________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
| [ ૨૩ આવી છે. વિભાવોથી છૂટેલો, ને જગતથી ન્યારો ઉપર તરતો-આત્મા અદભુત આનંદ-તરંગમાં ડોલાયમાન થઈ રહ્યો છે, ખેલી રહ્યો છે, રમી રહ્યો છે. આ શબ્દોમાં ઘણું ઊંડાણ રહેલું છે. બીજા બીજા શબ્દો દ્વારા આવી જાતનું કથન અમૃતચંદ્રાચાર્યના કળશમાં ઘણું આવે છે.
નિક્ષેપોનો સમૂહું ક્યાં ચાલ્યો જાય છે તેની ખબર નથી, નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, અને પ્રમાણ અસ્ત થઈ જાય છે ત્યારે આત્મા અંદરથી કોઈ જુદો પ્રગટ થાય છે. ચૈતન્ય સ્વરૂપ લીલા કરતો અંદરથી પ્રગટ થાય છે.
કોઈ કહે, અમને શાંતિ થઈ ગઈ, તે આ વાત નથી. આ તો જુદું છે, આ આનંદ-તરંગો જુદા છે. આનંદ અંતરમાથી સ્વયં આવે છે. કેટલાક વિકલ્પને અતિ મંદ કરે, અને પછી માત્ર સૂક્ષ્મ વિકલ્પ રહે એટલે તેને શાંતિ લાગે. પણ આ તો વિકલ્પથી બધી રીતે છૂટીને આનંદ પ્રગટે છે અને તે જુદી જાતનો પ્રગટે છે.
મુમુક્ષુ - મુમુક્ષુ-અમને તો વિકલ્પ જ દેખાય છે? તથા આપ જે આનંદની વાત કરો છો તે જાત જ કાંઈ જુદી લાગે છે?
બહેનશ્રી - અનાદિથી વિકલ્પનો અભ્યાસ થઈ રહ્યો છે એટલે વિકલ્પ જ દેખવામાં આવે છે તથા વિકલ્પ મંદ થાય તો શાંતિ લાગે છે અને વિકલ્પ વધારે હોય તો આકુળતા લાગે છે. પરંતુ આ તો અંતરમાં વિકલ્પ રહિત થવાની વાત છે. આત્મા પોત-સ્વયં જાગૃતસ્વરૂપ છે, અસ્તિસ્વરૂપ છે. તેનું અસ્તિત્વ કાંઈ ચાલ્યું ગયું નથી. વિકલ્પની અતિ ચાલી ગઈ, છતાં પોતાનું અસ્તિત્વ ઊભું રહે છે અને તે અસ્તિત્વ ચૈતન્યપણે છે. તે ચૈતન્ય આનંદગુણથી ભરપૂર છે. તેનો આનંદગુણ કોઈ જુદો જ છે-અદ્દભુત છે અને જ્ઞાનગુણ પણ કોઈ અદ્ભુત છે. એવા તો અનંતગુણો તેમાં છે. બધા વિકલ્પો છૂટી જાય તો પછી રહેશે કોણ? એક આત્મા રહે છે. તેમાં આનંદગુણ પ્રગટે છે, આનંદગુણની અનુભૂતિ થાય છે. વિકલ્પના અભ્યાસમાં વિકલ્પ જ દેખાય છે, બીજું કાંઈ દેખાતું નથી. તેથી તેને એમ થાય છે કે વિકલ્પ છૂટી જતાં પછી રહેશે શું? આનંદગુણથી ભરેલો આત્મા રહે છે. તે ચૈતન્ય અનંતગુણમાં ખેલે છે, રમે છે, ડોલે છે. કોઈ કહે છે કે અમને શાંતિ....શાંતિ...લાગે છે. પણ તે અમુક વિકલ્પ મંદ થાય તેની શાંતિ છે. જ્યારે આ શાંતિ તો કોઈ જુદી જ છે. તે પ્રગટ થતાં તેને અંદરથી તૃપ્તિ થાય છે કે આ સિવાય કોઈ માર્ગ નથી, આ જ મુક્તિનો માર્ગ છે. ૨૩.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com