________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
છે; બીજા વિકલ્પ ને વૃત્તિનું અમારે કામ નથી; પંચમહાવ્રતાદિના વિકલ્પથી અમને કામ નથી. અહાહા...! અમારી ચીજમાં પૂર્ણ જ્ઞાનાનંદ સ્વભાવ ભર્યો છે, હવે તે સ્વભાવની પૂર્ણ વ્યક્તતા થાઓ બસ એ જ ભાવના છે. ભવનો અભાવ થઈને અમારી જે નિજ નિધિ-અનંત ચતુષ્ય છે તે પ્રાપ્ત થાઓ; આ સિવાય બીજી કોઈ (સ્વર્ગાદિની ) અમને વાંછા નથી. પુણ્ય ઉપજાવીને સ્વર્ગે જાશું એવી વાંછા તો અજ્ઞાનીઓને જ હોય છે; જ્ઞાનીને પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિની જ ભાવના હોય છે.
ઘણા વખત પહેલાંની લગભગ ૬૬-૬૭ની સાલની વાત છે. તે વખતે ભાવનગરમાં ધ્રુવનું નાટક જોવા ગયેલા. ધ્રુવની માતા મરી ગઈ તો ધ્રુવ વૈરાગ્ય પામી સાધુ થઈ ગયો, અને જંગલમાં તપ કરવા ચાલ્યો ગયો. ત્યાં તેને તપથી ચળાવવા ઉપરથી દેવીઓ-અપ્સરાઓ આવી અને તરેહ તરેહની ચેષ્ટા વડે તેને ચળાવવા પ્રયત્ન કરવા લાગી. પણ ચળે તો ધ્રુવ શાનો ? ધ્રુવ ચળ્યો નહિ. તેણે એટલું કહ્યું-‘હે માતાઓ! જો મારે બીજો ભવ હશે તો તમારે કૂખે આવીશ, બાકી બીજું હરામ છે.' એમ જ્યારે રાજકુમારોને ધ્રુવનું ભાન થઈ વૈરાગ્ય થાય છે ત્યારે, જો કે ઘેર અપ્સરાઓ સમાન સ્ત્રીઓ હોય છે છતાં, માતા પાસે ૨જા લેવા જાય છે અને કહે છે-હૈ માતા! અમે અમારા ધ્રુવ આનંદસ્વરૂપને સાધવા વનમાં જઈએ છીએ; હૈ શરીરને જન્મ દેનારી જનેતા ! એક વાર રોવું હોય તો રોઈ લે, બાકી અમે ફરીથી માતા કરવાના નથી, અમે અમારા આનંદસ્વરૂપની પ્રાપ્તિ કરીશું, અહીં આચાર્યદેવ કહે છે–અમારે મહાવ્રતાદિના વિકલ્પોથી કામ નથી, અમને બસ પૂર્ણ દશા-સિદ્ધ દશા પ્રાપ્ત થાઓ. સાધકપણે અમે જાગ્યા, તો અમને અમારું સાઘ્ય જે સિદ્ધપદ -પૂર્ણ પરમાત્મપદ-તેની પ્રાપ્તિ થશે. અમારે એ સિવાય કાંઈ જોઈતું નથી. અહો ! ધર્માત્માની અંતરની ભાવના દિવ્ય અલૌકિક હોય છે; તેઓ બહારની કોઈ ચીજ ( ઇન્દ્રપદ આદિ)ની વાંછા કરતા નથી.
નાળિયેર છે ને, નાળિયેર! તેના ચાર ભાગ છે: એક ઉ૫૨નાં છાલાં, એક કાચલી, એ કાચલી તરફની રાતી છાલ અને ચોથું મીઠું ધોળું ટોપરું. તેમ આ આત્માને વિષે આ દેહ એ છાલાં સમાન છે, અંદર કર્મ છે તે કાચલી છે, રાગદ્વેષના ભાવ તે રાતી છાલ જેવા છે, અને એ રાતી છાલની પાછળ ટોપરાના સફેદ ગોળા જેવો ભગવાન આત્મા એક જ્ઞાયક ભાવપણે વિરાજે છે. જેમ મીઠો સ્વાદિષ્ટ ટોપરાપાક કરવો હોય તો રાતડ-લાલ છાલ કાઢી નાખવી પડે તેમ અનાકુળ આનંદ જોઈએ તેણે રાગથી ભિન્ન પડવું જોઈએ. ભાઈ, રાગથી ભિન્ન પડી શુદ્ધ ચૈતન્ય સ્વભાવનું આલંબન કર્યા વિના બધું નિરર્થક છે. અન્યમતમાં નરસિંહ મહેતા થયા તે પણ આવું કહે છે, જુઓને
જ્યાં લગી આતમાતત્ત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.' ભાઈ, આ સમજવાનાં ટાણાં આવ્યાં ત્યારે તું બીજે રોકાઈ જાય, વેપાર-ધંધામાં ને છોકરા-છોકરીનું કરવામાં રોકાઈ જાય તો અવસર વીતી જશે, ને અજ્ઞાન ઊભું રહેશે. પછી કયાં ઉતારા કરીશ બાપુ !
અહા ! આત્મા એક શ્વાસની ક્રિયા કરી શકતો નથી કે તેને ફેરવી શકતો નથી ત્યાં હું બધી દુનિયાનાં કામ કરું છું એવી માન્યતા મિથ્યા ભ્રમ ને મિથ્યા અભિમાન નથી તો શું છે? અહા !
‘હું કરું હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે.’
ગાડાની નીચે કુતરું ચાલતું હોય તે એમ જાણે કે આ ગાડું મારાથી ચાલે છે, તેમ પરવસ્તુની ક્રિયા ૫૨થી થાય તેને અજ્ઞાની હું કરું છું એમ માને છે. અહા ! ઓલા કુતરાના જેવો આને મિથ્યા ભ્રમ છે, કર્તાપણાનું મિથ્યા અભિમાન છે. અહા ! આવી ભ્રમણાને ભાંગી અંદર ભગવાન જાગ્યો છે તો કહે છે–અમને આનંદનો સ્વાદ પ્રગટ થયો છે, ને પૂર્ણ આનંદની દશા થાઓ; સિદ્ધપદની પ્રાપ્તિ થાઓ. આવી ભાવના!
*
કળશ ૨૬૯: ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘ સ્યાદ્વાદથી યથાર્થ આત્મજ્ઞાન થયા પછી એનું ફ્ળ પૂર્ણ આત્માનું પ્રગટ થવું તે છે.’
જુઓ, દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી ભિન્ન જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ હું આત્મા છું એમ નિશ્ચય કરી નિજસ્વરૂપમાં એકાગ્ર થાય તેને આત્મજ્ઞાનનું તેજ પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાન થયા પછી તેને સ્વરૂપમાં રમણતાની જ ભાવના હોય છે. તે સ્વરૂપમાં રમણતાના પુરુષાર્થ વડે તેના ફળરૂપ પૂર્ણ આત્માની પ્રાપ્તિ કરી લે છે; આ રીતે તેને પૂર્ણ જ્ઞાન ને આનંદની પ્રગટતા થાય છે. આમ પૂર્ણ સ્વભાવની પ્રગટતા તે આત્મજ્ઞાનનું ફળ છે, ને આત્મજ્ઞાનીને તે થઈને રહે છે. જુઓ આ આત્મજ્ઞાનનું ફળ! આત્મજ્ઞાનનું ફળ મોક્ષ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com