________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮).
(શ્રાવકધર્મપ્રકાશ તરફના પરિણામ કેવા હોય, સર્વજ્ઞની ઓળખાણ કેવી હોય-તે બધા પ્રકારો આ અધિકારમાં મુનિરાજે બહુ સરસ વર્ણવ્યા છે. સભામાં આ ત્રીજી વખત તે વંચાય છે. મહા પુણ્ય હોય ત્યારે જૈનધર્મનો ને સત્યના શ્રવણનો આવો યોગ મળે; તે સમજવા માટે અંતરમાં ઘણી પાત્રતા હોય છે. એક રાગનો કણિયો પણ જેમાં નથી એવા સ્વભાવનું શ્રવણ કરવામાં ને તેને સમજવાની પાત્રતામાં જે જીવ આવ્યો તેને સ્થૂળ અનીતિનો, તીવ્ર કષાયોનો, માંસ-મધ વગેરે અભક્ષ્યના ભક્ષણનો તથા કુદેવ-કુગુરુકુમાર્ગના સેવનનો તો ત્યાગ હોય જ; ને સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનો આદર, સાધર્મીનો પ્રેમ, પરિણામોમાં કોમળતા, વિષયોની મીઠાસનો ત્યાગ, વૈરાગ્યનો રંગ-એવી લાયકાત હોય છે. આવી પાત્રતા વગર એમ ને એમ તત્ત્વ પ્રણમી જાય એવું નથી. ભરત ચક્રવર્તીના નાની નાની ઉંમરના રાજકુમારો પણ આત્માના ભાનસહિત રાજપાટમાં હતા, તેમનું અંતર જગતથી ઉદાસ હતું. નાના રાજકુમારો રાજસભામાં આવીને બે ઘડી બેસે છે ત્યાં રાજભંડારમાંથી તેને કરોડો સોનામહોર આપવાનું ભરત કહે છે. પણ નાનકડા કુમારો વૈરાગ્યથી કહે છે-પિતાજી! એ સોનામહોરો રાજભંડારમાં જ રહેવા દો... અમારે એને શું કરવી છે? અમે તો મોક્ષલક્ષ્મીને સાધવા આવ્યા છીએ, પૈસા ભેગા કરવા આવ્યા નથી. પરની સાથે અમારા સુખનો સંબંધ નથી, પરથી નિરપેક્ષ અમારું સુખ અમારા આત્મામાં છે એમ દાદાજી (ઋષભદેવ ભગવાન) ના પ્રતાપે અમે જાણ્યું છે, ને એ જ સુખને સાધવા માંગીએ છીએ-જુઓ, કેટલા ઉદાસ ! આ તો પાત્રતા સમજાવવા એક દાખલો આપ્યો. આ રીતે ધર્મની લાયકાતવાળા જીવને બધા પદાર્થો કરતાં આત્માના સ્વભાવનો ને દેવગુરુ-ધર્મનો વિશેષ પ્રેમ હોય છે; ને સમ્યક ભાન સહિત તે રાગાદિને ટાળતો જાય છે. તેમાં વચ્ચે દેવપૂજા વગેરે કાર્યો કેવા હોય છે તે બતાવ્યું તથા ચાર પ્રકારના દાનનું વર્ણન કર્યું. હવે તે દાનનું ફળ કહેશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com