________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું भोगे रोगभयं कुले च्युतिभयं विते नृपालाद्भयं
माने दैन्यभयं बले रिपुभयं रूपे तरुण्या भयं शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतांताद्भयं,
सर्व वस्तु भयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयं.
33
ભાવાર્થઃ- ભોગમાં રોગનો ભય છે; કુળને પડવાનો ભય છે; લક્ષ્મીમાં રાજાનો ભય છે; માનમાં દીનતાનો ભય છે; બળમાં શત્રુનો ભય છે; રૂપથી સ્ત્રીને ભય છે; શાસ્ત્રમાં વાદનો ભય છે; ગુણમાં ખળનો ભય છે; અને કાયા પર કાળનો ભય છે; એમ સર્વ વસ્તુ ભયવાળી છે; માત્ર એક વૈરાગ્ય જ અભય છે !!!
મહાયોગી ભર્તૃહરિનું આ કથન સૃષ્ટિમાન્ય એટલે સઘળા ઉજ્જવળ આત્માઓ સદૈવ માન્ય રાખે તેવું છે, એમાં આખા તત્ત્વજ્ઞાનનું દોહન કરવા એમણે સકળ તત્ત્વવેત્તાઓનાં સિદ્ધાંતરહસ્યરૂપ અને સ્વાનુભવી-સંસારશોકનું તાદ્રશ ચિત્ર આપ્યું છે. એણે જે જે વસ્તુઓ પર ભયની છાયા પ્રદૃશ્ય કરી તે તે વસ્તુ સંસારમાં મુખ્ય સુખરૂપે મનાઈ છે. સંસારનું સર્વોતમ સાહિત્ય જે ભોગ તે તો રોગનું ધામ ઠર્યું; મનુષ્ય ઊંચ કુળથી સુખ માને તેવું છે ત્યાં પડતીનો ભય દેખાડ્યોઃ સંસારચક્રમાં વ્યવહારનો ઠાઠ ચલાવવાને દડરૂપ લક્ષ્મી તે રાજા ઇત્યાદિના ભયથી ભરેલી છે કોઈ પણ કૃત્ય કરી યશકીર્તિથી માન પામવું કે માનવું એવી સંસારના પામર જીવોની અભિલાષા છે તો ત્યાં મહા દીનતા ને કંગાલિયતનો ભય છે; બળ-પરાક્રમથી પણ એવા જ પ્રકારની ઉત્કૃષ્ટતા પામવી એમ ચાહવું રહ્યું છે તો ત્યાં શત્રુનો ભય રહ્યો છે; રૂપ-કાંતિ એ ભોગીને મોહિનીરૂપ છે તો ત્યાં તેને ધારણ કરનારી સ્ત્રીઓ નિરંતર ભયવાળી જ છે; અનેક પ્રકારે ગૂંથી કાઢેલી શાસ્ત્રજાળ તેમાં વિવાદનો ભય રહ્યો છે; કોઈ પણ સાંસારિક સુખનો ગુણ પ્રાપ્ત કરવાથી જે આનંદ લેખાય છે, તે ખળ મનુષ્યની નિંદાને લીધે ભયાન્વિત છે, જેમાં અનંત પ્રિયતા રહી છે એવી કાયા તે એક સમયે કાળરૂપ સિંહના મુખમાં પડવાના ભયથી ભરી છે. આમ સંસારનાં મનોહર પણ ચપળ સાહિત્યો ભયથી ભર્યાં છે. વિવેકથી વિચારતાં જ્યાં ભય છે ત્યાં કેવળ શોક જ છે; જ્યાં શોક હોય ત્યાં સુખનો અભાવ છે; અને જ્યાં સુખનો અભાવ રહ્યો છે, ત્યાં તિરસ્કાર કરવો યથોચિત છે.
યોગીંદ્ર ભર્તૃહરિ એક જ એમ કહી ગયા છે તેમ નથી. કાળાનુસાર સૃષ્ટિના નિર્માણસમયથી ભર્તૃહરિથી ઉત્તમ, ભર્તૃહરિ સમાન અને ભર્તૃહરિથી કનિષ્ઠ એવા અસંખ્ય તત્ત્વજ્ઞાનીઓ થઈ ગયા છે, એવો કોઈ કાળ કે આર્ય દેશ નથી કે જેમાં કેવળ તત્ત્વજ્ઞાનીઓનું ઊપજવું થયું નથી. એ તત્ત્વવેત્તાઓએ સંસારસુખની હરેક સામગ્રીને શોકરૂપ ગણાવી છે; એ એમના અગાધ વિવેકનું પરિણામ છે. વ્યાસ, વાલ્મીકિ, શંકર, ગૌતમ, પતંજલિ, કપિલ અને યુવરાજ શુદ્ધોદને પોતાના પ્રવચનમાં માર્મિક રીતે અને સામાન્ય રીતે જે ઉપદેશ્યું છે, તેનું રહસ્ય નીચેના શબ્દોમાં કંઈક આવી જાય છે.
“અહો લોકો ! સંસારરૃપ સમુદ્ર અનંત અને અપાર છે, એનો પાર પામવા પુરુષાર્થનો ઉપયોગ કરો । ઉપયોગ કરો ! !
એમ ઉપદેશમાં એમનો હેતુ પ્રત્યેક પ્રાણીઓને શોકથી મુક્ત કરવાનો હતો. એ સઘળા જ્ઞાનીઓ કરતાં પરમ માન્ય રાખવા યોગ્ય સર્વજ્ઞ મહાવીરનાં વચન સર્વ સ્થળે એ જ છે કે, સંસાર એકાંત અને અનંત શોકરૂપ તેમ જ દુઃખપ્રદ છે. અહો ! ભવ્ય લોકો ! એમાં મધુરી મોહિની ન આણતાં એથી નિવૃત્ત થાઓ | નિવૃત્ત થાઓ !!
મહાવીરનો એક સમય માત્ર પણ સંસારનો ઉપદેશ નથી, એનાં સઘળાં પ્રવચનોમાં એણે એ જ પ્રદર્શિત કર્યું છે; તેમ તેવું સ્વાચરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે. કંચનવર્ણી કાયા, યશોદા જેવી રાણી, અઢળક સામ્રાજ્યલક્ષ્મી અને મહાપ્રતાપી સ્વજન પરિવારનો સમૂહ છતાં તેની મોહિનીને