________________
૧૦૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
ઉત્તરાધ્યયનસૂત્રમાં નમિરાજ મહર્ષિએ શકેંદ્ર પ્રત્યે એમ કહ્યું કે દશ લાખ સુભટને જીતનાર કંઈક પડ્યા છે, પરંતુ સ્વાત્માને જીતનારા બહુ દુર્લભ છે; અને તે દશ લાખ સુભટને જીતનાર કરતાં અત્યુત્તમ છે.
મન જ સર્વોપાધિની જન્મદાતા ભૂમિકા છે. મન જ બંધ અને મોક્ષનું કારણ છે. મન જ સર્વ સંસારની મોહિનીરૂપ છે. એ વશ થતાં આત્મસ્વરૂપને પામવું લેશમાત્ર દુર્લભ નથી.
મન વડે ઇંદ્રિયોની લોલુપતા છે. ભોજન, વાજિંત્ર, સુગંધી, સ્ત્રીનું નિરીક્ષણ, સુંદર વિલેપન એ સઘળું મન જ માગે છે. એ મોહિની આડે તે ધર્મને સંભારવા પણ દેતું નથી. સંભાર્યા પછી સાવધાન થવા દેતું નથી. સાવધાન થયા પછી પતિતતા કરવામાં પ્રવૃત્ત, લાગુ થાય છે. એમાં નથી ફાવતું ત્યારે સાવધાનીમાં કંઈ ન્યૂનતા પહોંચાડે છે. જેઓ એ ન્યૂનતા પણ ન પામતાં અડગ રહીને મન જીતે છે તે સર્વ સિદ્ધિને પામે છે.
મન અકસ્માત્ કોઈથી જ જીતી શકાય છે. નહીં તો અભ્યાસ કરીને જ જિતાય છે, એ અભ્યાસ નિગ્રંથનામાં બહુ થઈ શકે છે; છતાં ગૃહસ્થાશ્રમે સામાન્ય પરિચય કરવા માગીએ તો તેનો મુખ્ય માર્ગ આ છે કે, તે જે દુરિા કરે તેને ભૂલી જવી; તેમ કરવું નહીં. તે જ્યારે શબ્દસ્પર્શાદિ વિલાસ ઇચ્છે ત્યારે આપવાં નહીં. ટૂંકામાં આપણે એથી દોરાવું નહીં પણ આપણે એને દોરવું; અને દોરવું તે પણ મોક્ષમાર્ગમાં, જિતેન્દ્રિયના વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. ત્યાગે ન ત્યાગ્યા જેવો થાય છે, લોક-લજ્જાએ તેને સેવવો પડે છે. માટે અભ્યાસે કરીને પણ મનને જીતીને સ્વાધીનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું.
શિક્ષાપાઠ ૬૯. બ્રહ્મચર્યની નવ વાડ
જ્ઞાનીઓએ થોડા શબ્દોમાં કેવા ભેદ અને કેવું સ્વરૂપ બતાવ્યું છે ? એ વડે કેટલી બધી આત્મોન્નતિ થાય છે ? બ્રહ્મચર્ય જેવા ગંભીર વિષયનું સ્વરૂપ સંક્ષેપમાં અતિ ચમત્કારિક રીતે આપ્યું છે. બ્રહ્મચર્યરૂપી એક સુંદર ઝાડ અને તેને રક્ષા કરનારી જે નવ વિધિઓ તેને વાડનું રૂપ આપી આચાર પાળવામાં વિશેષ સ્મૃતિ રહી શકે એવી સરળતા કરી છે. એ નવ વાડ જેમ છે તેમ અહીં કહીં જઉં છું.
૧. વસતિ- જે બ્રહ્મચારી સાધુ છે તેમણે જ્યાં સ્ત્રી, પશુ કે પડંગ એથી કરીને જે સંયુક્ત વસતિ હોય ત્યાં રહેવું નહીં. સ્ત્રી બે પ્રકારની છે: મનુષ્ટિણી અને દેવાંગના. એ પ્રત્યેકના પાછા બે બે ભેદ છે. એક તો મૂળ અને બીજી સ્ત્રીની મૂર્તિ કે ચિત્ર. એ પ્રકારનો જ્યાં વાસ હોય ત્યાં બ્રહ્મચારી સાધુએ ન રહેવું; પશુ એટલે તિર્થંચિણી ગાય, ભેંસ ઇત્યાદિક જે સ્થળે હોય તે સ્થળે ન રહેવું; અને પડંગ એટલે નપુંસક એનો વાસ હોય ત્યાં પણ ન રહેવું. એવા પ્રકારનો વાસ બ્રહ્મચર્યની હાનિ કરે છે. તેઓની કામચેષ્ટા, હાવભાવ ઇત્યાદિક વિકારો મનને ભ્રષ્ટ કરે છે.
૨. કથા- કેવળ એકલી સ્ત્રીઓને જ કે એક જ સ્ત્રીને ધર્મોપદેશ બ્રહ્મચારીએ ન કરવો. કથા એ મોહની ઉત્પત્તિરૂપ છે. સ્ત્રીના રૂપ સંબંધી ગ્રંથો, કામવિલાસ સંબંધી ગ્રંથો, કે જેથી ચિત્ત ચળે એવા પ્રકારની ગમે તે શૃંગાર સંબંધી કથા બ્રહ્મચારીએ ન કરવી.
૩. આસન- સ્ત્રીઓની સાથે એક આસને ન બેસવું, જ્યાં સ્ત્રી બેઠી હોય ત્યાં બે ઘડી સુધીમાં બ્રહ્મચારીએ ન બેસવું. એ સ્ત્રીઓની સ્મૃતિનું કારણ છે; એથી વિકારની ઉત્પત્તિ થાય છે; એમ ભગવાને કહ્યું છે.
૪. દ્રિયનિરીક્ષણ- સ્ત્રીઓનાં અંગોપાંગ બ્રહ્મચારી સાધુએ ન જોવાં; એનાં અમુક અંગ પર દૃષ્ટિ એકાગ્ર થવાથી વિકારની ઉત્પત્તિ થાય છે.