________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
[સ્વાનુભૂતિદર્શન
૯૬ ]
પ્રશ્ન:- પર્યાયમાં અનુભવ તો પર્યાયનો થાય છે ને ?
સમાધાનઃ- અનુભવ ભલે પર્યાયમાં થાય, પણ આત્મામાં અનંતા ગુણો છે તે ગુણો તેને ખ્યાલમાં આવે છે દ્રવ્યને છોડીને પર્યાય અધ્ધર રહેતી નથી, પર્યાય દ્રવ્યની જ છે. વેદન ભલે પર્યાયનું થાય, પણ દ્રવ્ય તેમાં જણાય છે. દ્રવ્યમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ અનંતા ગુણો છે ને પર્યાય તેને જાણે છે. દ્રવ્ય કોઈ વસ્તુ જ નથી કે સાવ શૂન્ય જ છે એવું નથી. તેમાં ગુણો ભરેલા છે. જેમ પુદ્ગલ વર્ણ-ગંધ-રસ-સ્પર્શરૂપે પરિણમે તે બધી તેની પર્યાય છે. કેરી ખટાશરૂપે પરિણમે, મીઠાશરૂપે પરિણમે તે બધી પુદ્ગલની પર્યાયો છે. પણ તેવા ગુણો કોના છે? કેરીના-પુદ્ગલના છે. તેમ આત્મા જ્ઞાન-દર્શન-આનંદરૂપે પરિણમે તે બધી તેની પર્યાયો છે. પણ પરિણમનાર કોણ છે? પોતે ચૈતન્ય વસ્તુ. ચૈતન્ય વસ્તુની તે પર્યાયો છે અને તે ચૈતન્યની પર્યાય છે એટલે તે પર્યાય પોતે દ્રવ્યને જાણી શકે છે, દ્રવ્યના ગુણોને ખ્યાલમાં લઈ શકે છે કે ગુણો આવા છે.
વેદન ભલે પર્યાયનું થાય પણ તે જાણે છે દ્રવ્યને. તથા દ્રવ્યની પોતાની પર્યાય છે, બીજાની નથી. પર્યાય કાંઈ અધ્ધર લટકતી નથી. ચૈતન્યની પર્યાય જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપે પરિણમે તે પોતાની પર્યાય દ્રવ્યથી જુદી નથી. પર્યાયનો સ્વભાવ એ રીતે જુદો છે કે પર્યાય ક્ષણિક છે ને દ્રવ્ય શાશ્વત છે. છતાં પણ પર્યાય દ્રવ્યની છે, આત્માના આધારે પરિણમે છે, નિરાધાર નથી. જો દ્રવ્યના આધારે પર્યાય પરિણમતી ન હોય તો દ્રવ્ય અને પર્યાયના બે કટકા થઈ જાય. પર્યાય તો ક્ષણિક છે, તે ચાલી જાય છે અને આત્મા શાશ્વત છે. તેમાંથી બીજીબીજી પર્યાય આવ્યા જ કરે છે. જ્ઞાનની જ્ઞાનરૂપે, ચારિત્રની ચારિત્રરૂપે, શ્રદ્ધાની શ્રદ્ધારૂપે એમ નવી નવી પર્યાય ચૈતન્યમાંથી આવ્યા જ કરે છે. જેમ પાણીમાં મોજાં થયા કરે તેમ ચૈતન્યમાંથી ગુણોની પર્યાય આવ્યા જ કરે છે. જેમ હીરામાં ચમક થયા કરે, તે હીરામાંથી આવે છે, તેમ આત્મામાંથી નવી નવી પર્યાય આવ્યા જ કરે છે.
જે અપેક્ષાએ દ્રવ્ય-પર્યાયના ભેદની વાત આવે છે, તે અપેક્ષાએ ભેદ છે પણ દ્રવ્ય-ગુણ-પર્યાયને સર્વથા ભેદ નથી. તેમને લક્ષણભેદ છે, સંખ્યાભેદ છે,એવી રીતે ભેદ છે. દ્રવ્યદષ્ટિની અપેક્ષાએ જુદાં કહેવાય, પણ તેમને સર્વથા જુદાં ન સમજવાં. વસ્તુના કટકા ન સમજવા. ૧૩૬.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com