________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ઘડારૂપ કાર્યને પ્રાપ્ત થાય છે તેથી માટી કર્તા છે અને ઘડો કર્મ છે, અથવા ઘડો માટીથી અભિન્ન છે તેથી માટી પોતે જ કર્મ છે; પોતાના પરિણમન સ્વભાવથી માટીએ ઘડો બનાવ્યો તેથી માટી પોતે જ કરણ છે; માટીએ ઘડારૂપ કર્મ પોતાને જ અર્પણ કર્યું તેથી માટી પોતે જ સંપ્રદાન છે; માટીએ પોતાનામાંથી પીંડરૂપ અવસ્થા નષ્ટ કરીને ઘડારૂપ કાર્ય કર્યું અને પોતે તો ધ્રુવ રહી તેથી તે પોતે જ અપાદાન છે; માટીએ પોતાના જ આધારે ઘડો બનાવ્યો તેથી પોતે જ અધિકરણ છે. આ રીતે નિશ્ચયથી છ યે કારકો એક જ દ્રવ્યમાં છે.
૫રમાર્થે એક દ્રવ્ય બીજા દ્રવ્યને સહાય કરી શકતું નથી તથા દ્રવ્ય પોતે જ, પોતાને, પોતાથી, પોતાને માટે, પોતાનામાંથી, પોતાનામાં કરતું હોવાથી આ નિશ્ચય છ કારકો જ પરમ સત્ય છે.
ઉપરોક્ત રીતે દ્રવ્ય પોતે જ પોતાની અનંતશક્તિરૂપ સંપદાથી પરિપૂર્ણ છે, તેથી પોતે જ છ કારકરૂપ થઈને પોતાનું કાર્ય નિપજાવવાને સમર્થ છે, તેને બાહ્યસામગ્રી કાંઇ સહાય કરી શકતી નથી. માટે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાના ઈચ્છુક આત્માએ બાહ્ય સામગ્રીની અપેક્ષા રાખી પરતંત્ર થવું નિરર્થક છે. શુદ્ધોપયોગમાં લીન આત્મા પોતે જ છ કારકરૂપ થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. તે આત્મા પોતે અનંત શક્તિવાળા જ્ઞાયકસ્વભાવ વડે સ્વતંત્ર છે અને તેથી પોતે જ કર્તા છે; પોતે અનંત શક્તિવાળા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરતો હોવાથી કેવળજ્ઞાન કર્મ છે, અથવા કેવળજ્ઞાનથી પોતે અભિન્ન હોવાથી આત્મા પોતે જ કર્મ છે; પોતાના અનંત શક્તિવાળા પરિણમનસ્વભાવરૂપ ઉત્કૃષ્ટ સાધન વડે કેવળજ્ઞાન પ્રગટ કરતો હોવાથી આત્મા પોતે જ કરણ છે; પોતાને જ કેવળજ્ઞાન અર્પણ કરે છે, તેથી આત્મા પોતે જ સંપ્રદાન છે; પોતાનામાંથી મતિ-શ્રુતાદિ અપૂર્ણ જ્ઞાન દૂર કરીને કેવળજ્ઞાન પ્રગટ કરે છે અને પોતે સહજ જ્ઞાનસ્વભાવ વડે ધ્રુવ રહે છે, તેથી પોતે જ અપાદાન છે; પોતાનામાં જ અર્થાત્ પોતાના જ આધારે કેવળજ્ઞાન પ્રગટ કરે છે, તેથી પોતે જ અધિકરણ છે. આ રીતે સ્વયં (પોતે જ) છ કારકરૂપ થતો હોવાથી તે ‘સ્વયંભૂ’ કહેવાય છે.
૪૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com