________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૧: સ્વચ્છત્વશક્તિ
‘ અમૂર્તિક આત્મપ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક ( અર્થાત્ અનેક-આકારરૂપ ) એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વશક્તિ. (જેમ દર્પણની સ્વચ્છત્વશક્તિથી તેના પર્યાયમાં ઘટપટાદિ પ્રકાશે છે, તેમ આત્માની સ્વચ્છત્વશક્તિથી તેના ઉપયોગમાં લોકાલોકના આકારો પ્રકાશે છે.)’
ઓહો! જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંત શક્તિઓનો ભંડાર એવા ભગવાન આત્માને અસંખ્ય પ્રદેશો છે તે અમૂર્તિક છે. અહાહા...! ચૈતન્યના અસંખ્ય પ્રદેશો અમૂર્તિક છે. અમૂર્તિક એટલે શું? કે તેમાં કોઈ સ્પર્શ, રસ, ગંધ કે વર્ણ નથી. સમજાણું કાંઈ...? અહા! તે પ્રદેશોમાં, કહે છે, પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક અર્થાત્ અનેક આકારરૂપ એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ નામની શક્તિ ત્રિકાળ પડી છે. અહીં લોકાલોકના આકારો કહ્યા તેમાં જડ ને ચેતન સર્વ પદાર્થો આવી ગયા. જડ પુદ્દગલના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અહીં ઉપયોગમાં જાણવામાં આવે છે, પણ તે જડ મૂર્તિક પદાર્થો કાંઈ આત્માના અમૂર્તિક પ્રદેશોમાં પ્રવેશે છે એમ નથી. એ તો આત્મા સર્વ પદાર્થોને કોઈ પરની અપેક્ષા વિના જ પોતાના ઉપયોગમાં જાણી લે એવો જ તેની સ્વચ્છત્વશક્તિનો સ્વભાવ છે.
પ્રશ્નઃ- લોકાલોક છે તો તેનું જ્ઞાન થાય છે ને?
ઉત્ત૨:- ના, એમ બીલકુલ નથી. સ્વચ્છત્વશક્તિ સ્વતઃ પોતાથી જ સ્વચ્છતારૂપે પરિણમે છે અને તે વડે ઉપયોગમાં લોકાલોકના આકારો સહજ જ જણાય છે. લોકાલોક છે તો ઉપયોગમાં તેનું જાણવારૂપી કાર્ય થાય છે એમ છે નહિ.
આ તો ભગવાન સર્વજ્ઞદેવની વાણી ભાઈ ! ભગવાનના સમોસરણમાં સો ઇન્દ્રો આ વાણી સાંભળવા આવે છે. કેસરી-સિંહ, વાઘ, મોટા કાળા નાગ વગેરે પણ ભગવાનની વાણી સાંભળવા જંગલમાંથી આવે છે. સમોસરણમાં ઉ૫૨ જવા માટે ૨૦ હજાર રત્નમય પગથિયાં હોય છે. એક અંતર્મુહૂર્તમાં સૌ ઉપર પહોંચી જાય છે, ને ત્યાં જઈ ભગવાનની દિવ્ય ઓધ્વનિ સાંભળે છે. ઓહો! નિર્વેર થઈ અતિ નમ્રભાવે સમોસરણમાં બેસીને સૌ ભગવાનની વાણી સાંભળે છે.
પ્રશ્ન:- તો શું સિંહ અને વાઘ તે વાણી સમજતાં હશે ?
ઉત્ત૨:- હા, પોતપોતાની ભાષામાં બરાબર તે તિર્યંચો સમજી જાય છે; અને કેટલાંક તો વાણી સાંભળીને ત્યાં સમ્યગ્દર્શન પણ પામી જાય છે. શરીર-કલેવર ભલે સિંહ કે વાઘનું હોય, પણ અંદર તો સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્મા વિરાજે છે ને ? અહાહા...! અંદર પૂણાનંદનો નાથ પ્રભુ આત્મા છે તે યથાર્થ સમજી જાય છે. ભાઈ! તું પણ મનુષ્ય નથી, ભગવાન આત્મા છો. (એમ યથાર્થ ચિંતવ ).
અઢી દ્વીપ સુધી મનુષ્ય છે. અઢી દ્વીપની બહાર અસંખ્ય તિર્યંચો સમ્યગ્દષ્ટિ, પંચમ ગુણસ્થાનવાળા પડયાં છે. છેલ્લો સ્વયંભૂરમણ નામનો સમુદ્ર છે. તેમાં હજાર યોજનની લંબાઈવાળા શરીરધારી મોટા મગરમચ્છ છે. તેમાં કોઈ કોઈ સમ્યગ્દષ્ટિ અને પાંચમા ગુણસ્થાનવાળા શ્રાવક તિર્યંચો છે. અંતરંગમાં શાંતિની વૃદ્ધિ થઈને તેમને શ્રાવકદશા પ્રગટી છે. આગમમાં પાઠ છે કે અઢી દ્વીપની બહાર અસંખ્ય સમ્યગ્દષ્ટિ આત્મજ્ઞાની તિર્યંચો છે. તેમાંથી કોઈ કોઈને તો સમ્યગ્દર્શન ઉપરાંત સ્વ-આશ્રયે શાંતિની વૃદ્ધિ થઈને શ્રાવકનું પાંચમું ગુણસ્થાન વર્તે છે. તેમાં કેટલાક જાતિસ્મરણજ્ઞાનવાળા, અવધિજ્ઞાનવાળા પંચમ ગુણસ્થાનવર્તીછે. કોઈ સ્થળચર પ્રાણીઓ-વાઘ, રીંછ, હાથી, ઘોડા વગેરે, કોઈ જલચર ને કોઈ નભચર-કૌઆ, પોપટ, ચકલા, ચકલી વગેરે અસંખ્ય તિર્યંચો સમ્યગ્દર્શન સહિત પાંચમા ગુણસ્થાનવાળા ત્યાં અઢી દ્વીપની બહાર છે. ભલે થોડાં છે, તોપણ અસંખ્ય છે. તિર્યંચોની સંખ્યા ઘણી મોટી છે. તેમાં અસંખ્ય મિથ્યાદષ્ટિ સામે કોઈક એક સમ્યગ્દષ્ટિ છે.
જીવે સૌથી ઓછા ભવ મનુષ્યના કર્યા છે. અનંત વાર આ જીવને મનુષ્યપણું આવ્યું છે, તો પણ ચારે ગતિમાં સૌથી ઓછા ભવ મનુષ્યના કર્યા છે. જેટલા (–અનંત) ભવ મનુષ્યના કર્યા છે તેના કરતાં અસંખ્યાત ગુણા અનંત ભવ નરકના કર્યા છે. નરકના જેટલા ભવ કર્યા છે તેનાથી અસંખ્યાત ગુણા અનંત ભવ સ્વર્ગના કર્યા છે. સ્વર્ગમાં જીવ કયાંથી આવે છે? નરકમાંથી તો જીવ સ્વર્ગમાં જતા નથી, ને મનુષ્ય બહુ થોડી સંખ્યામાં છે. એટલે તિર્યંચમાંથી જ મરીને ઘણા જીવો સ્વર્ગમાં જાય છે. તિર્યંચમાંથી કેટલાક જીવો મરીને નરકમાં પણ જાય છે. મનવાળા અને મન વગરના પંચેન્દ્રિય તિર્યંચોની સંખ્યા ઘણી મોટી છે. તેમાં કોઈને શુક્લલેશ્યા, પઘલેશ્યા કે પીતલેશ્યાના ભાવ થાય છે, તે મરીને સ્વર્ગમાં જાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com