________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
આ તો અમૃતચંદ્રદેવે એકલાં અમૃત પીરસ્યાં છે ભાઈ. અમૃતસ્વરૂપ અનંત શક્તિવાન નિજ દ્રવ્યને જાણી તેની દષ્ટિ-જ્ઞાન-રમણતા કરવાં તે કરવાયોગ્ય કાર્ય છે, અને તે પરમ હિત છે.
આ પ્રમાણે અહીં કર્તૃશક્તિનું વર્ણન પૂરું થયું.
૪૩: કરણશક્તિ ભવતા (-વર્તતા, થતા) ભાવના ભવનના (-થવાના) સાધકતમપણામયી (-ઉત્કૃષ્ટ સાધકપણામયી, ઉગ્ર સાધનપણામયી) કરણશક્તિ'.
આત્મા પોતે કર્તા થઈને પોતાના સમ્યગ્દર્શન આદિ નિર્મળ કાર્યને કરે છે; એ તો ઠીક, પણ એનું સાધન શું? એમ કે કર્તા કયા સાધનવડે પોતાનું કાર્ય સાધે છે? લ્યો, આના સમાધાનરૂપ કહે છે
ભવતા ભાવના ભવનના સાધકતમપણામયી કરણશક્તિ છે.” આત્માની આ શક્તિ વડે આત્મા પોતે જ પોતાના નિર્મળ ભાવનું સાધકતમ સાધન થાય છે. “ભવતા ભાવના ભવનના', ભવતો ભાવ એટલે શું? કે વર્તમાન વર્તતો નિર્મળ ભાવ, વર્તમાન સમ્યગ્દર્શન આદિ નિર્મળ ભાવ તે ભવતો ભાવ છે, તે કાર્ય છે; તે કાર્ય થવાનું ઉત્કૃષ્ટ સાધન આત્મા પોતે જ છે. અહાહા...! સાધકને વર્તમાન સમ્યગ્દર્શનાદિ નિર્મળ કાર્ય વર્તે છે તેનું સાધકતમ સાધન સાધકનો આત્મા પોતે જ છે. “સાધકતમ' કેમ કહ્યું?-કે નિયમરૂપ અબાધિત સાધન આ (–આત્મા) એક જ છે. ગજબ વાત ભાઈ ! વ્યવહાર રત્નત્રય તે સાધન નથી, ને અન્ય પદાર્થ પણ કોઈ સાધન નથી-એમ અહીં કહે છે. સમજાણું કાંઈ....?
અહાહા..! આત્મા જ્ઞાયક પ્રભુ ગુણી-સ્વભાવવાન છે, ને જ્ઞાનાદિ તેના ગુણ છે. તેના ગુણને અહીં શક્તિ કહે છે. ગુણ કહો, શક્તિ કહો કે સ્વભાવ કહો-બધી એક જ વસ્તુ છે. આત્મામાં અનંત શક્તિઓ છે. અહાહા...! અનંત શક્તિઓનો અભેદ એક પિંડ પ્રભુ આત્મા છે. અહા ! આ અભેદ એકરૂપની દૃષ્ટિ કરવાથી ધર્મનું પ્રથમ પગથિયું એવું સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. જુઓ આ ધર્મની શરુઆતનું કાર્ય ! હા, પણ તેનું સાધન શું? વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ એનું સાધન ખરું કે નહિ? તો કહે છે-ના, એ કોઈ સાધન નથી, કેમકે એનાથી ધર્મ થવાનો નિયમ નથી. કરણશક્તિ વડે આત્મા પોતે જ તેનું સાધકતમ સાધન થઈ સમ્યગ્દર્શનરૂપ પરિણમે છે. આત્મામાં જ તેનું નિયમરૂપ સાધન થવાની શક્તિ છે. આવી વાત !
હવે આવું કદી સાંભળ્યું ન હોય તેને આ એકદમ કઠણ પડે. એમ કે દયા કરવી, વ્રત પાળવાં, ભક્તિ-પૂજા કરવી, જાત્રા કરવી-એનાથી જ અમે તો ધર્મ થવાનું માનીએ છીએ, ને આ તે કેવો ધર્મ કાઢયો? ' અરે ભાઈ, તને ધર્મના સ્વરૂપની ખબર નથી. ધર્મ તો એને કહીએ જેમાં રાગ રહિત અંદર પોતાની ત્રિકાળી ચીજ છે તેની દષ્ટિ અને આલંબન હોય, જેમાં અનાકુળ આનંદના વેદનવાળી સ્વાનુભવની વીતરાગી દશા હોય. અહાહા..! ભેદના પક્ષથી રહિત થઈને પોતાની અભેદ એકરૂપ ચિન્માત્ર વસ્તુ અંદર છે તેની દષ્ટિ કરવાથી ધર્મનું પ્રથમ ચરણ એવું સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે. આ સિવાય તારું બધું જ થોથાં છે બાપુ! તને ગમે ન ગમે, આ ભગવાન આત્માની ભાગવત-સ્વરૂપ કથા છે; સર્વજ્ઞ વીતરાગ જૈન પરમેશ્વરે ધર્મસભામાં કહેલી આ આત્માની ધર્મકથા છે. પ્રભુ ! એક વાર મન દઈને ધીરજથી સાંભળ. તારી ચીજમાં વર્તમાન થવાયોગ્ય જે નિર્મળ ધર્મના પરિણામ થાય તેના સાધકતમપણામયી તારામાં કરણશક્તિ છે. ઓહો..! ધર્મને સાધનારા ધર્મના સ્થંભ એવા વીતરાગી સંતો-મુનિવરો ભગવાન કેવળીના આડતિયા થઈને આ વાત જગતને જાહેર કરે છે.
ભાઈ, આમાં કાંઈ આડું-અવળું કરવા જાય તો કાંઈ હાથ આવે એમ નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ તે ભવતો ભાવ છે. તેના ભવનના ઉત્કૃષ્ટ-એકમાત્ર નિબંધ-સાધનરૂપ આત્મામાં કરણશક્તિ છે. જુઓ આ સાધન!
પ્રશ્ન:- હા, એ તો નિશ્ચય અભિન્ન સાધન કહ્યું; પણ શાસ્ત્રમાં ભિન્ન સાધન-સાધ્ય પણ કહ્યું છે.
ઉત્તરઃ- ભાઈ, ત્યાં એ તો બાહ્ય નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. રાગની મંદતારૂપ વ્યવહાર રત્નત્રય તે સાધન અને નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રય તે સાધ્ય-એમ કહ્યું છે એ તો બાહ્ય વ્યવહારનું જ્ઞાન કરાવવા માટે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com