________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૨]
[ સ્વાનુભૂતિદર્શન માટે નહીં થાય કે માર્ગ બીજો હશે એમ શ્રદ્ધામાં ફેર પડવો ન જોઈએ. કરવાનું તો આ જ છે, માર્ગ આ જ છે. પ્રયાસ છોડે નહીં ને વારંવાર વારંવાર પ્રયાસ કર્યા કરે.
જેમ ભગવાનને દ્વારે ટહેલ માર્યા કરે, ભગવાનના દ્વાર ખૂલે નહીં ત્યાં સુધી ટહેલ મારવી છોડે નહીં તેમ હું જ્ઞાયક છું તે સમજાતું નથી માટે પ્રયાસ છોડી દે નહીં, એની લગની લગાડ્યા જ કરે, ભગવાનના-ચૈતન્યના દ્વારે ફર્યા જ કરે, ચૈતન્યદેવ કેવા હશે! તે વિચારો કર્યા કરે, મહિમા લાવે, અંતરમાં રસ લગાવે ને બહારના રસ છોડી દે. ટાઈમ મળે ત્યારે વારંવાર ભેદજ્ઞાનના વિચારો કર્યા કરે. અંદરનો રસ-રૂચિ લાગે તો તેના ( ભેદજ્ઞાનના ) વિચારો આવે છે.
બહારથી બધું છોડી દે, ત્યાગ કરે એટલે અંતરમાં થઈ જાય એવું નથી. પ્રથમ બહારથી બધું છૂટી જતું નથી, અંતરમાંથી રસ-રુચિ લાગે ત્યારે થાય છે. વાંચન, વિચાર, મંથન, ઘોલન અને તેનો વારંવાર પ્રયાસ કર્યા કરવો. અંદરથી છૂટવું તે ખરું છૂટવું છે.
સમ્યગ્દર્શન થાય, ભેદજ્ઞાન થાય, સ્વાનુભૂતિ થાય અને અંતરની દશા વધે ત્યારે અંતરમાંથી બહારનો રસ ઓછો થઈ જાય છે અને બહારથી બધું છૂટી જાય છે. ૫૦૫. પ્રશ્ન:- તત્ત્વસંબંધી અનેક વિચારોથી આત્મા ઓળખાય ? સમાધાન - ધ્યેય તો એક જ્ઞાયકનું જ હોવું જોઈએ. જ્ઞાયક કેમ ઓળખાય તે સમજવા માટે વિચારો આવે, દ્રવ્ય-ગુણ-પર્યાય શું છે? એવું અનેક જાતનું વિચારવાનું અંદર આવે; પરંતુ તેમાં જ્ઞાયક મુખ્ય હોવો જોઈએ. આત્માનું સ્વરૂપ કેવું છે? આત્મા કેમ ઓળખાય? આત્મા જુદો કેમ પડે? ભેદજ્ઞાન કેમ થાય? આત્માની પ્રતીતિ કેમ થાય; તે વિચારોમાં ધ્યેય એક આત્માનું હોવું જોઈએ, આત્માર્થે બધું હોવું જોઈએ. માત્ર જાણવા ખાતર જાણી લેવું એમ નહીં, આત્માને લાભ થાય એવા વિચારો હોય. હું જ્ઞાયક છું, પરદ્રવ્યરૂપ નથી વગેરે તે નક્કી કરવાના તેમ જ દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, કરણાનુયોગ ને ધર્મકથાના જ્ઞાનને લગતા એવા બધી જાતના વિચારો, આવે; પણ નક્કી એક આત્માને કરવાનો છે. બધું જાણું, પણ એક આત્માને ન જાણ્યો તો બધું જાણું શું કામનું? બધું જાણવાની સાથે આત્મા મુખ્ય હોય તો તે પ્રયોજનભૂત-સારભૂત છે. ૫૦૬.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com