________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
( ૧૯ )
કર્યું તેથી નુકશાન થયું.' તમે પૂર્વે અનંતવાર પ્રત્યક્ષ સમોવસરણમાં ( ખૂદ ) કેવલીભગવાનની મોતી, અક્ષત, રત્ન અને કલ્પવૃક્ષનાં પુષ્પાદિકથી પૂજા કરી, પ્રત્યક્ષ દિવ્યધ્વનિ સાંભળી, મુનિવ્રત-શીલ અનંતવાર ધારણ કર્યાં અને કામ, ક્રોધ, લોભાદિક પણ અનંતકાળથી કરતા ચાલ્યા આવો છો, એમ સર્વ શુભાશુભ વગર સમજે કરતા ચાલ્યા આવ્યા છો.
જુઓ ! વિના સમજે કંઠમાં મોતીની માળા છે છતાં ભંડારમાં શોધે છે, વિના સમજે જ કસ્તૂરીમૃગ કસ્તુરીને શોધે છે, વિના સમજે જ પોતાની છાયાને જ ભૂત માને છે, વિના સમજે જ નદીના જળને શીઘ્ર વહેતું દેખીને પોતાને જ વહેતો માને છે, વિના સમજે જ કાખમાં પુત્ર છે છતાં ગામદેશમાં શોધે છે, વિના સમજે જ સંસારી મિથ્યાત્વી, વિષયભોગ-કામ-કુશીલ તો છોડતા નથી અને દાન, પૂજા, વ્રત શીલાદિક છોડી પોતાને જ્ઞાની માને છે-કહે છે-સમજે છે.
તથા વિના સમજે જ સદાકાળ જાગતી જ્યોતિસ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુની કદી પણ તન્મયીતા તો પોતાથી થઈ નથી છતાં મૂર્ખ, વ્રત-જપ-તપ-શીલ-દાન-પૂજાદિક કરે છે, તે સર્વ ધૃતના માટે જળમંથન સમાન નિરર્થક જ કરવા જેવું છે. એટલા માટે સર્વ શુભાશુભ વ્યવહાર–ક્રિયા-કર્મને તથા જન્મ-મરણ-નામ-જાતિ-કુલ વા તન-મન-ધન-વચનાદિકને પ્રથમ સમજવાં શ્રેષ્ઠ છે.
।। ઇતિ ભૂમિકા સમાત ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com