________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬-ત્યાગ-ઉપાદાનશૂન્યત્વશક્તિ : ૮૯ છે, જિન વચન છે. ભાઈ ! તું રાગથી લાભ થવાનું માને પણ એ તો મિથ્યા માન્યતા છે, કેમ કે રાગ તારા સ્વરૂપમાં જ નથી તો તે તને કેમ લાભદાયક થાય? ખરેખર તો પર્યાયને ગ્રહવી-છોડવી એ વાત પણ દ્રવ્યમાં નથી, ત્યાં તું પરના જે રાગનાં ગ્રહણ-ત્યાગ પોતાને માને એ તો નર્યું મિથ્યાત્વ છે, કેમ કે પરનાં ગ્રહણ-ત્યાગ આત્મામાં છે જ નહિ. વિચાર તો કર. શું જીવે રજકણોને પકડ્યા છે કે તેને છોડે ? સ્ત્રી-કુટુંબ-પરિવાર, મહેલ-મકાન-હજીરા ને ધનાદિ સામગ્રી વગેરેને શું જીવે પકડ્યાં છે કે એને છોડ? બીલકુલ નહિ; એને પકડયાંય નથી, ને એને છોડવાય નથી.
પ્રશ્ન:- તો દીક્ષા વખતે મુનિરાજ એ બધું-ઘરબાર વગેરે છોડે છે ને ?
ઉત્તરઃ- શું છોડે છે? ઘરબાર વગેરે બધું તો ક્યાં છે ત્યાં જ છે. એ તો પહેલાં એ પદાર્થોમાં ઘરબાર વગેરેમાં આસક્તિ હતી તે, વૈરાગ્યવિશેષ થતાં સ્વરૂપલીનતા દઢ–ગાઢ થવાથી, છૂટી જાય છે તો મુનિરાજે એ બધું છોડી દીધું એમ કથનમાત્ર વ્યવહાર કરવામાં આવે છે; બાકી પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ વાસ્તવમાં આત્માને છે જ નહિ; દીક્ષાકાળે મુનિરાજના આત્મામાં કાંઈ ઘટ-વધુ થાય છે એમ છે જ નહિ. આવી વાત! સમજાણું કાંઈ...? અહા ! વસ્ત્રાદિને છોડે કે આહારને ગ્રહણ કરે એવો ચારિત્ર પર્યાયનો સ્વભાવ નથી, ચારિત્ર પર્યાય તો આત્મલીનતારૂપ છે, તેમાં પરના ગ્રહણ-ત્યાગ છે જ નહિ.
અહાહા...! ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ પૂર્ણાનંદનો નાથ છે. તેનામાં કદીય ઘટ–વધ ન થાય એવો તેનો ત્યાગોપાદાનશૂન્યત્વ સ્વભાવ છે. અહાહા...! આ ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિ છે તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. આ શક્તિ દ્રવ્યની બીજી અનંત શક્તિમાં વ્યાપક છે, ને અનંત ગુણની પર્યાયમાં પણ આ શક્તિનું રૂપ છે. તેથી તો દ્રવ્ય-પર્યાયમાં ઘટ-વધ થતી નથી, અર્થાત્ દ્રવ્ય-પર્યાયમાં પારદ્રવ્યની ઘૂસ-પેઠ થતી નથી.
ભાઈ ! અપૂર્ણ શુદ્ધ અને પૂર્ણ શુદ્ધ એવો ભેદ પર્યાયમાં ભલે હો; પણ જે અપૂર્ણ શુદ્ધ પર્યાય છે તેય ઘટ-વધ રહિત આખા-પૂર્ણ દ્રવ્યને સિદ્ધ કરે છે. તેથી એક પર્યાયને પણ ન માનો તો આખું દ્રવ્ય સિદ્ધ નહિ થાય, કેમ કે સર્વ અનંત પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે. સમજાય એટલું સમજો બાપુ! આ તો ગજબની વાત છે. આ તો ખ્યાલમાં આવે તેવું છે, આના પછી અગુરુલઘુત્વગુણ નામની શક્તિનું સૂક્ષ્મ વર્ણન આવશે. તેનું સ્વરૂપ તો કેવળીગમ્ય કહ્યું છે.
બંધ અધિકારમાં (જયસેનાચાર્યદેવની ટીકા) આવે છે કે બંધના નાશ માટે આમ ભાવના કરવી. શું! કે “હું નિર્વિકલ્પ છું, હું ભરિતાવસ્થ છું.’ ભરિતાવસ્થ એટલે પર્યાય નહિ, પણ ભરિતાવસ્થ એટલે નિશ્ચય શક્તિથી પરિપૂર્ણ ભરપુર ભરેલો અવસ્થિત છું. અહાહા...! આવી ઘટ-વધ રહિત અનંત શક્તિથી પૂર્ણ ભરપુર સહજ શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ હું છું લ્યો, આ બંધના નાશ માટેની ભાવના કહી છે.
સંવત ૧૯૬૪ની સાલમાં અમે વડોદરા માલ લેવા ગયેલા. ત્યારે ત્યાં “સતિ અનસૂયા’ નામનું નાટક જોવા ગયેલા. તે નાટકમાં આમ વાત આવતી. અનસૂયાને પુત્ર નહોતો. તે જ્યારે સ્વર્ગમાં ગઈ તો તેને કહેવામાં આવ્યું કે
પુત્રસ્ય ગતિર્નાસ્તિ'—જેને પુત્ર ન હોય તેની સદગતિ થતી નથી. આ તો એક મતની આવી માન્યતા છે, એવું વસ્તુ સ્વરૂપ છે એમ ન સમજવું. અહીં તો દષ્ટાંતમાત્ર વાત છે. તો સ્વર્ગમાં અનસૂયાને કહેવામાં આવ્યું કે-પુત્ર રહિતને સ્વર્ગમાં સ્થાન ન મળે, માટે નીચે જા, અને પહેલાં જે કોઈ પુરુષ સામો મળે તેને વર. આમ તે નીચે આવી ને પ્રથમ સામે મળનાર અંધ બ્રાહ્મણ સાથે તેણે લગ્ન કર્યા. તેને એક પુત્ર થયો. માતા અનસૂયા પુત્રને પારણામાં ઝુલાવતાં આમ કહેતી કે “બેટા, શુદ્ધોડસિ, બુદ્ધોડસિ, નિર્વિકલ્પોડસિ, ઉદાસીનોડસિ”—બેટા, તું શુદ્ધ છો, નિર્વિકલ્પ છો, ઉદાસીન છો. લ્યો, નાટકમાં પણ ત્યારે આવી વૈરાગ્યભરપુર વાતો કહેવાતી. અત્યારે તો ઘણી બધી ગરબડ થઈ ગઈ છે. અરે, જૈનમાં પણ આ વાત ચાલતી નથી !
અહીં કહે છે-ત્રિકાળી દ્રવ્યમાં કમી–વૃદ્ધિ થતી નથી. એવો હું ત્રિકાળ નિર્વિકલ્પ, અભેદ, ઉદાસીન છું. અહાહા...! ધર્મી જીવ એમ ભાવે છે કે-નિત્ય નિરંજન શુદ્ધ ચિદાત્માના સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ, નિશ્ચય નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન, વીતરાગ સહજાનંદરૂપ, સદાય અનુભૂતિમાત્રથી જાણવામાં આવે છે એવો હું સ્વસંવર્ધમાન પૂર્ણ છું. અહાહા..! રાગ-દ્વેષ-મોથી રહિત, દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી રહિત, પંચેન્દ્રિયના વિષય વ્યાપારથી ને મન-વચન-કાયના વ્યાપારથી રહિત એવો ત્રિકાળ જ્ઞાનરસ, આનંદરસ, શ્રદ્ધારસ, ચારિત્રરસ, શાંતરસએમ અનંત ગુણોના રસથી ભરિત-પૂર્ણ એક હું છું. જુઓ, આ ભાવના!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com