________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૨૦ ]
[ સ્વાનુભૂતિદર્શન
તેને રસ નથી, જગતના કોઈ પુણ્ય તત્ત્વ પ્રત્યે તેને રસ નથી, સ્પૃહા માત્ર છૂટી ગઈ છે.
જ્ઞાનીને એકત્વબુદ્ધિપૂર્વક કોઈ જાતની સ્પૃહા નથી. જોકે પુરુષાર્થની મંદતાથી આચરણમાં અલ્પ સ્પૃહા રહે છે તે જુદી વાત છે; પણ શ્રદ્ધામાં તો તેણે પહેલાંથી નવ નવ કોટિએ બધાંનો ત્યાગ કર્યો છે. નવ નવ કોટિએ વિભાવ મારે જોઈતા નથી. ઊંચામાં ઊંચા શુભભાવના વિકલ્પને પણ મન-વચન-કાયાથી છોડું છું. મારે તે નથી જોતા, નથી જોતા-એ રીતે શ્રદ્ધામાંથી પહેલાં વિકલ્પો છૂટી જાય છે. પછી આચરણમાંથી પણ છૂટી જાય છે.
જ્ઞાની અસ્થિરતાને લીધે બહારનાં કોઈ આચરણોમાં ઊભા હોય, પરંતુ તે સર્વ આચરણો તિલાંજલીરૂપ છે. મને તેના પ્રત્યેની કોઈ સ્પૃહા નથી, કોઈ વિકલ્પનો અંશ માત્ર મારો નથી. સ્વરૂપના ગુણ-પર્યાયના વિચારોમાં રોકાવું તે પણ પોષાતું નથી. ૩૯૦.
પ્રશ્ન:- જ્ઞાનીને મારે આત્મા જોઈએ છીએ એવો વિકલ્પ નથી ?
સમાધાનઃ- જ્ઞાનીને કોઈ પણ જાતનો એકત્વબુદ્ધિનો વિકલ્પ રહેતો નથી. જ્યાં સુધી અસ્થિરતાના વિકલ્પમાં ઊભા છે ત્યાં સુધી આકુળતા છે; પણ જ્યાં પરિણતિ આત્મા તરફ ગઈ ત્યાં વિકલ્પ નથી. જે આત્માને મેં ગ્રહણ કર્યો તે હું પોતે જ છું, આ હું છું-એ જાતના વિકલ્પમાં પણ તે રોકાતો નથી. ‘હું છું તે છું. શ્રદ્ધામાં તો એમ જ છે. સહજ સ્વરૂપ-કુદરત સ્વરૂપ-આત્મા, સહજપણે કુદરતી પરિણમી જાય છે. અનંત ગુણ અદ્દભુત અને ચમત્કારિક છે તે રૂપે પોતે સહજ પરિણમી જાય છે. સહજ આનંદ, સહજ જ્ઞાન, સહજ દર્શન, આદિ જે અનુપમ અને અપૂર્વ ગુણ છે તેનું અંશે પરિણમન છે, તે લીનતા વધતાં પૂર્ણરૂપે પરિણમી જાય છે.
સાધકદશામાં શ્રુતજ્ઞાનના ને દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચારો, દેવ-શાસ્ત્રગુરુની ભક્તિ વગેરે એવા વિકલ્પ આવે છે. અંતરમાં પૂરો ઠરી શકતો નથી ને સ્વાનુભૂતિમાંથી જ્યારે બહાર આવે છે ત્યારે ભક્તિના વિકલ્પો આવે છે. પણ ચૈતન્યનું રહેવાનું સ્થળ બદલાઈ ગયું છે. જ્ઞાનીની લીનતાની આખી દિશા બદલાઈ ગઈ છે-અરે! તેની આખી દુનિયા જ બદલાઈ ગઈ છે. તેનું રહેવાનું સ્થાન પણ આત્મા, બેસવાનું સ્થાન પણ આત્મા આસન પણ આત્મા, બધું આત્મામય જ થઈ ગયું છે. તેનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com