________________
૩૬
35
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર પ્રથમ ચિત્ર અનિત્યભાવના
(ઉપજાતિ)
વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ,
આયુષ્ય તે તો જળના તરંગ:
Audio
પુરંદરી ચાપ અનંગ રંગ.
શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ !
વિશેષાર્થઃ- લક્ષ્મી વીજળી જેવી છે. વીજળીનો ઝબકારો જેમ થઈને ઓલવાઈ જાય છે, તેમ લક્ષ્મી આવીને ચાલી જાય છે. અધિકાર પતંગના રંગ જેવો છે. પતંગનો રંગ જેમ ચાર દિવસની ચટકી છે, તેમ અધિકાર માત્ર થોડો કાળ રહી હાથમાંથી જતો રહે છે. આયુષ્ય પાણીનાં મોજાં જેવું છે. પાણીનો હિલોળો આવ્યો કે ગયો તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં પડવું પડે છે. કામભોગ આકાશમાં ઉત્પન્ન થતા ઇંદ્રના ધનુષ્ય જેવા છે. જેમ ઇન્દ્રધનુષ્ય વર્ષાકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે. તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરાવયમાં જતા રહે છે; ટૂંકામાં હે જીવ ! એ સઘળી વસ્તુઓનો સંબંધ ક્ષણભર છે; એમાં પ્રેમબંધનની સાંકળે બંધાઈને શું રાચવું ? તાત્પર્ય એ સઘળાં ચપળ અને વિનાશી છે, તું અખંડ અને અવિનાશી છે; માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર !
ભિખારીનો ખેદ
દૃષ્ટાંતઃ- એ અનિત્ય અને સ્વપ્નવત્ સુખ પર એક દૃષ્ટાંત કહીએ છીએ. એક પામર ભિખારી જંગલમાં ભટકતો હતો, ત્યાં તેને ભૂખ લાગી, એટલે તે બિચારો લઘડિયાં ખાતો ખાતો એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચ્યો; ત્યાં જઈને તેણે અનેક પ્રકારની આજીજી કરી; તેના કાલાવાલાથી કરુણાર્દ્ર થઈ તે ગૃહપતિની સ્ત્રીએ તેને ઘરમાંથી જમતાં વધેલું મિષ્ટાન્ન ભોજન આણી આપ્યું. એવું ભોજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતો પામતો નગરની બહાર આવ્યો. આવીને એક ઝાડ તળે બેઠો. ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ અતિ વૃદ્ધતાને પામેલો એવો પોતાનો જળનો ઘડો મૂક્યો; એક બાજુએ પોતાની ફાટીતૂટી મલિન ગોદડી મૂકી અને પછી એક બાજુએ પોતે તે ભોજન લઈને બેઠો. રાજી રાજી થતાં કોઈ દિવસે તેણે નહીં દીઠેલું એવું ભોજન એણે ખાઈને પૂરું કર્યું. ભોજનને સ્વધામ પહોંચાડ્યા પછી ઓશીકે એક પથ્થર મૂકીને તે સૂતો. ભોજનના મદથી જરા વારમાં તેની આંખો મિચાઈ ગઈ. તે નિદ્રાવશ થયો ત્યાં તેને એક સ્વપ્ન આવ્યું. પોતે જાણે મહા રાજરિદ્ધિ પામ્યો છે; તેથી તેણે સુંદર વસ્ત્રાભૂષણો ધારણ કર્યાં છે, દેશ આખામાં તેના વિજયનો ડંકો વાગી ગયો છે, સમીપમાં તેની આજ્ઞા અવલંબન કરવા અનુચરો ઊભા થઈ રહ્યા છે; આજુબાજુ છડીદારો “ખમા ! ખમા !' પોકારે છે; એક ઉત્તમ મહાલયમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યું છે; દેવાંગના જેવી સ્ત્રીઓ તેને પાદચંપન કરે છે, એક બાજુથી મનુષ્યો પંખા વડે સુગંધી પવન ઢોળે છે, એમ એને અપૂર્વ સુખની પ્રાપ્તિવાળું સ્વપ્ન પ્રાપ્ત થયું. સ્વપ્નાવસ્થામાં તેનાં રોમાંચ ઉલ્લી ગયાં. તે જાણે પોતે ખરેખર તેવું સુખ ભોગવે છે એવું તે માનવા લાગ્યો. એવામાં સૂર્યદેવ વાદળાંથી ઢંકાઈ ગયો; વીજળીના ઝબકારા થવા લાગ્યા; મેઘ મહારાજા ચઢી આવ્યા; સર્વત્ર અંધકાર વ્યાપી ગયો; મુશળધાર વરસાદ પડશે એવો દેખાવ થઈ ગયો; અને ગાજવીજથી એક સઘન કડાકો થયો. કડાકાના પ્રબળ અવાજથી ભય પામીને સત્વર તે પામર ભિખારી જાગૃત થઈ ગયો. જાગીને જુએ છે તો નથી તે દેશ કે નથી તે નગરી, નથી તે મહાલય કે નથી તે પલંગ, નથી તે ચામરછત્ર ધરનારા કે નથી તે છડીદારો, નથી તે સ્ત્રીઓનાં વૃંદ કે નથી તે વસ્ત્રાલંકારો, નથી તે પંખા કે નથી તે પવન,