________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પહેલી આવૃત્તિનું પ્રકાશકીય નિવેદન
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવપ્રણીત સર્વોત્કૃષ્ટ પરમાગમો માંહેનું એક આ શ્રી પ્રવચનસારજી ગુજરાતી અનુવાદ સહિત પહેલી જ વાર પ્રકાશિત થાય છે.
શ્રીમદ્ રાયચંદ્ર જૈન શાસ્ત્રમાળા માં પ્રસિદ્ધ થયેલ હિંદી પ્રવચનસાર ઉપર પરમપૂજ્ય સદ્દગુરુદેવે પ્રથમ સોનગઢમાં વ્યાખ્યાનો કર્યા હતાં અને ત્યાર પછી વિ. સં. ૧૯૯૯ માં રાજકોટના ચાતુર્માસ દરમિયાન તેના ભાવો વ્યાખ્યાન દ્વારા પ્રગટ કર્યા હતા. તે વખતે એમ જણાવ્યું હતું કે-પં. હેમરાજજીએ જે હિંદીભાષાટીકા કરી છે તે માત્ર બાલાવબોધરૂપ હોવાથી તેમાં શ્રી અમૃતચંદ્રસૂરિકૃત સંસ્કૃત ટીકાના પૂરેપૂરા ભાવો આવી શકયા નથી, તેથી જો આ મહાન શાસ્ત્રનો અક્ષરશ: અનુવાદ ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થાય તો જિજ્ઞાસુઓને મહા લાભનું કારણ થાય. આથી, આ ગ્રંથનું ગુજરાતી ભાષામાં પ્રકાશન કરવાનો આ સંસ્થાએ નિર્ણય કર્યો હતો. આમ, સમયસારની જેમ આ પ્રવચનસાર પણ પૂ. ગુરુદેવશ્રીના પ્રભાવની જ પ્રસાદી છે; નિરંતર અધ્યાત્મશાસ્ત્રોનું રહસ્ય સમજાવીને તેઓશ્રી આપણા ઉપર જે મહાન ઉપકાર કરી રહ્યા છે તે ઉપકારને વાણી દ્વારા વ્યક્ત કરવાને આ સંસ્થા સર્વથા અસમર્થ છે.
પ્રવચનસારના ગુજરાતી અનુવાદનું કાર્ય ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહથી જ થઈ શકે તેમ હોવાથી, શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટે તેમને અનુવાદ માટે વિનતિ કરી, અને તેમણે ઘણા હર્ષથી અનુવાદ કરવાનું સ્વીકાર્યું. તેના ફળરૂપે આ અનુવાદ પ્રસિદ્ધ થવા પામ્યો છે. હવે મુમુક્ષુ જીવો આ શાસ્ત્રનો પૂરો લાભ લઈ શકશે-એ તેમનાં સદભાગ્ય છે. અને તે માટે પૂ. ગુરુદેવશ્રીની પ્રેરણા ઝીલીને આ અનુવાદ તૈયાર કરનાર ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહનો આપણા ઉપર મહાન ઉપકાર વર્તે છે.
શ્રી પ્રવચનસાર શાસ્ત્રની “તત્ત્વદીપિકા” નામની પ્રથમ સંસ્કૃત ટીકા શ્રી અમૃતચંદ્રસૂરિએ લગભગ વિક્રમ સંવતના દસમા સૈકામાં કરી હતી. આજે તેને દસ સૈકા વીતી ગયા હોવા છતાં તે ટીકાનો અક્ષરશ: અનુવાદ હિંદની કોઈ દેશભાષામાં આજ સુધી થયો ન હતો, અને સંસ્કૃતભાષાના અભ્યાસીઓ ઘણા થોડા જ હોય છે તેથી, મુમુક્ષુ જીવોને આ શાસ્ત્રના અભ્યાસનો તથા તેના ભાવો સમજવાનો પૂરો લાભ મળતો નહિ; આ અક્ષરશઃ ગુજરાતી અનુવાદ તે ખોટને દૂર કરે છે.
આ શાસ્ત્રનું ગુજરાતી ભાષાંતર કરવાનું કામ સહેલું ન હતું. શ્રી જૈનધર્મના એક મહાન નિગ્રંથ આચાર્ય શ્રી અમૃતચંદ્રસૂરિએ શ્રી પ્રવચનસાર ઉપર પોતાની તત્ત્વદીપિકા નામની સંસ્કૃત ટીકામાં જે ઉચ્ચ અને ગંભીર ભાવો ઉતાર્યા છે તે ભાવો બરાબર જળવાઈ રહે તેવી રીતે તેને સ્પર્શીને અનુવાદ થાય તો જ પ્રકાશન સંપૂર્ણપણે સમાજને લાભદાયક નીવડી શકે. આ અનુવાદમાં શ્રી આચાર્યદેવના મૂળ ભાવોની ગંભીરતા સંપૂર્ણપણે જળવાઈ રહી છે, અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com