________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
પ્રવચનસારમાં (નય અધિકાર) આવે છે કે હું પોતાથી અશુન્ય છું, પૂર્ણ છું અને પરથી શૂન્ય છું. શું કીધું આ? કે હું પરથી–રાગાદિ વિકારથી શૂન્ય છું, શુભાશુભભાવથી હું શૂન્ય છું, હું સર્વ વિભાવપરિણતિથી રહિત છું. હવે આમ છે છતાં લોકો તો શુભભાવથી કલ્યાણ થવાનું માને છે. પણ ભાઈ ! તારી એ માન્યતા ખોટી છે, કેમકે શુભભાવ છે તે બંધરૂપ છે, બંધનું કારણ છે, અને ભગવાન આત્મા તેનાથી શૂન્ય છે. અહા ! લોકમાં નિગોદથી માંડી સિદ્ધ પર્વતના સર્વ જીવો નિજસ્વભાવથી પૂર્ણ ભરપુર છે, ને પરથી શૂન્ય છે. નિગોદની દશાના કાળે કે સિદ્ધની દશાના કાળ–સર્વ અવસ્થાઓમાં એક જ્ઞાયકપ્રભુ ભગવાન આત્મા નિજ ચૈતન્ય સ્વભાવથી પૂર્ણ ભરપૂર છે, ને પરથી શૂન્ય છે. ભાઈ ! દ્રવ્યસ્વભાવ ત્રિકાળ એવો ને એવો છે, તેમાં કદીય ઘટવધ થતી નથી. અહા ! અનંત અનંત કેવળજ્ઞાનની ને સિદ્ધદશાની પર્યાયો પ્રગટી જાય તોય દ્રવ્યસ્વભાવ તો એવો ને એવો જ ઘટ-વધ રહિત રહે છે. આમ સ્વરૂપથી પ્રત્યેક આત્મા નિર્વિકલ્પ, ભરિતાવસ્થ, પૂર્ણ, ચિદાનંદસ્વરૂપ છે. આવો પૂર્ણ નિજસ્વભાવ છે તેને સ્વીકારી તેના આશ્રયે પરિણમતાં શુદ્ધતા ને પૂર્ણશુદ્ધતા પ્રગટે છે. આનું નામ ધર્મ છે.
સમયસારની ૩૪મી ગાથામાં આવ્યું છે કે આત્માને રાગના ત્યાગનું કર્તાપણું નામમાત્ર છે. પરમાર્થ આત્મા રાગના ત્યાગનો કર્તા નથી. એ તો પોતાના સ્વરૂપમાં જ્યાં રમણતા-સ્થિરતા થઈ ત્યાં રાગની ઉત્પત્તિ જ ન થઈ તો તેણે રાગનો ત્યાગ કર્યો એમ વ્યવહારથી કહેવામાં આવે છે. પોતાનું સ્વરૂપ નિજસ્વભાવથી ભરપુર ભર્યું છે, તેની પ્રતિતિ કરી સ્વરૂપમાં સ્થિરતા કરવી તે ચારિત્ર છે. સ્વરૂપસ્થિરતારૂપ આ ચારિત્ર રાગના ત્યાગ સ્વરૂપ છે, તેથી રાગનો ત્યાગ કર્યો એમ નામમાત્ર કહેવામાં આવે છે. પરમાર્થથી રાગનો ત્યાગ કરવો એ વાત આત્માને લાગુ પડતી નથી, કેમકે પરમાર્થે ભગવાન જ્ઞાયકમાં રાગનાં ગ્રહણ-ત્યાગ છે જ નહિ. અહા ! આવા જ્ઞાયકસ્વભાવને અનુસરીનેઆલંબીને જે પર્યાય (ચારિત્રની દશા) પ્રગટ થાય. તે પણ રાગના ગ્રહણ-ત્યાગ રહિત છે. આ રીતે દ્રવ્ય-ગુણપર્યાય ત્રણેય રાગના-વિકારના ગ્રહણથી ને ત્યાગથી શૂન્ય છે. અહા ! આવી અલૌકિક વાત ભગવાન સર્વજ્ઞના શાસન સિવાય ક્યાંય નથી. પણ શું થાય? જૈનમાં જન્મેલાને પણ આની ખબર નથી ! ભાઈ ! જેમ પિતાની મૂડીવારસો હોંશથી સંભાળે તેમ પરમ પિતા-જૈન પરમેશ્વરનો આ વારસો ખૂબ હોંશ લાવી સંભાળવો જોઈએ. (તેમાં જ પોતાનું કલ્યાણ છે).
અહાહા..! ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા એકલા (શુદ્ધ) ચૈતન્યસ્વભાવથી પૂર્ણ ભરપુર છે. તે પરના ગ્રહણત્યાગથી શૂન્ય છે; આવો આત્માનો ત્યાગોપાદાન–શૂન્યત્વ ગુણ નામ સ્વભાવ છે. નિજ ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થઈ પરિણમતાં ભેગું ત્યાગોપાદાનશૂન્યત્વ ગુણનું પરિણમન પણ થાય છે, જેથી પ્રગટ પર્યાયમાં પરદ્રવ્ય-પરભાવનાં ગ્રહણ-ત્યાગ થતાં નથી, પ્રગટ પર્યાય ઘટ-વધ રહિત છે. આ શુદ્ધ પર્યાયની વાત છે, અહીં અશુદ્ધ પર્યાયની વાત નથી. પોતામાં પ્રગટ થતી આવી પર્યાય પૂર્ણ શુદ્ધ હો કે અપૂર્ણ શુદ્ધ હો, તે પર્યાય પૂર્ણ દ્રવ્યને સિદ્ધ કરે છે. સમ્યગ્દર્શનની પર્યાય હો તો પણ તે પર્યાય પૂર્ણ દ્રવ્યને સિદ્ધ કરે છે. માટે તે પર્યાયને પણ પૂર્ણ કહેવામાં આવે છે. હવે આવો મારગ જૈન પરમેશ્વરનો! આ કાંઈ કલ્પનાથી ઊભો કરેલો મારગ નથી, આ તો વસ્તુસ્વરૂપ છે ભાઈ ! કહ્યું છે ને કે
જિન સોહી હૈ આતમા, અન્ય સોહી હૈ કર્મ;
યહી વચનસે સમજ લે, જિન પ્રવચન કા મર્મ. અહા! અંદર ભગવાન જ્ઞાયક પરિપૂર્ણ ભરપુર છે. તેમાં આ એક શક્તિ એવી છે કે દરેક ગુણની પર્યાય પૂર્ણ ભરિતાવસ્થ છે, દરેક ગુણની પર્યાયમાં ટાગોપાદાનશૂન્યત્વશક્તિનું રૂપ છે. જેથી જ્ઞાનની પર્યાય પરયના ગ્રહણત્યાગથી શૂન્ય છે, શ્રદ્ધાની પર્યાય મિથ્યાત્વના ગ્રહણ-ત્યાગથી શૂન્ય છે, ચારિત્રની પર્યાય રાગના-વિકારના ગ્રહણત્યાગથી શૂન્ય છે. આનંદની પર્યાય આકુલતાના ગ્રહણ-ત્યાગથી શૂન્ય છે. અહા ! આ તો અમૃતનાં ઝરણાં વહ્યાં છે ભાઈ ! દિગંબર સંતો-મુનિવરો સિવાય કયાંય આ ઝરણાં છે નહિ. કહે છે–ભગવાન ! તું પરિપૂર્ણ છો નાથ ! ને પરિપૂર્ણમાંથી જે પર્યાય પ્રગટી તેય પૂર્ણ છે, પરના ગ્રહણ-ત્યાગ રહિત છે.
આખું દ્રવ્ય છે તે ગુણી છે, તેમાં શક્તિઓ છે તે ગુણ છે. તે ગુણનું અહીં વર્ણન ચાલે છે. ગુણ કહો, સ્વભાવ કહો કે સનું સત્ત્વ કહો-બધાનો એક જ અર્થ છે. શરૂમાં જ આચાર્યદેવે કહ્યું છે કે “ જ્ઞાનમાત્રમાં અચલિતપણે સ્થાપેલી દષ્ટિ વડ, ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો, તદ્દ અવિનાભૂત અનંતધર્મસમૂહ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com