________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ૨૧૫
ડહાપણ કામ ન આવે. વિચાર આવે, પણ જ્યારે આયુષ્ય પૂરું થાય ત્યારે કોઈનું ચાલતું નથી. કોઈના વિકલ્પ કામ નથી આવતા. આયુષ્ય હોય તો ગમે તેવા સંયોગમાં દવા લાગુ પડે છે, આયુષ્ય પૂરું થાય ત્યાં કોઈ દવા લાગુ પડતી નથી. ગમે તેવા દુઃખના પ્રસંગોમાં શાંતિ રાખવી. સંસાર આવો છે, સંયોગો ક્ષણિક છે. ગમે તેવી સ્થિતિમાં ગુરુદેવનો એક મંત્ર યાદ કરીએ તો ઘણું સમાધાન થાય એમ છે. શુભભાવમાં દેવ-શાસ્ત્ર-ગુરુ શરણ છે, અંતરમાં જ્ઞાયક જુદો છે તે શરણ છે. મુમુક્ષુઃ- ગુરુદેવ બહુ યાદ આવે છે.
બહેનશ્રી:- ગુરુદેવ તો ગુરુદેવ જ હતા. તેઓ કેમ ભુલાય ? કુદરત આગળ કોઈનો ઉપાય નથી. એવા મહાપુરુષ તો શાશ્વત રહે એવી ભાવના થાય; પણ કુદરત આગળ કોઈનો ઉપાય નથી. ગુરુદેવે જ ઉપદેશ આપ્યો છે તે અંતરમાં જમાવટ કરી આગળ જવું તે એક જ ઉપાય, અંતરમાં કરવાનો છે.
પદ્મનંદી આચાર્ય કહે છે કે મારા ગુરુએ જે ઉપદેશની જમાવટ મારા અંતરમાં કરી છે તે ઉપદેશની જમાવટ આગળ મને કાંઈ પ્રિય નથી, પૃથ્વીનું રાજ્ય પણ પ્રિય નથી. પૃથ્વીનું રાજ્ય તો શું, પણ ત્રણ લોકનું રાજ્ય મળે તો પણ તે મને પ્રિય નથી. મારા ગુરુએ જે ઉપદેશની જમાવટ કરી છે તેની મને એટલી ભક્તિ છે કે મારા હૃદયની અંદર બીજા કોઈની મને રુચિ નથી. આ જગતની અંદર શું અપૂર્વ છે? કાંઈ અપૂર્વ નથી. જીવને અનંતકાળમાં બધું મળી ચૂકયું છે. તેને દેવલોકનાં પદ મળી ચૂકયાં છે. મોટી-મોટી પદવીઓ મળી ચૂકી છે, પણ તેમાં જીવને કયાંય શાંતિ મળી નથી.
ગુરુદેવે તો વર્ષો સુધી વાણી વરસાવી છે અને બધા ભક્તોને તૈયાર કર્યા છે. તેની આગળ બધી બહારની ઋદ્ધિ તુચ્છ છે, બહારના બધા સંયોગો તુચ્છ છે.
જેમ પૂર્વભવનું વીસરાઈ ગયું છે તેમ આ ભવમાં જે બન્યું તે બધું વીસરી જવું. હવેથી નવું જીવન શરૂ કરવાનું છે. ગયો ભવ જેમ ગયો તેમ આ ભવમાં જે થયું તે વીસરી જવું. નવી જિંદગી જાણે કરવાની હોય એવો વિચાર કરવો. ૩૮૧. પ્રશ્ન:- અવારનવાર આપ ‘સહજ' કહો છો તો ‘સહજ' એટલે શું? આત્મા પુરુષાર્થ વગર સહજ સાધ્ય છે?
સમાધાનઃ- જ્ઞાયક સ્વભાવ સહજ છે, પણ પુરુષાર્થ કરવો, અને પરિણમનનો પલટો કરવો તે કાંઈ તેની મેળાએ થઈ જાય છે કે કોઈ કરાવી દે છે તેમ નથી.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com