________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧-કર્મશક્તિ : ૧૮૫ અહાહા..! આત્મા સચ્ચિદાનંદ પ્રભુ ત્રિકાળ ધૃવસ્વભાવી વસ્તુ છે. આ ધ્રુવમાં એક કર્મ નામની શક્તિ છે જેનાથી એનું વર્તમાન કાર્ય સુધરે છે. ધીરજથી સાંભળવું બાપુ ! આ તો ધર્મકથા છે ભાઈ ! કહે છે–તારું જે આત્મદ્રવ્ય છે તે અનંતગુણમય ગુણી છે, તેમાં કર્મ નામનો એક ગુણ છે, કર્મ એટલે કાર્ય થાય એવો તેમાં ગુણ છે. આ કર્મ ગુણના કારણે વીતરાગી નિર્મળ કાર્ય પ્રાપ્ત થાય છે. ભાઈ, આ કર્મગુણ તારું કાર્ય સુધરવાનું કારણ છે. માટે બીજે જોઈશ મા, અંદર જ્યાં શક્તિ છે તેમાં જો, ને તેમાં જ ઠરી જા.
ઓહો..! અંદર જુઓ તો અનંત અનંત શક્તિનો અખૂટ–અક્ષય ભંડાર ભર્યો છે. પ્રભુ! તારામાં એક જીવત્વ શક્તિ છે. તે જીવત્વ શક્તિમાં આ કર્મશક્તિનું રૂપ છે, જેથી જ્ઞાન, દર્શન, આનંદ, સત્તા-એવા જે શુદ્ધપ્રાણ–તેના નિર્મળ કાર્યરૂપ વાસ્તવિક જીવન પ્રાપ્ત થાય છે. આ જીવનું જીવન છે. નિર્મળ રત્નત્રયનું પ્રાપ્ત થયું તે જીવનું જીવન છે. શરીર વડે જીવવું એ જીવનું જીવન નથી, બહારમાં મન, વચન, કાય ઇત્યાદિ દશ પ્રાણ વડે જીવવું એ જીવનું જીવન નથી, ને ભાવેન્દ્રિયથી જીવવું એ પણ જીવનું વાસ્તવિક જીવન નથી. અહાહા..! દશ પ્રાણોથી ભિન્ન અને અંદર ભાવેન્દ્રિયના કાર્યથી ભિન્ન, જ્ઞાન, દર્શન, આનંદ અને સત્તાનું-શુદ્ધ ચૈતન્ય પ્રાણોનું નિર્મળ કર્મપણે પરિણમન થાય તે જીવનું જીવન છે. લ્યો, આવું જીવન તે સાચું જીવન; બાકી તો ચાર ગતિની રખડપટ્ટી છે. સમજાણું કાંઈ...?
ભાઈ, તારા કાર્યપણે નિર્મળ રત્નત્રયનું કાર્ય થાય તેનું કારણ કોણ ?
તો કહે છે–તારામાં કર્મ નામનો ગુણ છે તે આ નિર્મળ પર્યાયનું કારણ છે. મોહનીય આદિ કર્મ ખસી જાય તો નિર્મળ રત્નત્રય પ્રગટ થાય એમ નથી. અને પૂર્વની નિર્મળ પર્યાય પણ વર્તમાન નિર્મળ પર્યાયનું વાસ્તવિક કારણ નથી. એ તો તારું આત્મદ્રવ્ય જ નિજ શક્તિથી ક્ષણે ક્ષણે નિર્મળ કાર્યરૂપે પરિણત થાય છે. ભાઈ ! નિર્મળ રત્નત્રયરૂપ કર્મ કયાંય બહારથી આવતું નથી, આત્મામાં જ તે-રૂપ થવાની શક્તિ છે. નિજ સ્વભાવની સન્મુખ થતાં આત્મા પોતે જ તેવા કાર્યરૂપે પરિણત થાય છે. અહા ! જુઓ આ કર્મશક્તિ! પોતાનું કાર્ય ( જ્ઞાન, દર્શન, આનંદ આદિ) પોતે પ્રાપ્ત કરે એવો જ આત્માનો સ્વભાવ છે. પણ જડનું કરે કે વિકાર કરે એવો આત્માનો સ્વભાવ નથી, જડ કર્મ કે વિકાર તે આત્માનું કર્મ નથી.
અહાહા...! નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન-આનંદની શુદ્ધ પર્યાયપણે પરિણમવું-તે ભાવને પ્રાપ્ત કરવો-પહોંચવું તે આ કર્મગુણનું કાર્ય છે. હવે આવું કદી કાને ય પડયું ન હોય તે શું કરે? અરેરે ! ચાર ગતિમાં બિચારા રઝળી મરે. અહીં કહે છે–પોતાની નિર્મળ વીતરાગી પર્યાયને પોતે પ્રાપ્ત કરે એવો પોતાનો-આત્માનો ગુણ છે. આનું નામ કર્મશક્તિ છે. આ કર્મશક્તિ ધ્રુવ ઉપાદાન છે, ને તેની નિર્મળ પરિણતિ તે ક્ષણિક ઉપાદાન છે. કર્મશક્તિ જે ધ્રુવ છે તે પારિણામિક ભાવે છે, ને તેનો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણમનની પ્રાસિરૂપ જે ભાવ છે તે ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક ભાવે છે. જડ કર્મનો ઉપશમ થયો માટે અહીં નિર્મળ ઉપશમભાવની પર્યાય પ્રગટી એમ નથી. એ તો જીવનો ત્રિકાળી કર્મગુણ-સ્વભાવ એવો છે જેથી ઉપશમભાવરૂપી કાર્ય સિદ્ધ થાય છે. અહો ! આવું જૈનદર્શનનું સ્વરૂપ સૂક્ષ્મ છે, તેને આચાર્ય ભગવંતોએ સ્પષ્ટ ખુલ્લું કર્યું છે.
દયા પાળો, વ્રત કરો, ભક્તિ કરો, ઉપવાસ કરો... ઇત્યાદિ–એ કાંઈ ધર્મ નથી. આ તો બે ઘડી સામાયિક લઈને બેસે ને માને કે થઈ ગયો ધર્મ; પણ બાપુ! સામાયિક તો અંદરની ચીજ છે; તને તે સામાયિકના સ્વરૂપની ખબર નથી. આ તો હજુ ચોથા ગુણસ્થાને તો એકલું વ્યવહાર સમકિત હોય, ને નિશ્ચય સમકિત તો સાતમા ગુણસ્થાનથી હોય. અરે પ્રભુ! તું શું કહે છે આ? વ્યવહાર સમકિત તો ઉપચાર છે, ને નિશ્ચય વિના કોનો ઉપચાર ? તારી વાત બરાબર નથી. ચોથા ગુણસ્થાનથી જ આત્માની નિર્વિકલ્પ શ્રદ્ધારૂપ નિશ્ચય વીતરાગ સમકિત જ્ઞાનીને પ્રગટ થાય છે, ને ત્યારે દેવ-ગુરુ-શાસ્ત્રની એની શ્રદ્ધાને ઉપચારથી વ્યવહાર સમકિત કહે છે.
આ તો શાંતિથી સમજવાની ચીજ છે. વીતરાગના આ માર્ગનો વર્તમાનમાં બહુધા વિચ્છેદ થઈ ગયો છે. સંપ્રદાયમાં આ વાત ચાલતી નથી. તું ભગવાન છો ને ભાઈ ! ભગ નામ જ્ઞાન અને આનંદની લક્ષ્મી, અને વાન નામ તે-રૂપ. જ્ઞાન ને આનંદની લક્ષ્મીરૂપ તું ભગવાન છો ને પ્રભુ! અહાહા..! આ ધૂળની લક્ષ્મી કાંઈ તારી ચીજ નથી, પણ અંદર ચૈતન્યલક્ષ્મીરૂપ ભંડારમાં તારી એક કર્મશક્તિરૂપ લક્ષ્મી છે. અહાહા..! તારામાં સમ્યગ્દર્શન આદિ નિર્મળ રત્નત્રયરૂપ ધર્મનું કાર્ય પ્રગટ થાય તેના કારણરૂપ અંદર કર્મશક્તિરૂપ લક્ષ્મી પડી છે. માટે પ્રસન્ન થા, ને વ્યવહારનો આશ્રય છોડી, જ્યાં આ લક્ષ્મી પડી છે એવા તારા ચૈતન્યનિધાનને જો, તને અદ્ભુત આહલાદ થશે, પ્રદેશ-પ્રદેશે અનાકુળ આનંદ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com