________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] પ્રશ્ન- દ્રવ્યકર્મ ભાવકર્મ અને નોકર્મ એ ત્રણેથી એક સાથે જુદો પડે ? સમાધાન- અંતરમાં વિભાવ સાથે જ્યાં એકત્વબુદ્ધિ છે ત્યાં બધા પરપદાર્થ સાથે પણ એકત્વબુદ્ધિ છે. આમ સ્થૂલ રીતે બધાથી એકત્વ માનતો નથી, પણ એક પણ પરપદાર્થ કે વિભાવ સાથે જેને એકત્વબુદ્ધિ છે તેને બધા સાથે એકત્વબુદ્ધિ છે જ, તે જુદો પડ્યો નથી. દ્રવ્યકર્મના નિમિત્તે ભાવકર્મરૂપે પોતે પરિણમે છે, પણ તે પોતાનો સ્વભાવ નથી. દ્રવ્યદૃષ્ટિથી જોવે તો વિભાવ પણ પોતાથી જુદો છે. છતાં તેની સાથે જેને એકત્વબુદ્ધિ છે તે પર તરફ દૃષ્ટિ કરીને ઊભો છે.
કોઈને એમ લાગે કે હું બધાથી જુદો પડ્યો છું. અને માત્ર વિભાવ સાથે એકત્વબુદ્ધિ છે, એટલું જ બાકી રહ્યું છે. પણ જો તે એક વિભાવમાં પણ એકત્વબુદ્ધિ કરી રહ્યો છે તો તેને બધા સાથે એકત્વબુદ્ધિ ઊભી જ છે. અને
જ્યારે વિભાવથી છૂટે છે ત્યારે બધાથી છૂટી જાય છે. ૩૪૪. પ્રશ્ન:- આપનું કહેવું છે કે વિભાવભાવમાં દષ્ટિ છે ત્યાં સુધી પરમાં જ દષ્ટિ રહેલી છે ? સમાધાન- હા, પર તરફ દષ્ટિ રહેલી છે, તેની દૃષ્ટિની દિશા જ પર તરફ છે. દષ્ટિની દિશા સ્વ તરફ આવી જ નથી; અને ગ્રહણ કર્યું જ નથી, તેણે દૃષ્ટિની દિશા બદલાવી નથી. અને દૃષ્ટિની દિશા જો પર તરફ છે તો તેમાં બધા પર આવી જાય છે. ૩૪૫. પ્રશ્ન- પરપદાર્થ મારા નથી એમ વિચારીને નક્કી તો કર્યું છે. છતાં તેને પરપદાર્થથી સાચું ભેદજ્ઞાન કેમ થતું નથી ? સમાધાન - આ બધાં ઘર-મકાન-કુટુંબ આદિ મારાં નથી. એવો વૈરાગ્ય તો જીવે ઘણીવાર કર્યો છે તથા શરીર આદિ બધા પરપદાર્થ મારા નથી, તે પર છે એમ પણ વિચાર કર્યો છે તે વિચાર કરીને જુદો પડે છે, પણ તેની પરિણતિ પર સાથે એકત્વ થઈ રહી છે ત્યાં સુધી એકત્વબુદ્ધિ ઊભી જ છે, અને વિકલ્પ સાથે એકત્વબુદ્ધિ છે તો બધા સાથે પણ એકત્વબુદ્ધિ છે. તેને શરીરમાં કાંઈ થાય તો તે વિચાર કરે કે શરીરથી હું જુદો છું, જુદો છું. પણ સહજ ભેદજ્ઞાન રહેવું જોઈએ તે રહેતું નથી. માટે વિચારથી જુદો પડે છે, પણ વાસ્તવિક ભેદજ્ઞાનની પરિણતિ તેને નથી. ૩૪૬.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com