________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪-સંપ્રદાનશક્તિ : ૧૯૯ હવે આમાં કેટલાક કહે છે કે ગુરુ સમકિતના દાતાર છે, અને કેવળી–શ્રુતકેવળીની સમીપમાં ક્ષાયિક સમકિત થાય છે.
અરે ભાઈ, એ તો બધાં નિમિત્તનાં કથન છે બાપુ! પોતે અંતરંગમાં નિજ સ્વભાવના સાધન વડે સમકિત પ્રગટ કરે ત્યારે બહારમાં નિમિત્ત કેવાં હોય છે તેનું જ્ઞાન કરાવવા માટે આવાં કથન હોય છે તે ઉપચારમાત્ર જાણવાં. બાકી કોઈ, કોઈ બીજાને સમકિત આપે અને લે એવું સમકિતનું સ્વરૂપ નથી, અને વસ્તુસ્વરૂપ પણ એવું નથી. સમજાણું કાંઈ...?
પ્રભુ! તારી ચીજમાં શું ખામી છે કે તારે બીજા પાસેથી લેવું છે? ભગવાન ! તું પૂર્ણ છો ને ! પૂર્ણ વિજ્ઞાનઘન છો ને! પૂર્ણ આનંદઘન છો ને! અહાહા..!
પ્રભુ મેરે ! તું સબ વાતે પૂરા. પ્રભુ મેરે ! તેં સબ વાતે પૂરા... પરકી આશ કહા કરે પ્રીતમ !
એ કિણ વાતે અધૂરા-પ્રભુ મેરે... ઓહો...! ધર્મી કહે છે-મારો આત્મા સ્વયમેવ અચિંત્ય શક્તિવાળો દેવ છે. તેને ધ્યાવતાં જ કેવળજ્ઞાન આદિ આપે એવો તે ચૈતન્યચિંતામણિ છે. આમ જેના સર્વ અર્થ સિદ્ધ છે એવો પોતે જ હોવાથી મને બીજાની શું આશા છે? મને બીજી ચીજથી શું કામ છે? (જુઓ કળશ ૧૪૪) અહીં કહે છે-કેવળજ્ઞાનની પર્યાય જે પ્રગટી તેનો પોતે જ દાતાર છે, ને પોતે જ તેનો પાત્રપણે લેનારો છે. સમજાય છે કાંઈ....? અંદર શાશ્વત ચૈતન્યદેવ વિરાજે છે, તેને સેવતાં સહેજે સમકિતથી માંડીને સિદ્ધપદનાં એ દાન આપે છે. માટે પરાશ્રય છોડી, ભાઈ, તારી ચૈતન્યવસ્તુનું સેવન કર.
અરે, અનંત કાળથી રખડવા આડે એને સત્ય સમજવાની ફુરસદ નથી ! અનંત કાળમાં શુભ-અશુભ ભાવ તો એણે અનંતવાર કર્યા છે. પણ એ તો વિભાવ નામ વિપરીત ભાવ છે. તે વિભાવની પર્યાય પર્યાયદષ્ટિ જીવને પર્યાયના પારકથી સ્વતંત્ર ઉત્પન્ન થાય છે. અહાહા..! પરના કારક વિના, ને દ્રવ્ય-ગુણની અપેક્ષા વિના પર્યાયના પોતાના પારકથી વિભાવની દશા સ્વતંત્ર અદ્ધરથી જ ઉભી થાય છે. અહા ! આ વિભાવની દશાને દેવી કે લેવી એ અજ્ઞાનીની ચેષ્ટા હો, પણ એવો કોઈ ગુણ આત્મામાં નથી. ગજબ વાત છે ભાઈ ! કહે છે કે શુભભાવ થવો, દેવો અને તેને પોતામાં રાખવો એવો કોઈ ગુણ આત્મામાં છે જ નહિ.
ભાઈ, તારા ખજાને ખોટ નથી નાથ! તારા ખજાને તો અનંત અનંત શક્તિઓની ઋદ્ધિ પડી છે ને! તું બહારમાં કયાં શોધવા જાય છે? બહાર તું ભટકે છે એ તો સંસાર છે. ચાહે અશુભભાવ હોય કે શુભભાવ હોય એ બન્નેય સંસાર છે, દુઃખનો દાવાનલ છે. તારી શાંતિને બાળવા સિવાય તને એ કાંઈ આપે એમ નથી.
અહાહા..! અનંત ગુણસમૃદ્ધિથી ભરેલો ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્મા છે. તેનો એક સંપ્રદાન ગુણ છે. તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. તે આનંદ ગુણમાં વ્યાપક છે. જેથી ધર્મીને આનંદની જે નિરાકુળ દશા પ્રગટ થઈ તેનું પોતે જ પોતાને દાન કરે છે, ને પોતે જ પાત્ર થઈ તેને લે છે. જુઓ આ ધર્મીનું દાન! ધર્મીને તો નિરંતર અતીન્દ્રિય આનંદનો આહાર છે ને? અહા ! તે અતીન્દ્રિય આનંદરૂપ આહારનું દાન પોતે પોતાને આપે છે, ને પોતે પોતાના માટે સુપાત્રપણે લે છે. અહા ! આ ધર્મ છે જેમાં દાતાર-દાન-દાનનું પાત્ર-બધું એક અભેદ આત્મામાં સમાય છે. પોતે પ્રગટ આનંદનો દાતાર, પોતાની પ્રગટ આનંદ દશા તે દાન, ને તેને લેનારો-પોતાને માટે રાખનારો-પોતે જ પાત્ર. એક સમયમાં દાતાર પણ પોતે, દાન પણ પોતે ને પાત્ર પણ પોતે. અહો ! આત્મા અદભુત અલૌકિક ચીજ છે.
ચક્રવર્તીને ઘરે વાઘરણ હોય તેને માગવાની ટેવ છૂટે નહિ. ગોખલામાં રોટલો મૂકીને માગે કે-“બટકુ રોટલો આપજો બા.” અને તે રોટલો લે ત્યારે તેને મન વળે. તેમ જીવ અંદરમાં ચૈતન્ય ચક્રવર્તી પ્રભુ બિરાજે છે. અજ્ઞાની તેને ભૂલીને શુભાશુભ ભાવ કરીને સુખ લેવા માગે છે. મને પુણ્ય હોય તો ઠીક, બહારના વૈભવ હોય તો ઠીક-એમ બહારમાં ભીખ માગે છે તે રાંકા-ભિખારી છે. તેને બીજા પાસે સુખ માગવાની ટેવ પડી ગઈ છે. પોતે અંદર ચૈતન્યબાદશાહ છે, પણ તેને રાગનો-પુણ્યનો ગુલામ બનાવી દીધો છે. તેને પોતાનો મહિમા ભાસતો નથી. અહાહા...! અંદર ત્રણલોકનો નાથ ચૈતન્યચક્રવર્તી વિરાજે છે તેનો મહિમા તેને શુભભાવના મહિમા આડે ભાસતો નથી. પણ ભાઈ રે, તને બહારમાં કોઈ સુખ આપે એમ નથી. તું અંદર જો તો ખરો, અહાહા..! અંદર એકલો સુખનો દરિયો ભર્યો છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com