગળ આપી જવાની રજા લઉં છું.
પ્રવેશકઃ- આપનું લખવું ઉચિત છે. સ્વ સ્વરૂપ ચીતરતાં મનુષ્ય ખચકાઈ જાય ખરો, પરંતુ સ્વ સ્વરૂપમાં જ્યારે આત્મસ્મૃતિનો કિંચિત ભાગ ભળે ત્યારે, નહીં તો નહીં જ, આમ મારું મત છે. આત્મસ્મૃતિનો સામાન્ય અર્થ પણ આમ થાય છે કે પોતાની જૂઠી આપવડાઈ ચીતરવી. અન્યથા આત્મસ્તુતિનું ઉપનામ પામે છે, પરંતુ ખરું લખાણ તેમ પામતું નથી; અને જ્યારે ખરું સ્વરૂપ આત્મસ્તુતિ ગણાય તો પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ ? માટે સ્વ સ્વરૂપની સત્યતા કિંચિત્ આપની માગણી ઉપરથી જણાવતાં અહીં આગળ મેં આંચકો ખાધો નથી, અને તે પ્રમાણે કરતાં ન્યાયપૂર્વક હું દોષિત પણ થયેલો નથી.