________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૫ : ૩૧૫
પહેલું તત્ત્વજ્ઞાન થાય પછી વ્યવહાર કેવો હોય તેની ખબર પડે છે. હવે આ શ્વેતાંબર મત નવો નીકળેલો અન્યમત છે. પં. શ્રી ટોડરમલજીએ તેને અન્યમત કહ્યો છે એમ એને શું કહીએ ? ( એમ કે એ વાત સાંપ્રદાયિક બુદ્ધિવાળાને ગળે ઉતરે નહિ) એટલે કહ્યું કે તત્ત્વદષ્ટિ-આત્મદૃષ્ટિ થયા પછી જ સત્યાર્થ વ્યવહાર કેવો હોય છે તેની સમજ આવે છે. વિના તત્ત્વજ્ઞાન સાચો વ્યવહાર નહિ સમજાય. હવે જૈન સંપ્રદાયમાં પડેલા હોય તેને આવી સાચી વાત સાંભળવાય મળે નહિ એ બિચારા ક્યારે વિચારે ને ક્યારે અંદરમાં વસ્તુનો પ્રયોગ કરે? અરેરે ! તેઓ બિચારા જીવન હારી જાય છે.
અહીં કહે છે-આત્મા-જ્ઞાનમાત્રવસ્તુનું તત્ત્વ અબાધિત છે. ત્યારે કોઈ વળી યુક્તિ વડે કહે છે– તમે જ્ઞાનમાત્ર કહો છો એ એકાન્ત છે. (એમ કે આત્મામાં તો અનંત ગુણ છે ને તમે જ્ઞાનમાત્ર કહો છો તેથી તે એકાન્ત છે).
અરે પ્રભુ! તું સાંભળ તો ખરો. આ એકાન્ત વચન નથી. આત્માને જ્ઞાનસ્વરૂપ કહ્યો એમાં આ જ્ઞાન છે –એમ અસ્તિત્વ ગુણ આવી ગયો, આ જ્ઞાન જ છે એમ એમાં શ્રદ્ધાગુણ આવી ગયો, જ્ઞાનમાં જ સ્થિરતા કરવી-એમ એમાં ચારિત્રગુણ પણ આવ્યો. જ્ઞાન જ મહિમાવંત છે એમ એમાં પ્રભુતાગુણ આવી ગયો. આ પ્રમાણે જ્ઞાનમાત્ર કહ્યો તેમાં કાંઈ એકલું જ્ઞાન એમ ક્યાં છે? એમાં તો અભેદપણે અનંતગુણ સમાઈ જાય છે. જ્ઞાનમાત્રવસ્તુમાં તેના અનંત ગુણનો નિષેધ નથી, પણ શરીરાદિ અને રાગાદિ પર પદાર્થોનો નિષેધ છે. આ પ્રમાણે જ્ઞાનમાત્રવસ્તુ કહેવાથી અનેકાન્ત છે, એકાન્ત નથી. સમજાણું કાંઈ...?
અરે! દુનિયા ક્રોડો ને અબજોની સંપત્તિમાં સુખ માનીને બેઠી છે. પણ શાસ્ત્રકારો એવા બધાને ‘વરાળા:’ એટલે બિચારા-રાંકા-ભિખારી કહે છે. તૃષ્ણાવંત છે ને ! બહારથી લાવ.. લાવ-બાગ લાવને બંગલા લાવ, આ લાવ ને તે લાવ-એમ માગણવેડા કરે છે તે બધા વિષયોના માગણ ભિખારી છે. ભાઈ! આ ક્રોડપતિ ને અબજોપતિ બધા ભિખારી છે; કેમકે અંદર અનંત જ્ઞાનલક્ષ્મીથી ભરપુર પોતાનો ચૈતન્યમહાપ્રભુ વિરાજે છે તેની એને ખબર નથી. અરે ભાઈ! જે ચીજ તારા સ્વરૂપમાં નથી તેને તું તારી પોતાની કેવી રીતે માને છે! એ બધા વિષયો તારી નજીક (સંયોગમાં) આવે છે તે તેના કારણથી આવે છે ને ખસી જાય છે તે તેના કારણથી જાય છે. તેમાં મમત્વ કરીને પ્રભુ ! તું નાહક દુ:ખી શા માટે થાય છે? અંદર જો તો ખરો! મિથ્યા યુક્તિ વડે બાધિત ન થાય એવું તારું ચૈતન્યતત્ત્વ અનંત-જ્ઞાન-આનંદ-શાન્તિ-વીતરાગતા આદિ અનંત ગુણમહિમાથી ભરેલું છે. તેને અંતર્દષ્ટિ વડે જોતાં જ તું ન્યાલ થઈ જઈશ. અહા ! તેને કોઈ બાધા ન પહોંચાડી શકે તેવું તારું અબાધિત તત્ત્વ છે. સમજાણું કાંઈ..?
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com