________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
હાલમાં અનેક આત્માર્થીઓને આત્મજીવન અર્પે છે. તેમનાં સમયસાર, પંચાસ્તિકાય અને પ્રવચનસાર નામનાં ત્રણ ઉત્તમોત્તમ શાસ્ત્રો “પ્રાભૂતત્રયકહેવાય છે. આ ત્રણ પરમાગમોમાં હજારો શાસ્ત્રોનો સાર આવી જાય છે. ભગવાન કુંદકુંદાચાર્ય પછી લખાયેલા ઘણા ગ્રંથોનાં બીજડાં આ ત્રણ પરમાગમોમાં રહેલાં છે એમ સૂક્ષ્મ દૃષ્ટિથી અભ્યાસ કરતાં જણાય છે. શ્રી સમયાર આ ભરતક્ષેત્રનું સર્વોત્કૃષ્ટ પરમાગમ છે. તેમાં નવ તત્ત્વોનું શુદ્ધનયની દૃષ્ટિથી નિરૂપણ કરી જીવનું શુદ્ધ સ્વરૂપ સર્વ તરફથી-આગમ, યુક્તિ, અનુભવ અને પરંપરાથી–અતિ વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. પંચાસ્તિકાયમાં છ દ્રવ્યનું અને નવ તત્ત્વનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે. પ્રવચનસારમાં તેના નામ અનુસાર જિનપ્રવચનનો સાર સંઘર્યો છે. જેમ સમયસારમાં મુખ્યત્વે દર્શનપ્રધાન નિરૂપણ છે, તેમ પ્રવચનસારમાં મુખ્યત્વે જ્ઞાનપ્રધાન નિરૂપણ છે.
શ્રી પ્રવચનસારના પ્રારંભમાં જ શાસ્ત્રકર્તાએ વીતરાગ ચારિત્ર માટેની પોતાની ઝંખના વ્યકત કરી છે. વારંવાર અંતરમાં ડૂબકી મારતા આચાર્યભગવાન નિરંતર અંદર જ સમાઈ રહેવાને ઝંખે છે. પણ જ્યાં સુધી એ દશાને પહોંચાતુ નથી ત્યાં સુધી અંતર-અનુભવથી છૂટી વારંવાર બહાર પણ અવાઈ જાય છે. એ દશામાં જે અમૂલ્ય વચનમૌક્તિકોની માળા ગુંથાઈ આ પ્રવચનસાર પરમાગમ છે. આખા પરમાગમમાં વીતરાગ ચારિત્રની ઝંખનાનો મુખ્ય ધ્વનિ ગુંજી રહ્યો છે.
એવા આ પરમ પવિત્ર શાસ્ત્રને વિષે ત્રણ શ્રુતસ્કંધ છે પ્રથમ શ્રુતસ્કંધનું નામ જ્ઞાનતત્ત્વપ્રજ્ઞાપન છે. અનાદિ કાળથી પરસમ્મુખ જીવોને “હું જ્ઞાનસ્વભાવ છું અને મારું સુખ મારમાં જ છે' એવી શ્રદ્ધા કદી થઈ નથી અને તેથી તેની ઓશિયાળી પરસમ્મુખ વૃત્તિ કદી ટળતી નથી. એવા દીન દુ:ખી જીવો પર આચાર્યભગવાને પરમ કણા કરી આ અધિકારમાં જીવનો જ્ઞાનાનંદસ્વભાવ વિસ્તારથી સમજાવ્યો છે તેમ જ કેવળીના જ્ઞાન અને કેવળીના સુખ માટેની ધોધમાર ઉત્કૃષ્ટ ભાવના વહાવી છે. “ક્ષાયિક જ્ઞાન જ ઉપાદેય છે, ક્ષાયોપથમિક જ્ઞાનવાળા તો કર્મભારને જ ભોગવે છે, પ્રત્યક્ષ જ્ઞાન જ એકાંતિક સુખ છે, પરોક્ષ જ્ઞાન તો અત્યંત આકુળ છે, કેવળીનું અતીન્દ્રિય સુખ તે જ સુખ છે, ઈન્દ્રિયજનિત સુખ તો દુ:ખ જ છે, સિદ્ધભગવાન સ્વયમેવ જ્ઞાન, સુખ ને દેવ છે, ઘાતિકર્મરહિત ભગવાનનું સુખ સાંભળીને પણ જેમને તેની શ્રદ્ધા થતી નથી તેઓ અભવ્ય (દૂરભવ્ય ) છે” એમ અનેક અનેક પ્રકારે આચાર્યભગવાને કેવળજ્ઞાન અને અતીન્દ્રિય પરિપૂર્ણ સુખ માટે પોકાર કર્યો છે. કેવળીનાં જ્ઞાન અને આનંદ માટે આચાર્યભગવાને એવી ભાવભીની ધૂન મચાવી છે કે તે વાંચીને સહેજે એમ લાગી જાય છે કે વિદેહવાસી સીમંધરભગવાન પાસેથી અને કેવળીભગવંતોના ટોળા પાસેથી ભરતક્ષેત્રમાં આવીને તુરત જ કદાચ આચાર્યભગવાને આ અધિકાર રચી પોતાની હૃદયોર્મિઓ વ્યકત કરી હોય. આ રીતે જ્ઞાન અને સુખનું અનુપમ નિરૂપણ કરી આ અધિકારમાં આચાર્યભગવાને મુમુક્ષુઓને અતીન્દ્રિય જ્ઞાન અને સુખની રુચી તથા શ્રદ્ધા કરાવી છે અને છેલ્લી ગાથાઓમાં મોહરાગદ્વેષને નિર્મૂળ કરવાનો જિનોક્ત યથાર્થ ઉપાય સંક્ષેપમાં દર્શાવ્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com