________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩-કરણશક્તિ : ૧૯૫ છે. અહા ! તે નિજ ઘરનું-નિજ ચૈતન્યધામનું તારે વાસ્તુ લેવું હોય તો તારા અભેદ સ્વદ્રવ્યની દૃષ્ટિ કરવી પડશે; નિમિત્તની નહિ, પર્યાયની નહિ, રાગની નહિ ને ગુણભેદનીય નહિ. ધ્રુવ સ્વભાવ એક જ્ઞાયકભાવ સ્વદ્રવ્ય છે, એની દષ્ટિ કરવાથી સ્વઘરનું-અનંત સુખધામનું વાસ્તુ થાય છે. આવી વાત !
હવે કયાંક આવી તત્ત્વની વાત સાંભળવા મળે નહિ, ને પૈસા રળવામાં ને બૈરાં-છોકરાં સાચવવામાં ને વિષય-કષાયના ભોગમાં-એમ ને એમ જિંદગી બિચારાની ચાલી જાય ! માંડ કોઈક દિ' કલાક-બે કલાક કદાચ સાંભળવાનો વખત મળે તો કુગુરુ બિચારાને લૂંટી લે. વાણિયા એમ તો બીજે ન છેતરાય, પણ અહીં ધર્મમાં છેતરાઈ જાય છે. દાન કરો, ભક્તિ કરો, સન્મેદશિખર ને શત્રુંજ્યની જાત્રા કરો-બસ, પછી શું છે? આ જ ધર્મ-અહા ! આવો ઉપદેશ મળે ને વાણિયા છેતરાઈ જાય. લોભિયા ખરા ને! બધે જ સસ્તુ શોધે. જેમ સસ્તા ફળ લાવે, ને પછી બગડેલાં સડલા ને ખાટાં નીકળે એટલે ફેંકી દેવાં પડે; એમ અહીં શુભભાવમાં સસ્તો માર્ગ શોધી લાવે પણ મોંઘો પડી જાય, કેમકે એમાં કયાંય ધર્મ નથી. બિચારા ધર્મના નામે છેતરાઈ જાય ! ત્યારે કોઈ વળી કહે છેપણ સન્મેદશિખરની યાત્રાનો તો બહુ મહિમા કર્યો છે. કહ્યું છે કે
એક વાર વંદે જો કોઈ, તાકો નરક પશુ ગતિ નહિ હોઈ ' અરે ભાઈ, શુભભાવથી પુણ્ય બંધાતા એક વાર કદાચ નરક-પશુગતિ ન મળી તો તેમાં શું ફાયદો થયો? સ્વર્ગનું આયુષ્ય પૂરું કરીને અજ્ઞાનવશ પશુ થશે અને પછી નરકે જશે. અરે ભાઈ, તને પુણ્યનું ફળ દેખાય છે, પણ અજ્ઞાનનું ને મિથ્યાભાવનું ફળ નથી દેખાતું. બાપુ! મિથ્યાભાવનું ફળ પરંપરાએ નિગોદ છે ભાઈ ! જ્યાં સુધી આત્મજ્ઞાન નથી, સ્વભાવનું સાધન નથી, સ્વરૂપનાં પ્રતીતિ ને વિશ્વાસ નથી તો ક્રિયાકાંડના આલંબને એકાદ ભવ સ્વર્ગનો મળી જાય, પણ પછી તિર્યંચ થઈને નરક કે નિગોદમાં જીવ ચાલ્યો જશે; તેને ભવનો અભાવ નહિ થાય. ભવના અભાવનું સાધન તો સ્વભાવના આલંબનથી જ પ્રગટ થાય છે.
અહા ! સાધકને વર્તમાન નિર્મળ વીતરાગી ભાવના ભવનનું કારણ આત્માની કરણશક્તિ છે.
પ્રશ્ન:- હા, પણ તે ઉત્કૃષ્ટ સાધન કહ્યું છે; પણ જઘન્ય સાધન બીજું કાંઈ છે કે નહિ? દયા, દાન, વ્રત આદિ શુભભાવ થાય તે જઘન્ય સાધન છે કે નહીં?
ઉત્તર:- ના, શુભભાવ સાધન નથી. એ તો ધર્મીને બહારમાં નિમિત્તરૂપ ને સહુચર કેવો શુભભાવ હોય છે તેનું જ્ઞાન કરાવવા એના તે શુભભાવને આરોપ દઈને ઉપચારથી સાધન કહ્યું છે, પણ તે નિયમરૂપ સાધન નથી, તે સાધન જ નથી. ઉત્કૃષ્ટ સાધન એટલે એકમાત્ર નિયમરૂપ સાધન-એવો અર્થ થાય છે. સમજાણું કાંઈ...? ભવના છેદરૂપ સાધકનું ખરું સાધન એકમાત્ર આત્મસ્થિત નિર્મળ પરિણત સાધનશક્તિ છે. આવી વાત છે.
આમાં થોડા શબ્દ ઘણી બધી વાત કરી છે. અનંતગુણધામ પ્રભુ આત્મામાં એક ચારિત્ર ગુણ છે. તે ચારિત્ર સ્વભાવમાં કરણ-સાધન શક્તિનું રૂપ છે; જેથી વીતરાગી પર્યાયનું કારણ તે ચારિત્ર ગુણ થાય છે, અર્થાત્ ચારિત્ર ગુણ વડે આત્મા પોતે જ સાધન થઈને ચારિત્રની વીતરાગી દશારૂપ પરિણમે છે. ઓહો..! ચારિત્રની અકષાય વીતરાગી પરિણતિ સંત-મુનિવરોને હોય છે ને? તેનું સાધકતમ સાધન અંદર ચારિત્ર પરિણત આત્મા છે. આ મુનિવરોને તેમની દશામાં પ્રચુર આનંદનું વદન હોય છેસમ્યગ્દર્શનમાં આનંદનું વેદન છે, પણ પ્રચુર આનંદનું વેદન નથી. વીતરાગી નિગ્રંથ દિગંબર સંત-મુનિવરને પ્રચુર આનંદનું વદન હોય છે. જુઓ, વસ્ત્ર સહિત હોય તે કોઈ સાધુ નથી; તેમ જ ખાલી વ્રત, તપનાં સાધન કરે તે સાધુ નથી, કારણ કે એ તો બધો રાગ છે ને એ બંધનનું કારણ છે.
ભાઈ, ત્રણ લોકના નાથે કેવળી પરમાત્મા એ કહેલી વાત અહીં સંતો આડતિયા તરીકે જાહેર કરે છે. જન્મમરણ મટાડવાના બીજરૂપ સમ્યગ્દર્શન છે. અહો ! સમ્યગ્દર્શનનો મહિમા અપાર છે. ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. તેથી સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે ધર્મ નામ ચારિત્રનો ઉપાય છે. ચારિત્રદશા જેને પ્રગટ થાય તેને બહારમાં દેહની નગ્ન દશા થઈ જાય છે. બહારમાં દેહથી નગ્ન અને અંદર રાગથી નગ્ન-એવી વીતરાગી સંત મુનિવરની ચારિત્ર દશા હોય છે. તેને વચ્ચે પંચ મહાવ્રતનો વિકલ્પ આવે છે, પણ તે કાંઈ ચારિત્ર નથી, ચારિત્રનું સાધનેય નથી. અહાહા...! અંદર
સ્વસ્વરૂપમાં પ્રચુર આનંદપૂર્ણ રમણતા હોય તે ચારિત્ર છે. તે ચારિત્રનું સાધન શું? પંચ મહાવ્રત ને પંચ સમિતિનો વિકલ્પ તે સાધન છે? ના, તે સાધન નથી. ચારિત્રગુણમાં કરણશક્તિનું રૂપ છે, જેથી આત્મામાં નિજસ્વભાવ સાધન વડે વીતરાગી ચારિત્ર પર્યાયનું ભવન થાય છે. આવો મારગ છે ભાઈ ! વસ્ત્ર સહિત કોઈ મારગ નથી, ને વ્રતાદિના રાગને સાધન માને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com